Sat May 30 2026

Logo

કેસર કેરીનો બીજો ફાલ તૈયાર, પણ ઈંધણના ભાવ અને અભાવને કારણે ખેડૂતો પરેશાન

2026-05-30 20:55:39
Author: Pooja Shah
Article Image

અમદાવાદઃ ગુજરાતમાં બદલતા વાતાવરણને લીધે આંબામાં બે વાર મોર ફૂટ્યા હતા અને નવેમ્બર મહિના બાદ આવેલા મોરની કેરીનો ફાલ હવે બજારમાં આવી રહ્યો છે, જે પ્રમાણમાં વધારે છે. જોકે કેરીનો સારો માલ ઉતરતો હોવા છતાં ખેડૂતોને તેનો જોઈએ તેવો ભાવ મળી રહ્યો નથી. વૈશ્વિક અશાંતિને લીધે ઈંધણના ભાવ વધ્યા હોવાથી વેપારીઓ ખેડૂતો પાસેથી ઓછા ભાવે કેરી લે છે, જેથી ખેડૂતો ભાવતાલ પણ કરી શકતા નથી, તેવી માહિતી ખેડૂતસૂત્રોએ આપી હતી. 

અહેવાલો અનુસાર આ વર્ષે પ્રમાણમાં કેરીનું ઉત્પાદન ઓછું થયું હોવાથી ખેડૂતોને વધારે ભાવની આશા હતી, પરંતુ પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિ સર્જાતા નિકાસ પર મોટી અસર પડી હોવાથી ભાવ જોઈએ તેટલા ઊંચા રહ્યા નહીં. દર વર્ષે કેરીના ભાવમાં વધારો થતો હોય છે, પરંતુ આ વર્ષે ગયા વર્ષ જેટલો જ ભાવ રહ્યો છે. વલસાડના ખેડૂતોએ તેમનો માલ જથ્થાબંધ બજારોમાં લઈ જવાનો ટાળ્યો છે કારણ કે કેરી ઉતારવાના અને ટ્રાન્સપોર્ટેશનના દર તેમને પોસાતા નથી. 

બીજી બાજુ વેપારીઓના કહેવા અનુસાર ઇંધણની અછતને કારણે દેશના બજારોમાં પરિવહન પણ ખોરવાઈ ગયું છે, જેના કારણે તેમને ખરીદી ઘટાડવી પડી છે અને ફાર્મગેટના ભાવમાં ઘટાડો થયો છે. ગયા અઠવાડિયે ખેડૂતોને પ્રતિ ૨૦ કિલો કેસર કેરી ૧,૨૦૦ થી ૧,૫૦૦ રૂપિયા મળી રહ્યા હતા, પરંતુ હવે જથ્થાબંધ બજારોમાં ભાવ ઘટીને ૬૦૦ થી ૮૦૦ રૂપિયા થઈ ગયા છે. બે મહિનાની સિઝનમા ખેડૂતોએ સમગ્ર બગીચાનો જાળવણી ખર્ચ કમાવવાનો હોય છે, તેમ સૂત્રો જણાવે છે. 

ગીરમાં 200થી વધુ કેરી ઉગાડનારાઓનું પ્રતિનિધિત્વ કરતી ખેડૂત-ઉત્પાદક સંસ્થાનાઆ કટોકટી ખેડૂતો અને ગ્રાહકોને નુકસાન પહોંચાડી રહી છે. આ પીક સીઝન છે અને ખેતર સ્તરે કેરીના ભાવમાં થોડો ઘટાડો થયો છે, છતાં અમદાવાદ જેવા શહેરોમાં ગ્રાહકોને તેનો લાભ મળી રહ્યો નથી કારણ કે ડીઝલના ઊંચા ભાવને કારણે પરિવહન ખર્ચમાં વધારો થયો છે. 

 

૧૦ કિલોગ્રામ કેસર કેરીનો બોક્સ હાલમાં છૂટક વેચાણ માટે રૂ. ૧,૨૦૦ થી રૂ. ૧,૪૦૦ માં મળે છે, જ્યારે ખેડૂતોને પ્રતિ બોક્સ લગભગ રૂ. ૮૦૦ મળી રહ્યા છે, તેમ પણ સૂત્રોએ જણાવ્યું હતું. ગીર ગઢળાના જાવંત્રી ગ્રામજૂથના પ્રતિનિધિ અલ્તાફભાઈ બ્લોચે મુંબઈ સમાચાર સાથે વાત કરતા જણાવ્યું હતું કે ડિઝલની તંગીને કારણે કેરીના ખેડૂતોને ભારે સંઘર્ષ છે. તેમની કેરી વેપારીઓ સુધી પહોંચાડવી અઘરી બની ગઈ છે. ડિઝલની અછતને કારણે હાલમાં કેરીના પરિવહનનું પ્રમાણ અડધા કરતા પણ ઘણું ઓછું થઈ ગયું છે.