નાગોયાઃ 20મી એશિયન ગેમ્સ (Asian Games)માં ક્રિકેટ સહિત અમુક રમતોની કેટલીક ઇવેન્ટ થોડા દિવસથી શરૂ થઈ ચૂકી છે, પરંતુ આ રમતોત્સવનો સત્તાવાર આરંભ શનિવારે જાપાનમાં હાઇ-ટેક ઓપનિંગ (Opening) સેરેમની સાથે થયો હતો. આ રંગારંગ સમારોહ મિઝુહો પાર્ક ઍથ્લેટિક સ્ટેડિયમમાં થયો હતો.

બે કલાકના સમારંભનો જાપાનના રાજા નારુહિતો, રાણી મસાકો, પ્રિન્સ અકિશિનો, રમતોત્સવના પ્રમુખ તેમ જ પ્રિન્સેસ કિકોની હાજરીમાં થયો હતો. આ પ્રસંગે ઑલિમ્પિક કાઉન્સિલ ઑફ એશિયાના પ્રમુખ શેખ જોઆન બિન હમાદ અલ થાની પણ ઉપસ્થિત હતા.

ઍથ્લીટોની પરેડમાં અફઘાનિસ્તાનથી શરૂઆત થઈ હતી. ભારતના 501 ઍથ્લીટ-ખેલાડીના સંઘની આગેવાની 2024ની પૅરિસ ઑલિમ્પિક્સમાં બે બ્રૉન્ઝ મેડલ જીતનાર શૂટર મનુ ભાકર તથા કબડ્ડી ખેલાડી પવન સેહરાવતે ગર્વભેર સંભાળી હતી. બે કલાકની સેરેમનીની શરૂઆત જાપાનના રાષ્ટ્ર ગીત સાથે શરૂ થઈ હતી. જાપાનના આત્મ-સંરક્ષણ દળના નવ મેમ્બર સ્ટેજ પર યજમાન જાપાનનો રાષ્ટ્ર ધ્વજ લઈ આવ્યા હતા અને ફરકાવ્યો હતો. ત્યાર બાદ સ્ટેડિયમમાં અંધકાર છવાઈ ગયો હતો અને સ્પૉટલાઇટ માત્ર રાષ્ટ્ર ધ્વજ પર પડતાં એ સૌનું આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. કુલ 45 દેશના ઍથ્લીટો-ખેલાડીઓ આ રમતોત્સવમાં ભાગ લઈ રહ્યા છે.
જાપાનના રાજવી પરિવારની હાજરીમાં એશિયન ગેમ્સનો સત્તાવાર આરંભ થયો હતો. ક્રિકેટ સહિતની જે રમતોની હરીફાઈઓ તથા ઇવેન્ટની શરૂઆત થઈ ચૂકી છે એમાં મહિલા ક્રિકેટ પણ સામેલ છે. હરમનપ્રીત કૌરના સુકાનમાં ભારતીય ટીમ સેમિ ફાઇનલમાં પહોંચી ગઈ છે.