મુંબઈ: તાજેતરમાં જ અભિનેત્રી કેટરિના કૈફ અંબાણી પરિવારના ગણેશોત્સવમાં જોવા મળી હતી. જેમાં તે ટ્રોલર્સ દ્વારા બોડી શેમિંગનો શિકાર બની હતી. કેટરીના હાલમાં મધરહૂડ એન્જોય કરી રહી છે, પરંતુ લોકોને તેના વધેલા વજનથી પણ તકલીફ છે. હાલમાં જ એક્ટર સલમાન ખાને બિગ બોસ 20 માં આ ટ્રોલિંગનો જડબાતોડ જવાબ આપ્યો હતો. સલમાને કેટરીનાને ડિફેન્ડ કરતા આ મુદ્દા પર ખુલીને ચર્ચા કરી હતી.
'બિગ બોસ 20' ના હાલના 'વિકેન્ડ કા વાર' ના એપિસોડમાં એક્ટર-હોસ્ટ સલમાન ખાને સેલિબ્રિટીઝની સતત ટીકા કરવા પર નિશાન સાધ્યું હતું. જેમાં એક્ટર્સના શરીર, ઉંમર, દેખાવ, અંગત જીવન અને પ્રેગ્નેન્સી બાદ વધતા વજનને પણ ટાર્ગેટ કરી બોડી શેમિંગ કરવામાં આવે છે.
કેટરીનાને ટ્રોલ કરનારાઓ પર કર્યા આકરા પ્રહારો
સલમાને ઘણા મુદ્દાઓ પર વાત કરી, હાલમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સલમાને તેની કો-સ્ટાર કેટરીના કૈફની પ્રેગનેન્સી બાદના લુકના ટ્રોલિંગ પર આ વાત કરી હોવાની ચર્ચા છે. સલમાને કેટરીનાનું નામ લીધા વગર કહ્યું, 'કોઈપણ મહિલાનું વજન વધે છે અને ફરી એ જ વાતો થવા માંડે છે કે જાડી થઈ ગઈ છે, ખરાબ લાગી રહી છે. તમે પ્રેગ્નેન્ટ મહિલાને ટ્રોલ કેમ કરો છો, પ્રેગ્નેન્ટ થયા બાદ દરેક મહિલાનું વજન વધે છે. જયારે તે પિક્ચરમાં પરત ફરશે ત્યારે ફરી ફિટ થઈને જ આવશે. હાલમાં તે પોતાના પરિવાર સાથે સમય પસાર કરી રહી છે.
સ્ટેજ પર શર્ટ ઉતારી આપી ટ્રોલર્સને ચેતવણી
સલમાને પોતાની ઉંમરને લઈને થઈ રહેલી ટીકા અંગે પણ વાત કરી હતી. તેણે ટ્રોલર્સને કહ્યું કે હા, તેઓ 60 વર્ષના છે અને હવે દાયકાઓ પહેલાં જેવા દેખાઈ શકે નહીં. એટલું જ નહીં, ટ્રોલર્સ સાથે દલીલ કરવાને બદલે સલમાને સ્ટેજ પર જ પોતાની કાઉબોય હેટ, જેકેટ અને ટી-શર્ટ ઉતારી લીધો હતો. ત્યારબાદ તેણે પોતાનો મેકઅપ પણ સાફ કરી નાખ્યો અને જાણે પોતાને જ ટ્રોલિંગ માટે રજૂ કરતાં કહ્યું, 'હવે કરો ટ્રોલ.'
ટ્રોલર્સને જવાબ આપતાં સલમાને કહ્યું, 'તમે જે કમેન્ટ કરો છો ને, કોઈપણ વ્યક્તિ વિશે કરતા પહેલાં પોતાનો ચહેરો જોઈ લો અને પહેલાં પોતાના માતા-પિતાની તબિયત જુઓ. ત્યારબાદ આવી કમેન્ટ કરજો. ચાલો, તમે મને કહી શકો કે ભાઈ, તમારું વજન વધી ગયું છે કે ઘટી ગયું છે. પરંતુ કોઈની મજાક ઉડાવવાની શું જરૂર છે? હવે કરો જેટલી ટ્રોલિંગ કરવી હોય એટલી. ફાટેલા જૂતાં પણ પહેરું છું, એ પણ પહેરીને આગામી વખતે આવીશ.'
સલમાને ટ્રોલિંગ કરવાને બદલે તેમના કામ અંગે સારી કે ખરાબ વાત કરવાની અપીલ કરી હતી. તેણે કહ્યું, 'કહો કે તમારું આ કામ સારું નથી અથવા આ ફિલ્મ તમને પસંદ આવી નથી. પરંતુ ગાળો આપવાની શું જરૂર છે? શું અમે ગાળો આપી શકતા નથી?'
ડિપ્રેશન અંગે પણ કરી વાત
સલમાને ટ્રોલિંગને કારણે થતી માનસિક પરેશાની અંગે પણ વાત કરી. તેણે કહ્યું કે 'આવી વાતોના કારણે ઘણા લોકો ડિપ્રેશનમાં જાય છે અને અનેક આત્મહત્યાના કિસ્સાઓ સામે આવ્યા છે. તેમણે ટ્રોલર્સની ભાષા અને વર્તન અંગે પણ સવાલ ઉઠાવ્યો. તમારે ફિલ્મ નથી જોવી તો ન જુઓ. તમે ફિલ્મ જોવા માટે ટિકિટ ખરીદી છે, અમને ખરીદ્યા નથી.'