Wed Sep 16 2026

Logo

મૃતકના હાથ-પગને કપડાથી બાંધવાની પદ્ધતિ પરથી પોલીસે ગુનો ઉકેલ્યો

2026-05-30 21:01:11
Author: Yogesh C. Patel
મૃતકના હાથ-પગને કપડાથી બાંધવાની પદ્ધતિ પરથી પોલીસે ગુનો ઉકેલ્યો

થાણે: કુર્લાથી ગુમ દરજીનો કોહવાયેલો મૃતદેહ થાણે ગ્રામીણના વાસિંદ ખાતેથી મળ્યા આવ્યાના કેસમાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી. ત્રણ લાખ રૂપિયા પાછા ન આપનારા દરજીના હાથ-પગ કપડાથી બાંધી અને આંખ પર પાટો બાંધી કરપીણ હત્યા કરવામાં આવી હતી. જે પદ્ધતિથી દરજીને બાંધવામાં આવ્યો હતો તેના આધારે પોલીસે ગુનો ઉકેલ્યો હતો.

થાણે જિલ્લાના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ વિનયકુમાર રાઠોડે જણાવ્યું હતું કે મૃતકની ઓળખ શમશાદ અલી વારિશ અલી (35) તરીકે થઈ હતી. કુર્લા પશ્ર્ચિમના કાજુપાડામાં રહેતો અલી એકાએક ગુમ થઈ જતાં પત્નીએ પચીસ મેના સાકીનાકા પોલીસ સ્ટેશનમાં મિસિંગની ફરિયાદ નોંધાવી હતી.

ગુમ થયાના બે દિવસ પછી 27 મેના રોજ દરજીકામ કરતા અલીનો મૃતદેહ વાસિંદ પોલીસ સ્ટેશનની હદમાં દાહગાંવ ખાતેથી મળી આવ્યો હતો. નિર્જન ખેતર પાસેના પ્લૉટ પર તેના મૃતદેહને ફેંકવામાં આવ્યો હતો. તીક્ષ્ણ હથિયારના અનેક ઘા ઝીંકી તેની કરપીણ હત્યા કરવામાં આવી હતી. આ પ્રકરણે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

જોકે ઘટનાસ્થળ આસપાસના પરિસરમાં સીસીટીવી કૅમેરા ન હોવાથી પોલીસને ઘટના સંબંધી કોઈ મહત્ત્વની માહિતી મળી નહોતી. જોકે અલીની પત્નીએ ઘટનાસ્થળેથી મળેલા સ્લિપર્સ અને કપડાં પરથી મૃતદેહ ઓળખી કાઢ્યો હતો. આ કેસમાં મુંબ્રામાં રહેતા સૈયદ હસન સૈયદ મેહબુબ બાદશાહ (38) અને તેના સાથી સમીર અબ્દુલ કરીમ કલ્યાણકર (43)ની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી બાદશાહ ઝરીકામગાર હોવાનું પોલીસે જણાવ્યું હતું.

અધિકારીના જણાવ્યા મુજબ અલીએ બાદશાહ પાસેથી ત્રણ લાખ રૂપિયા લીધા હતા, જે તે પાછા ચૂકવી શક્યો નહોતો. વારંવારની માગણીથી કંટાળી બાદશાહે અલીને પતાવી નાખવાની યોજના બનાવી હતી. આ માટે તેણે કલ્યાણકરની મદદ લીધી હતી.

યોજના મુજબ લલચાવીને અલીને દાહગાંવ લઈ જવાયો હતો. ત્યાં કપડાથી તેના હાથ-પગ બાંધવામાં આવ્યા હતા. પછી આંખ પર પાટો બાંધીને તેના પર તીક્ષ્ણ હથિયારના અનેક ઘા કરવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ જે કપડાથી અલીને બાંધવામાં આવ્યો હતો તેના પર ઝરીનું હાથવણાટ કરેલું હતું. વળી કાપડ બાંધવાની પદ્ધતિ પરથી પોલીસે અનુમાન લગાવ્યું હતું કે ઝરીનો કારીગર આ હત્યામાં સંડોવાયેલો હશે. આ માહિતી પરથી પોલીસ બાદશાહ સુધી પહોંચી હતી અને ગુનો ઉકેલાયો હતો. (પીટીઆઈ)