Tue Oct 20 2026

Logo

એશિયન ગેમ્સમાં તેજિન્દરપાલ તૂરને બદલે પવન સેહરાવત કેમ ભારતનો ધ્વજવાહક બન્યો?

Nagoya   2026-09-19 19:25:00
Author: Ajay Motiwala
એશિયન ગેમ્સમાં તેજિન્દરપાલ તૂરને બદલે પવન સેહરાવત કેમ ભારતનો ધ્વજવાહક બન્યો?

નાગોયાઃ અહીં એશિયન ગેમ્સની શનિવારની ઓપનિંગ સેરેમનીમાં ધ્વજવાહક (Flag bearer)  તરીકે ભારતીય ઍથ્લીટોના સંઘનું નેતૃત્વ ઑલિમ્પિક્સ મેડલ વિજેતા મનુ ભાકર (Bhakar)ની સાથે ગોળા ફેંકનો ચંદ્રક વિજેતા તેજિન્દરપાલ સિંહ તૂર (Toor) જોડાવાનો હતો, પરંતુ છેલ્લી ઘડીએ ભારતીય સત્તાધીશો દ્વારા ફેરફાર કરવામાં આવ્યો અને તૂરના સ્થાને કબડ્ડી ખેલાડી પવન સેહરાવતને મનુ ભાકરની સાથે જોડાઈ જવા કહેવામાં આવ્યું હતું જેનું કારણ અનોખું, હાસ્યાસ્પદ અને ચર્ચાસ્પદ છે.

તેજિન્દરપાલ સિંહ તૂર ગોળા ફેંકનો ઍથ્લીટ છે અને તેનો સમાવેશ ભારતના ઍથ્લેટિક્સ સાથે સંકળાયેલા સ્પર્ધકોમાં થાય છે. આ તમામ ઍથ્લીટો પાસે ઓપનિંગ કે ક્લોઝિંગ સેરેમનીને લગતી કિટ હતી જ નહીં, કારણકે તેઓ ભારતીય એશિયન ગેમ્સના આયોજકોના શેડ્યૂલ મુજબ આ બેમાંથી કોઈ પણ સેરેમનીમાં ભાગ નહોતા લેવાના એટલે ઍથ્લીટોને માત્ર તેમની સ્પર્ધા માટેની કિટ આપવામાં આવી હતી. તૂરની પ્રસંગ સંબંધિત કિટ ભારતમાં જ પડી હતી. જોકે શુક્રવારે (છેલ્લી ઘડીએ) નક્કી કરવામાં આવ્યું હતું કે મનુ ભાકરની સાથે તેજિન્દરપાલ સિંહ તૂર ભારતીય સંઘનું ધ્વજ સાથે નેતૃત્વ સંભાળશે.

તેજિન્દરપાલ સિંહ તૂરે પત્રકારોને કહ્યું, `સેરેમનીને લગતી મારી કિટ જાપાનમાં નાગોયા વિમાનીમથકે બપોરે 3.00 વાગ્યે પહોંચવાની હતી. ત્યાંથી એ કિટ મેળવીને ઓપનિંગ સેરેમનીના સ્થળે સમયસર પહોંચવું મારા માટે શક્ય નહોતું એટલે મેં આયોજકોને વાકેફ કરી દીધા હતા કે મારી કિટ નથી આવી એટલે હું ધ્વજવાહક તરીકે હાજરી નહીં આપી શકું.'

ભારતીય ઍથ્લીટો ટોક્યો શહેરની ત્સુકુબા યુનિવર્સિટીમાં તાલીમ લઈ રહ્યા છે, જ્યારે ઓપનિંગ સેરેમનીનો સમારોહ નાગોયામાં યોજાયો હતો. ફ્લૅગબેરર તરીકે મનુ ભાકરની સાથે તૂરને બદલે કબડ્ડીના ચૅમ્પિયન ખેલાડી પવન સેહરાવતના નામની જાહેરાત કરાઈ હતી. પાછલી એશિયન ગેમ્સમાં ભારત કબડ્ડીનો ગોલ્ડ મેડલ જીત્યું હતું અને પવન સેહરાવત એ વિજેતા ટીમમાં હતો.