Thu May 07 2026

Logo

આવી છે આપણા સંસ્કારની સુવાસ...

2026-05-07 10:14:00
Author: Neela Sanghvi
Article Image

નીલા સંઘવી

ચંદ્રકાન્તભાઈનાં પત્નીનું અવસાન થયું.  પત્ની સાથે એ ગુજરાતના નાનકડા ગામમાં રહેતા હતા અને તેમનો એક માત્ર પુત્ર તેની પત્ની સાથે મુંબઇમાં રહેતો હતો. માતાના અવસાનના સમાચાર મળતા જ પુત્ર સૌરભ  પત્ની મીતા   સાથે ગામમાં આવ્યો. સૌરભ મા-બાપના આંખનું રતન હતો. એમાંય સૌરભ માની બહુ નજીક. પિતાજીથી થોડું અંતર એ નાનપણથી રાખતો ,  કારણ તેને આજ સુધી નથી સમજાયું કે આમ કેમ ? કારણ કે ચંદ્રકાન્તભાઇ તો સાલસ સ્વભાવના, ક્યારેય ઊંચે સાદે નહીં બોલનારા, ભાગ્યે જ ગુસ્સે થનારા છતાંયે સૌરભ અને તેના પિતા વચ્ચે એક અણદીઠી  દીવાલ હતી તે વાત નકારી શકાય નહીં. પિતા સાથે સૌરભ ક્યારેય ખૂલીને વાત કરી શકતો નહીં. મા સાથે દિલની બધી જ વાત કરતો. આવી મમતાળુ માતાને ગુમાવીને સૌરભ બહુ જ દુ:ખી હતો.  પિતા પ્રત્યે પણ એને  અપાર પ્રેમ હતો. તે જાણતો હતો કે પિતાએ પેટે પાટા બાંધીને એને ભણાવ્યો છે. આજે પોતે જે કાંઇ છે તેમાં માતા-પિતાનું બહુ મોટું યોગદાન છે.

માતાના અવસાન પછી મરણોત્તર જે વિધિઓ કરવાની હતી તે બધી પૂર્ણ કરીને ઘરે આવેલા મહેમાનો ગયા. હવે ઘરમાં રહી ગયા ફક્ત ત્રણ  જ -ચંદ્રકાન્તભાઇ, સૌરભ અને એની પત્ની મીતા. સૌરભ- મીતાની રજાઓ પણ પૂરી થતી હતી તેથી બે-  ચાર દિવસમાં તેમણે  પણ મુંબઈ જવાનું હતું. સૌરભ મુંઝાતો હતો. પપ્પા એકલા કેવી રીતે રહેશે? આજ સુધી તો માતા-પિતા બન્ને હતા તો એકમેકને સહારે જીવતાં હતાં, પણ હવે પપ્પાનું શું ? એ  શું ખાશે પીશે ??પપ્પાને તો મમ્મીના હાથની સ્વાદિષ્ટ રસોઇ જમવાની આદત છે. મીતા  પણ સસરાની ચિંતા હતી તેથી એણે  ચંદ્રકાન્તભાઇને કહ્યું, ‘પપ્પા, હવે તમારે અહીં એકલા રહેવાનું નથી,  અમારી સાથે મુંબઇ આવો... આવવાનું છે. અમારું બન્નેનું કામ જો મુંબઇમાં ન હોત તો અમે જ અહીં રોકાઈ જાત.’ 

‘પણ બેટા, હું ત્યાં શું કરીશ?’  ચંદુભાઈ અવઢવમાં હતા.     

‘ટી.વી. જોજો..  ગાર્ડનમાં જજો ત્યાં તમને તમારી ઉંમરના મિત્રો મળી જશે’   મીતાની   વાતમાં સૌરભે પણ સૂર પુરાવ્યો. દીકરા-વહુના આગ્રહને કારણે ચંદુભાઇ મુંબઇ દીકરાને ઘેર રહેવા આવ્યા.

મુંબઇના ઘર તો મેચ બોક્સ જેવડા. એક બેડરૂમ, હોલ, કિચનના ફલેટમાં સ્વાભાવિક રીતે જ ચંદુભાઇને હોલમાં રહેવાનું થાય. મીતા  સવારના વહેલી ઊઠી જાય. રસોઇ બનાવે. ચા-નાસ્તો બનાવે. ચંદુભાઇને ચા નાસ્તો આપી દે, પોતે બન્ને નાસ્તો કરી લે. પછી બન્ને જણના ટિફિન ભરીને, ચંદુભાઈ માટે જમવાનું ઢાંકીને સૌરભ-મીતા  નીકળી જાય કામ પર સાંજે પાછા આવતી વખતે મીતા  શાકભાજી લેતી આવે અને રસોઇ બનાવે. થોડી વાર વાતો કરે, ટી.વી. જુએ, જમીને સૂઇ જાય. ચંદુભાઇ આ બધું જુએ. એમને થાય કે મીતાને બહુ  કામ રહે  છે. એ છોકરી બિચારી થાકી જતી હશે. એટલે એણે મીતાનો  બોજ ઓછો કરવાનું નક્કી કર્યું. હવે મીતા  આવે તે પહેલા ચંદુભાઇ શાકભાજી લઇ આવતા.  શાક જે સમારી પણ આપે.  મીતા  ના પાડતી: 

‘પપ્પા, તમે આવું કેમ કરો છો?’

‘મને ગમે છે કરવું, મારો સમય પસાર થાય અને તને થોડી મદદ થઇ જાય. તું મને ના ન કહેતી પપ્પાના આગ્રહ સામે મીતાએ  નમતું જોખ્યું. થોડા સમયમાં મીતાને પ્રમોશન મળ્યું એટલે કામના કલાક વધી ગયા. જોકે પગાર વધી ગયો તેથી રસોઇવાળી બાઇ રાખી લીધી. તો પણ મીતાને ઘણું કામ રહેતું  હતું તેથી ચંદુભાઇ અકળાતા હતા. 

‘શું કહું તને દોસ્ત, મીતા કેટલું કામ કરે છે, મારાથી તો જોવાતું નથી. મારે લીધે પણ એને થોડું કામ વધારે પહોંચે. મને કયારેક ડોકટર પાસે લઇ જવો પડે, કયારેક ચશ્માં લેવા લઈ જવો પડે. સૌરભ તો મીતા કરતાં યે વધારે વ્યસ્ત છે. તેથી મારું બધું કામ મીતા વહુએ  સંભાળવું પડે છે..... હવે ગામમાં પાછા જવાનું વિચારું,  પણ ત્યાં જઇને તો શું કરું ? વિચારું છે કે કોઈ સારા વૃદ્ધાશ્રમમાં ચાલ્યો જાઉં. દીકરા-વહુની માથે બોજ બનવા કરતાં...’   

ચંદુભાઈ એમના કોઈ મિત્ર સાથે વાત કરતાં હતા ને મીતા પોતાની ચાવીથી દરવાજો ખોલીને ઘરમાં આવી. છેલ્લાં  બે વાકય તેના કાને પડ્યાં. એ ચંદુભાઇ પાસે સોફા પર બેસી ગઇ.  ચંદુભાઇના હાથ પકડ્યા ને રડવા લાગી: 

‘પપ્પા, મારી ક્યાં ભૂલ થઈ ગઈ? તમને કાંઇ ઓછું આવ્યું? તમારે કાંઇ જોઇએ છે? તમે વૃદ્ધાશ્રમમાં જવાની વાત કેમ કરો છો?

‘અરે, બેટા કાંઇ ભૂલ નથી થઇ તારી. પણ તારા માથેે કેટલો કામનો બોજ છે, તેમાં મારી સાર સંભાળ  રાખવાનું  વધારાનું કામ  એટલે વિચારતો હતો કે વૃદ્ધાશ્રમમાં જાઉં.

‘પપ્પા, આજે બોલ્યા તે બોલ્યા. હવે આ શબ્દો ક્યારેય બોલતા નહીં તમે મારા-અમારા  પર બોજ છો? અરે, પપ્પા તમારા આવવાથી ઘર ઘર લાગે છે. બાકી અમે બન્ને તો લોજિંગ બોર્ડિંગમાં રહેતા હોય એમ રહેતાં  હતાં. તમે ઘરમાં હો છો તો મને કેટલી  નિરાંત રહે છે. બાઇ વહેલી-મોડી થાય તો દરવાજો ખોલવા ઘરમાં કોઇક છે. શાકભાજી તમે લાવો છો, હવે તો કરિયાણું પણ તમે લાવો છો, રસોયણ બહેન પાસે માથે ઊભા રહીને રસોઇ તમે કરાવો છો. પપ્પા,  તમને ખબર છે હું આવું બેલ મારું ને તમે દરાવાજો ખોલો તો એટલું સારું લાગે છે. 
નહીં તો જેવી લિફટમાં જાઉં કે મોટા પર્સમાં ચાવી શોધવા લાગું તેથી લિફટ સાથે હોય તેવા પાડોશીને હાય-હલ્લો પણ નહોતી કરી શકતી. હવે ચાવી શોધતી નથી તો લોકો સાથે સસ્મિત બે વાત થઇ શકે છે. અને દરવાજો ખોલીને, ‘બેટા આવી ગઇ દીકરા?’ આ તમે જે વહાલથી કહો છો ને તેથી મારા આખા દિવસનો થાક ઊતરી જાય છે. ઘરમાં એક વડીલ છે તેમના આશીર્વાદ છે તે માટે અમે નસીબદાર છીએ. એ નસીબ છીનવવાનો તમને હક્ક નથી પપ્પા...!’ 

સૌરભ જેવો પુત્ર અને દીકરી જેવી  મીતા વહુ...  એમનાં જેવા   સંસ્કારની ઝલક જોઈને વૃદ્ધ ચંદુભાઈની આંખો ભીની થઈ ગઈ...