નવી દિલ્હીઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રશિયા પર પ્રતિબંધો લાદતા નવા કાયદા પર હસ્તાક્ષર કર્યા બાદ ભારત પર તેની સંભવિત અસરને લઈને કેન્દ્રીય વિદેશ રાજ્ય પ્રધાન કીર્તિ વર્ધન સિંહે ભારત સરકારનું વલણ સ્પષ્ટ કર્યું છે. કેન્દ્રીય વિદેશ રાજ્ય પ્રધાન કીર્તિ વર્ધન સિંહેએ ભારપૂર્વક જણાવ્યું કે, ભારત એક સ્વતંત્ર વિદેશ નીતિનું પાલન કરે છે અને દેશના લોકોના કલ્યાણ તથા આર્થિક હિતોને ધ્યાનમાં રાખીને જ તમામ નિર્ણયો લેશે.
અમેરિકાના કાયદાની ભારત અને ચીન પર અસર
વધારે વિગતે વાત કરવામાં આવે તો, વ્હાઇટ હાઉસ દ્વારા જારી કરવામાં આવેલા અધિકૃત નિવેદન અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા અને ઈરાન પર કડક પ્રતિબંધો લાદતા બિલને મંજૂરી આપીને કાયદાનું રૂપ આપ્યું છે. આ નવા કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય રશિયા પાસેથી એનર્જી અને ક્રૂડ ઓઈલ ખરીદતા મુખ્ય દેશો ખાસ કરીને ભારત અને ચીન પર ભારે ટેરિફ અને આર્થિક ચાર્જ લાદવાનો છે, જેથી મોસ્કોની આવક પર અંકુશ લગાવી શકાય.
દેશના નાગરિકો અમારી સરકારની સૌથી પહેલી પ્રાથમિકતા
અમેરિકાના આ પગલાં અંગે પ્રતિક્રિયા આપતા વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે જણાવ્યું હતું કે, ‘ભારતના નાગરિકો અમારી સરકારની સૌથી પહેલી પ્રાથમિકતા છે. દેશની જનતાને ફાયદો થાય તેવા દરેક જરૂરી પગલાં અમે ચોક્કસ ઉઠાવીશું. ભારત પોતાના નિર્ણયો કોઈ અન્ય દેશના નિર્દેશો કે દબાણ હેઠળ લેતું નથી. દેશની આર્થિક મજબૂતી અને સ્થિરતા જાળવી રાખવા માટે અમે નિર્ણાયક પગલાં લેતા રહીશું’.
#WATCH | Lucknow, UP: Responding to a question on the Russian Sanctions Bill and its possible impact on India, MoS MEA Kirti Vardhan Singh says, "The people of India are the top priority for our government. We will take every measure that benefits our public. We will take decisive steps to ensure the strength and stability of our nation and its population. We maintain an independent foreign policy; we do not align ourselves based on the dictates of other nations but rather act in the best interests of our own country. We have consistently maintained that the tariffs being imposed are unfair, and we do not operate under pressure from any other nation. Energy is a primary concern for us; we will source energy for our country and our people from wherever we find commercially viable and economical options."
— ANI (@ANI) September 19, 2026
વધુમાં કીર્તિ વર્ધન સિંહેએ કહ્યું કે, ભારત પોતાની સ્વતંત્ર વિદેશ નીતિ પર મક્કમ છે અને કોઈપણ અન્ય દેશના કહેવાથી કોઈ ચોક્કસ જૂથ કે જૂથબંધીમાં સામેલ થવાને બદલે માત્ર પોતાના રાષ્ટ્રીય હિતો માટે કામ કરે છે. અમેરિકા દ્વારા લાદવામાં આવી રહેલા ઊંચા ટેરિફ અંગે ભારતના વલણનો પુનરોચ્ચાર કરતા તેમણે સ્પષ્ટ કર્યું કે ભારત આ પ્રકારના ટેરિફને હંમેશાં અન્યાયી અને અયોગ્ય માનતું આવ્યું છે. ભારતની ઊર્જાની જરૂરિયાતો અંગે કહ્યું કે, ‘અમે અમારા દેશ અને લોકો માટે ઊર્જા ત્યાંથી મેળવીશું જ્યાંથી અમને વ્યાવસાયિક રીતે લાભદાયક અને પરવડે તેવા વિકલ્પો મળી રહેશે’.