Sat May 30 2026

Logo

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધીઃ તણાવ સાથે આવે છે તીવ્ર ક્ષુધા...

2026-05-28 08:41:00
Author: Shweta Joshi Antani
Article Image

 


શ્વેતા જોષી અંતાણી 

રાત્રિના લગભગ અઢી વાગ્યા હતા. હૉસ્ટેલના લાંબા કૉરડોરમાં સંપૂર્ણ શાંતિ પથરાયેલી હતી. બાકીની તમામ છોકરીઓ ગાઢ નીંદરમાં સરી પડેલી, પરંતુ રૂમ નંબર ત્રણની બારી પાસે બેસેલી વિદ્યા સાથે ઊંઘ વટે ચડેલી. ટેબલ લૅમ્પના આછા પીળા અજવાસમાં સામે બાયોલૉજીની બુક ખુલ્લી પડેલી, પણ એનું ધ્યાન શબ્દોમાં નહોતું. 

વિદ્યાના હાથમાં એક નાનો ચોકનો ટુકડો હતો, જેને એ ઘૂરી રહેલી. એ ટુકડો મોંમાં મૂકવાની લાલચને પરાણે દબાવી વિદ્યા હળવેકથી ઊભી થઈ. બારી પાસે જઈ બહાર ગાર્ડનમાં વરસાદના કારણે ભીની થયેલી માટી તરફ એકધારી નજર ખોડી ઊભી રહી. એને ખબર હતી કે પોતાનું આ વર્તન સામાન્ય નથી, પરંતુ સાથોસાથ એ પણ ખ્યાલ હતો કે એ ઇચ્છાને પોતે રોકી શકવા અસમર્થ છે.

વિદ્યા બાળપણથી જ એકલતા સાથે મોટી થઈ હતી. શહેરના પૉશ વિસ્તારમાં આવેલો એમનો વિશાળ બંગલો બહારથી જોતાં સંપૂર્ણ લાગતો. જોનારની આંખો પહોળી કરી દે એવો ભવ્ય. પપ્પા જાણીતા બિઝનેસમૅન. મમ્મી સોશ્યલ ઍક્ટિવિસ્ટ. ઇવેન્ટ્સ અને ક્લબ મીટિગ્સમાં વ્યસ્ત. ઘરમાં પાછળ રહી જતાં નોકર-ચાકર, મોંઘી કાર, વિદેશી રાચરચીલું અને નાની વિદ્યા. એ સ્કૂલથી આવતી ત્યારે ઘરમાં સ્મશાનવત્‌‍ શાંતિ પથરાયેલી રહેતી. ડાઇનિંગ ટેબલ પર એના માટે અવનવા પકવાન હોય, પણ સામે બેસી કોળિયા ભરાવનારું કોઈ નહીં. ક્યારેક મમ્મી બહાર જતાં કહેતી જતી, `બેટા, જમી લે જે. મને મોડું થાય છે.'

શરૂઆતમાં એ રાહ જોતી. પછી ગુસ્સો કરતી. પછી રડતી. અંતે વિદ્યા ચૂપ રહેતાં શીખી ગઈ. સમય જતાં એ વધુ શાંત થતી ગઈ. સ્કૂલમાં પણ બહુ મિત્રો નહોતા. લોકો એને ઍટિટ્યુડવાળી કે ઓવર સિરિયસ માનતા, પરંતુ હકીકતમાં એ માત્ર એક ડરપોક છોકરી હતી જેને સાંભળનારું કે સંભાળ લેનારું આ દુનિયામાં કોઈ નહોતું. બારમા ધોરણ માટે એને હૉસ્ટેલમાં મૂકવામાં આવી. મમ્મી ખુશ હતી કે હવે ટેક્નિકલી દીકરીનું ધ્યાન રાખવાની ફરજમાંથી મુક્તિ મળશે. પપ્પાને મનોમન શાંતિ કે પૈસા દેતાં દીકરી સચવાય જશે. જોકે કોઈએ એકવાર પણ ના પૂછ્યું કે વિદ્યા રાજી છે કે નહીં. 

હૉસ્ટેલના શરૂઆતી દિવસોમાં વિદ્યા સતત એકલી રહેતી. કૅન્ટીનમાં ખૂણામાં બેસીને જમતી. લાઇબ્રેરીમાં પણ છેલ્લી ખુરસી ખેંચી લેતી. એક દિવસ કેમિસ્ટ્રી પ્રૅક્ટિકલ દરમિયાન એની બાજુમાં બેસેલી મિતાલીએ જોયું કે વિદ્યા સતત પેન્સિલની પાછળ લાગેલા રબરને દાંત વડે કોતરી રહેલી. `અરે, તું આખું રબર ખાઈ જઈશ કે શું!' મિતાલી હસતાં બોલી. વિદ્યા અચાનક ચમકી ગઈ. તુરંત હાથ પાછળ ખેંચી લીધો. `સૉરી..' એટલું કહી એ ફરી શાંત થઈ ગઈ.

થોડા દિવસ પછી રાત્રે પાણી પીવા ઊઠેલી મિતાલીએ જોયું કે વિદ્યા બારી પાસે ઊભી ગાર્ડનની સૂકી માટી ખાતી હતી.

`વિદ્યા... ' મિતાલીનો અવાજ સાંભળી એના હાથમાંથી માટી પડી ગઈ. રૂમમાં અજબ પ્રકારે શાંતિ છવાઈ ગઈ. થોડી ક્ષણો પછી વિદ્યાની આંખોમાં પાણી આવી ગયાં. `મને ખબર નથી કેમ પણ મને આવી બધી વસ્તુઓ ખાવાની ઇચ્છા થઈ આવે છે. ધૂળ, માટી, રબર, પીન, પ્લાસ્ટિક. એ રાત્રે લગભગ ત્રણ વાગ્યા સુધી બન્ને વાતો કરતાં રહ્યાં. વિદ્યા પહેલીવાર પોતાના બાળપણ વિશે બોલી. કેવી રીતે માણસોથી ખદબદતી આ દુનિયામાં પોતે એકલી હતી. 

`મને ક્યારેક લાગે છે કે હું invisible છું,' વિદ્યા ધીમેથી બોલી. મિતાલીએ કોઈ ઉપદેશ આપ્યો નહીં. માત્ર એની બાજુમાં બેસી રહી, પણ સ્થિતિ ધીમે ધીમે ખરાબ થવા લાગી. હવે વિદ્યાની ક્ષુધા માત્ર ચોક કે માટી સુધી સીમિત નહોતી રહી. ક્યારેક દીવાલનું પ્લાસ્ટર તો ક્યારેક સ્ટેપલ પિન હાથમાં લઈ એ લાંબા સમય સુધી એને ખાવું કે નહીં એ વિચારતી. અને એક દિવસ જે થવાનું હતું એ થઈને રહ્યું. રાત્રે એ સેફ્ટીપીન ખાઈ ગયેલી. સવાર પડતાં એને હૉસ્પિટલ ભેગી કરવી પડી.

હૉસ્પિટલમાં અનેક ટેસ્ટ થયા. ડૉક્ટરે ખૂબ શાંતિથી કહ્યું, `આ Pica Disorder છે.' એમણે સમજાવ્યું કે પાઇકા એક માનસિક તથા બિહેવિયર ડિસઑર્ડર છે, જેમાં વ્યક્તિ લાંબા સમય સુધી ખાવા યોગ્ય ના હોય એવી વસ્તુઓ ખાવાની તીવ્ર ઇચ્છા અનુભવતો રહે. ખાસ કરીને ટીનએજ દરમિયાન એન્ક્ઝાયટી, ડિપ્રેશન કે ઇમોશનલ અવગણના થતી હોય એવા તરુણોમાં આ વધુ જોવા મળે છે. ઘણી વાર શરીરમાં આયર્ન અથવા ઝિંકની ઊણપ પણ આવું થવાનું કારણ બની શકે, પરંતુ વિદ્યાના કિસ્સામાં એની આસપાસ રહેલી લાગણીશૂન્યતાને કારણે એને આ પ્રકારની સમસ્યા થયેલી છે.     

`પણ અમે તો એને બધું જ આપ્યું છે,' મમ્મીના અવાજમાં અસમંજસ હતી. ડૉક્ટર ધીમેથી બોલ્યા, `બાળકોને માત્ર સુવિધા નહીં, તમારી હાજરી પણ જોઈએ.'

વિદ્યાની આંખોમાંથી સતત આંસુ વહેતાં રહ્યાં. ડૉક્ટરે વિદ્યાને શાત પાડતાં કહ્યું કે જો સમયસર સારવાર ના મળે તો પાઇકા ગંભીર શારીરિક નુકસાન પણ કરી શકે છે. પેટમાં ઇન્ફેક્શન, આંતરડામાં અવરોધ, ઝેરી ધાતુઓના કારણે પૉઇઝનિંગ, દાંતનું નુકસાન અથવા આંતરિક અંગોમાં બ્લિડિંગ જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે.

હૉસ્પિટલમાંથી રજા મેળવ્યા બાદ વિદ્યાની લાંબાગાળાની સારવાર શરૂ થઈ. એને નિયમિત કાઉન્સેલિંગ તેમજ Cognitive Behavioral Therapy (CBT) માટે મોકલવામાં આવી. કાઉન્સેલરે એને પોતાની લાગણીઓને દબાવવાના બદલે વ્યક્ત કરવાનું શીખવવાનું શરૂ કર્યું. શરૂઆતમાં વિદ્યા કશું બોલતી નહોતી. ધીમે ધીમે એણે પોતાના અંદરના ડર, ગુસ્સો અને એકલતાને શબ્દ આપવાનું શીખ્યું. મિતાલી રોજ એને ધરાર કૅન્ટીનમાં લઈ જતી. ક્યારેક બન્ને કૅમ્પસ ચાલવા નીકળી પડતાં તો ક્યારેક મિતાલી ફક્ત એની બાજુમાં બેસી રહેતી. 

અંતે વિદ્યાને સમજાયું કે બહુ લાંબા સમયથી એકલા રહેવાના કારણે એનું મન વિચિત્ર ઇચ્છાઓ તરફ એને પ્રેરતું. એણે લોકો  સાથે હળવા-મળવાનું શરૂ કર્યું. મિતાલી સાથે વધુ સમય પસાર કવા લાગી, ટીચર્સ સાથે વાતો કરતી થઈ. ઘેર જાય તો નોકર-ચાકરો સાથે પણ વાતો કરે અને હૉસ્ટેલ આવતાં રસ્તામાં ડ્રાઇવર કે કૅરટેકર સાથે પણ એ સવાલ-જવાબો કરતી રહે.

એ વર્ષે સ્કૂલના આર્ટ એક્ઝિબિશનમાં એક પેઇન્ટિંગ રાખવામાં આવ્યું. ચિત્રમાં એક છોકરી અંધકાર ભરેલા રૂમમાંથી બહાર આવી રહી હતી. એના હાથમાં તૂટેલો ચોક હતો અને સામે ખુલ્લા આકાશ. નીચે એક લાઇન લખેલી હતી  : 
`ક્યારેક માણસને બચાવવા દવા નહીં, સાથ, સહકાર અને સંભાળની જરૂર હોય છે.'