નાગોયાઃ જાપાનમાં એશિયન ગેમ્સના આયોજન વિશે ધાંધિયા છે ત્યારે જાપાનમાં રહેતા ભારતીય મૂળના લોકોએ આ રમતોત્સવમાં ભાગ લેવા આવેલા ભારતીય ઍથ્લીટોને રહેવાની સુવિધા પૂરી પાડવાની ઑફર કરી છે. લગભગ 2,000 જેટલા ભારતીય મૂળના નિવાસીઓને ત્યાં સ્પર્ધકોના રહેવાની વ્યવસ્થા થઈ શકે એવી ગોઠવણ થઈ રહી છે.
ગેમ્સ વિલેજ નથી એટલે ધાંધિયા
જાપાનમાં ભારતથી 500થી પણ વધુ ઍથ્લીટો-ખેલાડીઓ એશિયન ગેમ્સમાં ભાગ લેવા ગયા છે. તેમની સાથે 200થી પણ વધુ કોચિંગ સ્ટાફ સહિતના અધિકારીઓ છે. ઍથ્લીટો માટેની રહેવાની વ્યવસ્થા બાબતમાં નાગોયામાં ગેરવ્યવસ્થા છે. સામાન્ય રીતે કોઈ પણ મોટા રમતોત્સવ પહેલાં ઍથ્લીટો અને ખેલાડીઓ માટે ગેમ્સ વિલેજ બનાવવામાં આવતું હોય છે, પરંતુ જાપાન (Japan)ના સત્તાધીશોએ ખર્ચમાં કાપ મૂકવાના હેતુથી એશિયન ગેમ્સ વિલેજ નથી બનાવ્યું અને સ્પર્ધકો માટે ક્રૂઝ શિપમાં અથવા લાકડાંના તથા લોખંડના કન્ટેનર્સમાં બનાવવામાં આવેલા રૂમોમાં રહેવાની વ્યવસ્થા કરી છે. જોકે 45 દેશના 17,000 જેટલા સ્પર્ધકો તથા અધિકારીઓ જાપાનમાં આવ્યા છે જેમાંના ઘણાએ રહેવા માટેની વ્યવસ્થા બાબતમાં નારાજગી અને વિરોધ વ્યક્ત કર્યા છે. તેમના મતે પોતાની કિટ રાખવા જેટલી પણ જગ્યા નથી એટલા બધા નાના રૂમ (ROOM) ફાળવવામાં આવ્યા છે તેમ જ પલંગની સાઇઝ પણ ઠીક નથી.
ઇન્ડિયન ઑલિમ્પિક અસોસિયેશન (IOA)એ કેટલાક ભારતીય ઍથ્લીટોને ક્નટેનરના રૂમમાંથી હૉટેલમાં રહેવાની વ્યવસ્થા કરી આપી છે તેમ જ બીજી કેટલીક હૉટેલ-રૂમો બુક કરી રાખી છે.
આઇઓએના ખજાનચી અને જાપાનમાં ભારતીય સંઘના ચીફ સહદેવ યાદવે કહ્યું છે, `ભારતીય ઍથ્લીટો માટે જો રૂમ પૂરતી નહીં હોય તો અહીં ઘણા ભારતીય પરિવારો છે જેમને ત્યાં તેમની રહેવાની વ્યવસ્થા થઈ શકશે. આ પરિવારો ઍથ્લીટોને પોતાને ત્યાં રહેવાની વ્યવસ્થા કરી આપવા ઉત્સુક છે.'
ભારતના પુરુષ ક્રિકેટરો રવિવારે જાપાન જવા રવાના થયા બાદ બાવીસમીએ જાપાન સામે ઐતિહાસિક મૅચ રમશે. એશિયન ગેમ્સમાં શ્રેયસ ઐયરના સુકાનમાં ભારતની પ્રથમ મૅચ 28મી સપ્ટેમ્બરે રમાશે.