શિમલા: હિમાચલ પ્રદેશના રાજકારણમાં નિવેદનબાજીનો દૌર વધુ તેજ બન્યો છે. રાજ્યના મુખ્ય પ્રધાન સુખવિંદર સિંહ સુક્ખૂ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી પર ભાજપના રાજ્યસભા સાંસદ હર્ષ મહાજને આકરા પ્રહારો કર્યા છે. સીએમ સુક્ખૂ પર કટાક્ષ કરતા હર્ષ મહાજને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ‘ગુરુ એ ગુરુ હોય છે અને ચેલો એ ચેલો રહે છે’. વધુમાં તેમણે ઉમેર્યું કે મુખ્ય પ્રધાને વિચાર્યા વગર આવી નિવેદનબાજી ન કરવી જોઈએ.
વધારે વિગતે વાત કરવામાં આવે તો, ક્યારકોટી ખાતે એક એમ્બ્યુલન્સને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવાના કાર્યક્રમ દરમિયાન હર્ષ મહાજને આ વાત કહી હતી. આ પ્રસંગે પૂર્વ પ્રધાન સુરેશ ભારદ્વાજ અને જિલ્લા પરિષદના સભ્ય ખુશ વિક્રમ સેન પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા. મહાજને વિપક્ષી પાર્ટી પર પ્રહાર કરતા જણાવ્યું કે, કોંગ્રેસનું ભવિષ્ય હવે અંધકારમય છે, જ્યારે ભાજપ માટે આગળ ઉજ્જવળ પ્રકાશ છે. તેમણે દાવો કર્યો કે ભાજપની નીતિ એકદમ સ્પષ્ટ છે અને પક્ષ આગામી તમામ ચૂંટણીઓ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
શા માટે શરૂ થયો વિવાદ?
આ વિવાદના મૂળ કારણની વાત કરવામાં આવે તો, તાજેતરમાં મુખ્ય પ્રધાન સુખવિંદર સિંહ સુક્ખૂએ એક જાહેર નિવેદનમાં હર્ષ મહાજન પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, મહાજન જ્યારે પણ કોંગ્રેસમાં સલાહકાર તરીકે રહ્યા ત્યારે પાર્ટીનો પરાજય થયો હતો. સુક્ખૂએ એવો પણ દાવો કર્યો હતો કે મહાજનની સલાહને કારણે જ પૂર્વ સીએમ વીરભદ્ર સિંહ પોતાની સરકાર રિપીટ કરી શક્યા ન હતા અને અત્યારે તેઓ ભાજપના સલાહકાર બનીને બેઠા છે.
સીએમના આ આરોપનો જવાબ આપતા હર્ષ મહાજને જણાવ્યું કે તેઓ વીરભદ્ર સિંહના રાજકીય શિષ્ય રહ્યા છે. વીરભદ્ર સિંહ 84 વર્ષની વય સુધી અને જીવનના અંતિમ શ્વાસ સુધી રાજકારણમાં સક્રિય રહ્યા હતા. આ સાથે જ તેમણે વિક્રમાદિત્ય સિંહના નિવેદનને માત્ર એક રાજકીય સ્ટંટ ગણાવ્યો હતો.