Thu Sep 10 2026

Logo

દક્ષિણ મુંબઈમાં ૮૨ બિલ્ડિંગ ગમે ત્યારે તૂટી પડશે મ્હાડાની અતિ જોખમી બિલ્ડિંગની યાદી જાહેર

2026-05-30 21:07:20
Author: Sapna Desai
દક્ષિણ મુંબઈમાં ૮૨ બિલ્ડિંગ ગમે ત્યારે તૂટી પડશે મ્હાડાની અતિ જોખમી બિલ્ડિંગની યાદી જાહેર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ચોમાસા પહેલાના વાર્ષિક સર્વે દરમ્યાન મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (મ્હાડા) દક્ષિણ મુંબઈમાં ૮૨ સેસવાળી ઇમારતો ‘અતિ જોખમી’ તરીકે ઓળખી કાઢી છે અને આ  બિલ્ડિંગના  રહેવાસીઓ  તેને ખાલી કરવાનો નિર્દેશ આપ્યો છે.હાઉસિંગ ઓથોરિટીએ શુક્રવારે જણાવ્યું હતું કે આ સર્વે તેના મુંબઈ બિલ્ડિંગ રિપેર એન્ડ રિક્ધસ્ટ્રક્શન બોર્ડ દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં ગયા વર્ષે અત્યંત જોખમી તરીકે વર્ગીકૃત કરાયેલા ૪૩ બાંધકામોનો પણ સમાવેશ થાય છે. 

ઓથોરિટીએ જણાવ્યું હતું કે ૮૨ ઇમારતમાં કુલ ૨,૭૩૬ રહેવાસીઓ રહે છે, જેમાં ૨,૨૫૬ રહેણાંક અને ૪૮૦ બિન-રહેણાંક ભાડૂતો અને રહેવાસીઓનો સમાવેશ થાય છે. મ્હાડાના જણાવ્યા અનુસાર ૧૭૬ રહેણાંક રહેવાસીઓને પહેલાથી જ જગ્યા ખાલી કરવા માટે નોટિસ મોકલવામાં આવી છે. તેમાંથી ૨૯ ભાડૂતો ઓથોરિટીના ટ્રાન્ઝિટ કેમ્પમાં સ્થળાંતરિત થયા છે, જ્યારે ૩૬ લોકોએ જાતે જ વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થા કરી છે. આ ઇમારતોના બાકીના ભાડૂઆતો અને રહેવાસીઓને ખાલી કરાવવાની નોટિસ જારી કરવામાં આવી રહી છે અને જગ્યા ખાલી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. 

ટ્રાન્ઝીટ કેમ્પમાં ૨,૧૦૨ રહેવાસીઓ માટે વ્યવસ્થા કરવામાં આવવાની છે અને બોર્ડે તે માટે જરૂરી પ્રક્રિયા શરૂ કરી છે. તેમ જ જોખમી ઇમારતોના રહેવાસીઓને ખાલી કરાવવાની ઝુંબેશ દરમિયાન અધિકારીઓને સહકાર આપવા અને ચોમાસા દરમ્યાન એક્સિડન્ટ  અને જાન-માલના નુકસાનને રોકવા માટે સલામતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.

આપાતકાલીન પરિસ્થિતિમાં અહીં સંપર્ક કરો
મ્હાડાએ રહેવાસીઓને જૂની ઇમારતોમાં માળખાકીય સમસ્યા જણાય તો તાત્કાલિક જાણ કરવા પણ વિનંતી કરી છે. મુંબઈ મહાનગરપાલિકાના કંટ્રોલ રૂમ ઉપરાંત મ્હાડા બોર્ડના કંટ્રોલ રૂમનો ૨૩૫૩૬૯૪૫, ૨૩૫૧૭૪૨૩ અથવા મોબાઇલ નંબર ૯૩૨૧૬૩૭૬૯૯ પર સંપર્ક કરવાની અપીલ કરવામાં આવી છે.