પ્રજ્ઞા વશી
`ચાર ચાર ટાઇમ કેરી કાપી કાપીને ખાતા રહો છો અને સવારસાંજ લંચ-ડિનરમાં બે-ત્રણ વાટકા કેરીનો રસ ને ત્રણ-ચાર ખાજા કોઈ માણસ કઈ રીતે ખાઈ શકે?'
`કેમ જાણે મારી સાસુ હોય તેમ કડવું-કડવું બોલે છે? તને ખબર નથી મારા બાપદાદા સો વીઘા જમીનના ખાતેદાર હતા અને સો-સો આંબા પર મહેકતી જાતજાતની કેરીઓની વાડી હતી. ચોર્યાસી આખામાં અમારી કેરીની બોલબાલા હતી. આ અમારા બાવડાં જોયાં? અન અમારા પાચનતંત્રની મજબૂતાઈ જોઈને તને જલન થાય છે કે શું?'
`જુઓ, આમ તમારા ખાનદાનની વાતો, કેરીની વાડીઓ, સો વીઘા જમીન અને બાવડાં તેમજ પાચનતંત્રની વાત હવે વાસી ને સડેલી કેરી જેવી મને લાગે છે. છેલ્લાં દસ વરસમાં પંદર વાર હૉસ્પિટલભેગા કર્યા છે. ત્યારે તમને બાવડેથી ઝાલીને ઉઠાડવામાં ને ચલાવવામાં મારા હાથનાં બાવડાં સુકાયેલ શેરડી જેવાં થઈ ગયાં છે અને આ રસ કાઢી-કાઢીને હાથના આંગળા પણ હવે ખરવાની તૈયારીમાં છે.'
`સતી સીતા, સત્યવાન સાવિત્રી જેવી સતીઓની ગાથા વાંચી હોય તો સંસ્કાર અને ધર્મ ખબર પડે ને? પોતાના પતિ માટે સતી સીતાએ ચૌદ વરસ વનમાં દુ:ખ સહ્યાં અને સાવિત્રીએ પણ પતિ માટે શું નથી કર્યું, પણ તારી આગળ તો `ભેંસ આગળ ભાગવત... `તું નહીં જ સુધરે.'
`સુધરવાની અને સતીવાળી વારતા પણ જૂની થઈ. હવે તમે તમારી પત્નીની કથા લખો અને એના ઉપર પડેલાં દુ:ખોની કથા લખશો તો બેસ્ટ સેલર પુસ્તક બનશે એ વાત નક્કી છે અને હા, મને સીતા જેવી બનાવવી હોય તો પહેલાં તમે રામ બનીને બતાવો ત્યારે ખરા. આ તમારાં બાવડાં અને બેઉ હાથ માત્ર સારી વાનગી ઝાપટવા પૂરતાં જ કાર્યરત છે. બાકી એક સહેલામાં સહેલું કામ પણ તમે ઢંગનું કરી શકતા નથી.'
`મોટા ખાનદાનના અને જમીનદારના રાજકુમારો કામ કરવા માટે નહીં, પણ હુકમ ચલાવવા માટે સર્જાયેલા હોય છે. મોટા જેમ કહે અને કરાવે તેમ તમારે નાના લોકોએ ચૂપચાપ કરવું. સમજી?'
`મેં તો સાંભળ્યું છે કે તમારા વડવાઓ, દાદા-પરદાદાથી લઈ તમારા સુધી બધાએ ખાનદાની જમીન વેચી લાખના બાર હજાર કરેલા. પેઢી દર પેઢી બેઠાંબેઠ ખાવામાં વાડી-વજીફા ને આંબાવાડીઓ વેચાતી ગઈ અને એ જ લાઇન પર એમના આ રાજકુંવર પણ... બાય ધ વે, રાજકુમાર, ખેદ સાથે કહેવાનું કે આજે રસ નીકળવાનો નથી.'
`કેમ?'
`કેમ કે કેરી પૂરી થઈ ગઈ.'
`ખાજા તો હશેને?'
`ના જી, એ પણ ખલાસ.'
`તો વાલની દાળ તો હશેને? એ બનાવો જલદી.'
`કઠોળ પણ ખલાસ... માટે જલદી રસોઈ કરાવવી હોય તો જલદી જલદી આ લિસ્ટ લ્યો અને બજાર જાઓ સો વીઘાના ભૂતપૂર્વ રાજકુંવર!'
`જલન! માત્ર ને માત્ર જલન! તને ખબર નથી કે ભલે જમીન નથી, પરંતુ ગામનું ઘર હું ખોલું તો આખું ગામ મને સલામ ભરવા આવે છે. સમજી? ઍની વે, તારી સાથે વાત કરવામાં મજા નથી. લાવ લિસ્ટ. શું લાવવાનું છે? આટલું લાંબુ લિસ્ટ? આખી બજાર ઘરમાં લાવવાની છે?'
`તમારા ખોરાક અને વિવિધ વાનગીથી ભરેલી થાળીને ધ્યાનમાં રાખીને હું પૂરા ત્રણ દિવસની મહેનત બાદ આ લિસ્ટ પૂર્ણ કરી શકી છું. તમે રહ્યા મોટા ખાનદાની! તમે તો વર્ષભરનું અનાજ સાથે જ ભરી લોને? અને હા, હાફૂસ કેરી ને બીજી તમને ગમતી કેરીઓ પણ એક એક મણ જેટલી ભરી જ દેજો.'
`તે આ બધું કોણ ખાવાનું છે?'
`કેમ? તમે બધાં સગાંને ત્યાં દર વર્ષે મોકલાવો છો તે ભૂલી ગયા? અને હા, ત્રણેય છોકરાંની કૉલેજની નવા સત્રની ફીના પણ ગણી કાઢજો. ને મોટીનું ઠેકાણું પડે તો ચાંદલા ને લગ્નના ચાલીસ-પચાસ લાખની વ્યવસ્થા રાખજો.'
`એમાં એટલા ખરચવાની જરૂર નથી. આ વરસે કોઈને અથાણાં-પાપડ આપવાની જરૂર નથી. મને ડાયાબિટીસ કાબૂમાં નથી, એટલે કેરી લાવવાની હવે બંધ. પાચનતંત્રને કારણે જ ખર્ચા વધે છે. એટલે ખાજા-પૂરી, ભજિયાં-રસની પાર્ટી બંધ. આમ અમે ખાનદાની! એટલે આટલું તો એક મિનિટમાં ફોન કરીને હમણાં મગાવી લઉં. પણ આપણે આપણા શરીર તરફ પણ જોવું જોઈએ. જે ખર્ચાવાનું હતું તે બાપદાદાએ ખર્ચી નાખેલું. હવે મારી ખાનદાની મોજ પ્રમાણે મને લાગે છે કે હવે કરકસર કરવી જોઈએ... તે એક કામ કર. આપણી પાસે કેટલી બચત છે તે મને કહે. એ પછી હું બજારમાંથી ખરીદી કરું.'
`હા, તો સાંભળો. બૅન્કમાં રોકડા ચાર હજાર, ગલ્લામાં પાંચસો રૂપિયાનું પરચૂરણ... આમાંથી જેટલો રસ ઝાપટવો હોય તેટલો ઝાપટી લ્યો.'
`તું મને ચૅલેન્જ નહીં આપ. હજી બે વીઘા જમીન પડેલી છે. કાલે જ ગામ જઈને ઊભાઊભ વેચીને આવું છું.'
`એમ? પછી એ ઊભાઊભ પૈસા વાપરી પણ નાખજો અને પછી ખાલી કટોરા લઈને ...'
`જલન! માત્ર જલન! ખાનદાની લોહીની કમી છે એટલે તારું કંઈ નહીં થાય...'