ખુશ્બુ મુલાણી ઠક્કર
આજના ફૅશન વર્લ્ડમાં કપડાંનું કલર કૉમ્બિનેશન મહિલાઓના વ્યક્તિત્વને વધુ આકર્ષક અને આત્મવિશ્વાસપૂર્ણ બનાવે છે. ગુજરાતી મહિલાઓ પરંપરાગત રંગોને આધુનિક ટચ સાથે જોડીને અનોખી સ્ટાઇલ રચે છે. યોગ્ય કલર કૉમ્બિનેશન તમારી ત્વચાના રંગ, સીઝન, અવસર અને શરીરના પ્રકારને અનુરૂપ હોવું જોઈએ. દરેક સ્ત્રીમાં એક કુદરતી આવડત હોય છે કલર કૉમ્બિનેશન કરવાની. ચાલો જાણીએ કે કેવી રીતે અલગ અલગ કલર કૉમ્બિનેશન કરી શકાય
ત્વચાના રંગ અનુસાર કલર કૉમ્બિનેશન
ત્વચાનો રંગ, કલર પસંદગીમાં સૌથી મહત્ત્વનું પરિબળ છે. જો તમે યોગ્ય કલરની પસંદગી કરો તો તે તમારા ઓવર ઑલ લુકને આકર્ષિત બનાવે છે અને જો ખોટો કલર પસંદ કર્યો તો ગમે તેટલાં મોંઘાં કપડાં હશે એ સારાં નહીં લાગે.
ફેર અને લાઇટ સ્કિનવાળી મહિલાઓ માટે: પેસ્ટલ શેડ્સ ખૂબ જ શોભે છે. સૉફ્ટ પિંક સાથે લાઇટ ગ્રે, પીચ સાથે ક્રીમ, લાઇટ બ્લુ સાથે વ્હાઇટ અને મિન્ટ ગ્રીન સાથે લાઇટ પર્પલનું કૉમ્બિનેશન અત્યંત આકર્ષક લાગે છે. ગોલ્ડ અને સિલ્વર ઝરીવાળા દુપટ્ટા અથવા બૉર્ડર આ રંગોને વધુ નિખારે છે.
મીડિયમ સ્કિન ટોન માટે: વાઇબ્રન્ટ અને વૉર્મ ટોન્સ યોગ્ય છે. મસ્ટર્ડ યલો સાથે રૉયલ બ્લુ, ટર્કોઇઝ સાથે કોરલ પિંક, એમરાલ્ડ ગ્રીન સાથે ગોલ્ડ અને ટીલ બ્લુ સાથે પીચનું મિશ્રણ સુંદર દેખાય છે.
ડાર્ક સ્કિન ટોનવાળી મહિલાઓ માટે: બોલ્ડ અને ડીપ કલર્સ વધુ ચમક આપે છે. મરૂન સાથે ગોલ્ડ, નેવી બ્લૂ સાથે ક્રીમ, સિલ્વર ગ્રે સાથે બર્ગન્ડી, રૉયલ પર્પલ સાથે પિંક ગોલ્ડ અને ઑરેન્જ સાથે ડાર્ક ગ્રીનના કૉમ્બિનેશનથી ત્વચા ગ્લો કરે છે.
સીઝન અનુસાર કલર કૉમ્બિનેશન
ઉનાળુ અને વરસાદી સીઝન: લાઇટ અને કૂલ ટોન્સ પસંદ કરો. વ્હાઇટ સાથે બેબી પિંક, સ્કાય બ્લુ સાથે લાઇટ યલો, મિન્ટ ગ્રીન સાથે લવેન્ડર અને ક્રીમ સાથે લાઇટ ઑરેન્જ આદર્શ છે. કૉટન અને જ્યોર્જેટ ફેબ્રિકમાં આ કલર્સ તાજગી આપે છે.
શિયાળાની સીઝન: વૉર્મ અને રિચ કલર્સ વાપરો. બર્ગન્ડી સાથે ગોલ્ડ, ડાર્ક ગ્રીન સાથે મસ્ટર્ડ, ચૉકલેટ બ્રાઉન સાથે ક્રીમ, રૉયલ બ્લૂ સાથે સિલ્વર અને વાઇન રેડ સાથે બ્લૅકનું કૉમ્બિનેશન ગરમાહટ અને ભવ્યતા પ્રદાન કરે છે. વેલ્વેટ, સિલ્ક અને વુલનાં કપડાંમાં આ રંગો વધુ સારા લાગે છે.
અવસર અનુસાર કલર કૉમ્બિનેશન
રોજિંદા અને ઑફિસ માટે: સાફ્ટ અને પ્રોફેશનલ કોમ્બિનેશન પસંદ કરો. નેવી બ્લૂ સાથે વ્હાઇટ, ગ્રે સાથે પીચ, બ્લૅક સાથે ક્રીમ, લાઇટ પિંક સાથે ઑલિવ ગ્રીન. આ કલર્સ આત્મવિશ્વાસ અને વ્યવસાયિકતા દર્શાવે છે. જેમકે, એન્કલ લેન્થ ડેનિમ સાથે વાઇટ કુર્તો પહેરી શકાય. ગ્રે ટ્રાઉઝર કે સ્કર્ટ સાથે પિન્ક કલરનું શર્ટ કે કોઈ ફેંસી ટૉપ ફરી શકાય.
તહેવારો અને નવરાત્રિ માટે: ઉત્સાહી અને બ્રાઇટ કલર્સ. રેડ સાથે ગોલ્ડ, પીળો સાથે મરૂન, ગ્રીન સાથે પિંક, ઑરેન્જ સાથે બ્લુ અને મલ્ટીકલર પ્રિન્ટ સાથે સૉલિડ દુપટ્ટો. ચાણિયા-ચોળીમાં આ કૉમ્બિનેશન વધારે આકર્ષિત લાગે છે. જેમ કે, રેડ કલરના ઘાઘરા સાથે ગોલ્ડ કલરનો દુપટ્ટો, મારૂન કલરના ઘાઘરા સાથે પીળો દુપટ્ટો કે શ્રગ પહેરી શકાય. મલ્ટી કલરના ડ્રેસ સાથે કોઈ પણ સૉલિડ કલરનો દુપટ્ટો સારો લાગશે,કંઈક અલગ લુક ટ્રાય કરવું હોય તો લૉન્ગ જૅકેટ પણ પહેરી શકાય.
વેડિગ અને પાર્ટી માટે: રિચ અને ગ્લૅમરસ કલર્સ. ગોલ્ડ સાથે મરૂન, રૉયલ બ્લૂ સાથે સિલ્વર, પર્પલ સાથે ગોલ્ડ, બ્લૅક સાથે ગોલ્ડ અને ચેરી રેડ સાથે ગોલ્ડ ઝરી. અનાર્કલી, લેહેંગા અને ભારે સાડીમાં આ કલર કૉમ્બિનેશન અદ્ભુત લાગે છે. જેમ કે, ગોલ્ડ ટિસ્સ્યુની સાડી સાથે મરૂન વેલ્વેટનું બ્લાઉઝ, રૉયલ બ્લૂ સાડી સાથે સિલ્વર જામેવારનું બ્લાઉઝ કૈંક અલગ જ લુક આપશે.
મોનોક્રોમેટિક અને કોન્ટ્રાસ્ટિંગ કૉમ્બિનેશન
મોનોક્રોમેટિક લુકમાં એક જ કલરના વિવિધ શેડ્સ વાપરો જેમ કે લાઇટ પિંક કુર્તી સાથે ડાર્ક પિંક દુપટ્ટો. આ લુક લાંબો અને સ્લિમ દેખાડે છે.
કોન્ટ્રાસ્ટિંગમાં વિરુદ્ધ રંગો વાપરો બ્લૅક-વ્હાઇટ, પિંક-ગ્રીન, બ્લૂ-યલો, રેડ-ગોલ્ડ. આ કૉમ્બિનેશન આંખને આકર્ષે છે અને બોલ્ડ સ્ટેટમેન્ટ આપે છે.
કલર કૉમ્બિનેશનમાં ધ્યાન રાખવાની વાતો
-એક જ સમયે ત્રણથી વધુ મુખ્ય રંગો ન વાપરો.
-ફેબ્રિક અને પ્રિન્ટને કલર સાથે મૅચ કરો.
-એક્સેસરીઝ (જ્વેલરી, જૂતા, બૅગ)ને કલર સાથે કોર્ડિનેટ કરો.
-બૉડી ટાઇપ અનુસાર કલર પસંદ કરો પેટાઇટ માટે લાઇટર શેડ્સ, કર્વી માટે ડીપ કલર્સ.
-મેકઅપ અને હેર કલરને પણ વસ્ત્રોના રંગ સાથે મૅચ કરો.
કલર કૉમ્બિનેશન એ માત્ર ફૅશન નથી, પરંતુ તમારી વ્યક્તિત્વ, મૂડ અને આત્મવિશ્વાસનું પ્રતીક છે. ગુજરાતી મહિલાઓએ પોતાની ત્વચા, સીઝન અને અવસરને ધ્યાનમાં રાખીને કલર કૉમ્બિનેશન પસંદ કરવું જોઈએ. યાદ રાખો સૌથી સુંદર લુક ત્યારે જ આવે છે જ્યારે તમે આરામદાયક અને આત્મવિશ્વાસ અનુભવો. આ ટિપ્સ અપનાવીને તમે દરેક અવસરે સ્ટાઇલિશ અને આકર્ષક દેખાઈ શકશો.