Sat May 30 2026

Logo

મહારાષ્ટ્ર એફડીએની ત્રણ દિવસીય ડ્રાઈવ: ૩૩ પકડાયા, ૨૭ સંસ્થા સીલ

2026-05-30 20:58:25
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: ખાદ્ય ભેળસેળ પર મોટી કાર્યવાહીમાં મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) એ ત્રણ દિવસીય રાજ્યવ્યાપી અભિયાન દરમ્યાન ૩૩ની  ધરપકડ કરી છે અને ૨૭ સંસ્થાને સીલ કરવામાં આવી હોવાનું અધિકારીએ શનિવારે જણાવ્યું હતું. 

એફડીએ કમિશનર તુકારામ મુંઢેએ જણાવ્યું હતું કે ખાસ ઝુંબેશ હેઠળ છ વહીવટી વિભાગમાં ૨૫ મે થી ૨૭ મે દરમિયાન ૨૦.૬૭ લાખ રૂપિયાથી વધુની કિંમતનો માલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઓપરેશન હેઠળ પ્રતિબંધિત ઉત્પાદનના વેચાણ, ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો, અસુરક્ષિત ખાદ્ય ઉત્પાદન એકમો અને ખાદ્ય સુરક્ષા નિયમોનું ઉલ્લંઘનને લક્ષ્ય કરવામાં આવ્યું હતું, જેમાં એફડીએની ટીમે ગુટખા, પાન મસાલા અને અન્ય પ્રતિબંધિત ઉત્પાદનો તેમજ ફૂડ પ્રોસેસિંગ અને પેકેજિંગ એકમોનું નિરીક્ષણ કર્યું હતું.

આ કાર્યવાહી દરમ્યાન ૩૩ જેટલાની ધરપકડ કરવામાં આવી હતી, ૨૭ સંસ્થાને સીલ કરવામાં આવી હતી તથા ૨૦.૫૭ લાખ રૂપિયાથી વધુની કિંમતનો માલ જપ્ત કરવામાં આવ્યો હતો..

એકલા મુંબઈ મેટ્રોપોલિટન ડિવિઝનમાં ૧૯ આરોપીની અટકાયત કરવામાં આવી હતી અને ૧૯ સંસ્થાને સીલ કરવામાં આવ્યા હતા. એફડીએ જણાવ્યું કે અધિકારીઓએ પેકેજ પીવાના પાણી, દૂધ, જ્યુસ, કાર્બોનેટેડ પીણાં, ખાદ્ય તેલ, મીઠાઈઓ, આઈસ્ક્રીમ, તાડી, મસાલા, ખોયા, પનીર, ઘી, ચણાનો લોટ અને બેકરી ઉત્પાદનોના નમૂનાઓ ગુણવત્તા પરીક્ષણ માટે એકત્રિત કર્યા હોવાથી પ્રતિબંધિત ઉત્પાદનોથી આગળ વધ્યો હતો. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ, ૨૦૦૬ હેઠળ આશરે  ૨૮.૬૮ લાખની રૂપિયાની કિંમતની ખાદ્ય ચીજવસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી અને લેબોરેટરી પૃથ્થકરણ માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા.

ડ્રાઇવ દરમ્યાન મળી આવેલા મુખ્ય કેસમાં જળગાંવમાં અધિકારીઓએ કથિત દૂધમાં ભેળસેળના રેકેટનો પર્દાફાશ કર્યો હતો, જેમાં ગાયના દૂધ સાથે ખાદ્ય તેલનું મિશ્રણ સામેલ હતું, જ્યારે પુણે જિલ્લાના ઈન્દાપુર વિસ્તારમાં અધિકારીઓએ કૃત્રિમ રીતે પકવવા માટે રાસાયણિક પદાર્થોના કથિત ઉપયોગની શોધ કર્યા પછી આશરે  ૨૦,૦૦૦  રૂપિયાની કિંમતની કેરીઓ જપ્ત કરી હતી.

મુંબઈમાં લેબલિંગ ધોરણો અને ખાદ્ય સુરક્ષા નિયમોના કથિત ઉલ્લંઘન બદલ ધારાવીમાં એક નૂડલ મેન્યુફેક્ચરિંગ યુનિટ સામે કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં મોટી માત્રામાં સ્ટોક જપ્ત કરવામાં આવ્યો હતો. એફડીએની ટીમે પાલઘર સ્થિત આઈસ્ક્રીમ મેન્યુફેક્ચરિંગ યુનિટમાંથી ખાદ્ય સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરીને અસ્વચ્છ સ્થિતિમાં કામ કરતા લાખોની કિંમતનો સ્ટોક પણ જપ્ત  કર્યો હતો.