કાજલ ઓઝા-વૈદ્ય
(ભાગ: 3)
નામ: અરુંધતિ રૉય
સમય: 2026
સ્થળ: દિલ્હી
ઉંમર: 64 વર્ષ
આજે તો કેરાલા `ગોડ્સ ઑન ક્ન્ટ્રી' તરીકે ઓળખાય છે, પરંતુ ત્યારનું કેરાલા સાવ જુદું હતું. બ્રિટિશ ઇન્ડિયાના છેલ્લા અવશેષ હજી કેરાલામાં બાકી હતા. કડક ધર્મ અને દબાયેલા ગુસ્સા સાથે સંસ્કારના નામે દીકરી સાથે સતત અન્યાય કરવામાં આવતો. મારા મામાઓ માનતા કે મારી મા `વંઠી' ગઈ છે! એને કુટુંબની પ્રતિષ્ઠાનો, સમાજનો કે મામાઓના સન્માનનો વિચાર આવતો નથી, એવું એને વારંવાર કહેવામાં આવતું.
મારી મા મેરી રૉય જ્યારે આસામથી નીકળી ત્યારે હું ત્રણ વર્ષની અને લલિત પાંચ વર્ષનો હતો. બે બાળકોની જવાબદારી પોતે કઈ રીતે ઉપાડશે એ વિચાર જ એને માટે ભયજનક હશે એવું મને આજે સમજાય છે. એનું ફ્રસ્ટ્રેકશન, પીડા, એકલતા અને અસુરક્ષાનો વિચાર આજે મને થથરાવી મૂકે છે. ત્યારે મને કંઈ સમજાતું નહોતું. બીજાં બાળકોને જોઈને હું પણ રમકડાં માગતી, ભૂખથી બેચેન થઈને રડવા લાગતી ત્યારે મેરી ગુસ્સે થઈને મને એક લપડાક લગાવતી. મને માર્યા પછી એ પોતે પણ રડતી. એને અસ્થમાનો એટેક આવતો... સ્ટે્રસ અને અફસોસમાં અમારા ઠંડીના દિવસો ઉટીમાં વીતી રહ્યા હતા.
તડકો નીકળે ત્યારે કંટાળીને મેરી અમને ઘરની બહાર મોકલી દેતી. હું અને લલિત રસ્તા પર ઊભાં રહી જતાં. ફાટેલું ફ્રૉક અને ફાટેલા શર્ટ સાથે અમને જોઈને લોકો (ખાસ કરીને પ્રવાસીઓ) દયા ખાઈને કંઈક આપતા. ત્યારે હું એ પણ નહોતી સમજી શકતી કે આને `ભીખ' કહેવાય! અમારે માટે એ ભોજન હતું...
એક દિવસ હું ફ્રૉક ઊંચું કરીને નાક લૂછતી હતી ત્યારે ત્યાંથી પસાર થતી એક સ્ત્રીએ મારા પેટ પરનો નાનકડો ઘાવ જોયો. હું સાવ નાની-દોઢ વર્ષની હતી ત્યારે મારી સર્જરી કરવામાં આવી હતી. એ સર્જરીનું આખરી નિશાન એક ઊંડો ઘાવ મારા પેટ ઉપર રહી ગયો હતો. એ સ્ત્રીએ ઘાવ જોઈને મારી દયા ખાઈને અમને ભોજન અપાવ્યું. થોડા પૈસા પણ આપ્યા... અમને અચાનક સમજાયું કે આ ઘાવ નાટ્યાત્મક, ચમત્કારિક અસર કરી શકે છે! એ પછી હું અને લલિત રસ્તા પર ઊભાં રહેતાં. ફ્રૉક ઊંચું કરીને હું મારો ઘાવ બતાવતી.
કેટલાક લોકો ચોંકી જતા, કેટલાક દયા ખાતા તો કેટલાક આશ્ચર્યથી જોઈ રહેતા. મને એ ઘાવ બતાવતાં શરમ નહોતી આવતી, પરંતુ જાણે કે લોકોનું ધ્યાન ખેંચવામાં મજા આવતી હતી. એક રીતે જોવા જઈએ તો હું એવું કહેવા માગતી હતી કે, હું મૃત્યુના મોઢામાંથી પાછી આવી ગઈ. ફરી ત્યાં જવા નથી માગતી. ફ્રૉક ઊંચું કરતી વખતે મને શરમ નહોતી આવતી... આજે મારા માનસમાં ઊતરું છું, એ નાનકડી અરુંધતિને યાદ કરું છું તો સમજાય છે કે હું આખા સમાજને મારો ઘાવ, મારી ચોટ, મારી પીડા બતાવતી હતી.
સામાન્ય રીતે સમાજ છોકરીઓને શીખવે છે કે શરીરને ઢાંકી રાખો, ઘાવને છુપાવો, દુ:ખને વ્યક્ત ન કરો... એક `સારી' છોકરી બનવું હોય તો આવી રીતે રસ્તા પર ફ્રૉક ઊંચું ન કરાય, પરંતુ મેં એ બધાને પડકાર્યા-ભલે સમજ્યા વગર, પરંતુ એ મેરી રૉયના વ્યક્તિત્વમાંથી મળેલો ડીએનએ હતો. સમય જતાં મેરી રૉય એવી જ રીતે સમાજ સામે ઊભી રહી. એણે પોતાને થયેલા અન્યાયનો ઘાવ સમાજને બતાવ્યો. એની સામે યુદ્ધ કર્યું...
મારી માની એક બહેન, મારી માસી ચેન્નઈમાં રહેતી હતી. એના પતિ પાઇલટ હતા. દેખાવડા, ઊંચા અને હસમુખા વ્યક્તિ હતા. એમને બાળકો ગમતાં, અમે પણ! જોકે, એ અમારી સાથે વધુ હસીને કે લાડથી વાત કરે એ મારા માસીને નહોતું ગમતું. એમને જ્યારે બહારગામ જવું હોય ત્યારે એનાં બે બાળકોનું બેબીસીટિંગ કરવા એ મારી માને બોલાવતી.
મારી માને એ માસી બિલકુલ ગમતી નહીં, પણ મને એ ખૂબ ગમતી. એનાં બે બાળકો હતાં. છ વર્ષની દીકરી અને આઠ વર્ષનો દીકરો. એની છ વર્ષની દીકરી જે રીબન બાંધતી, લેસવાળા ફ્રૉક પહેરતી અને પગમાં બૂટ-મોજાં પહેરતી એ જોઈને હું આભી બની જતી. માસીનો દીકરો અવનવાં રમકડાંથી રમતો. માસી ન હોય ત્યારે એ રમકડાં મને અડવા દેતો. લલિતને ત્યાં બહુ ગમતું નહીં. એને કદાચ અપમાન અને અભાવ સમજાતાં હતાં. મને તો સુખનો અનુભવ જ નહોતો, એટલે દુ:ખ કે અપમાનની લાગણી મને થતી જ નહીં!
મારી માસી પોતાની ઊતરેલી સાડીઓ માને આપતી... મારી મા એ સ્વીકારી તો લેતી, પણ મેં એને ક્યારેય પહેરેલી જોઈ નથી. મેરી રૉય એક સ્વમાની સ્ત્રી હતી, પણ એનામાં રહેલી માતાએ એને ઘણીવાર મજબૂર કરી હશે એવું મને હવે સમજાય છે. એને મારી માસીને ત્યાં જવું ગમતું નહીં, ખાસ કરીને મારી માસી એને બહેન તરીકે નહીં, પણ બેબીસિટર તરીકે બોલાવતી એટલે એને નોકર જેવી લાગણી થતી હશે એવું હવે સમજી શકું.
મારી માસી અને મારા પાઇલટ માસા જ્યારે બહારગામ જાય ત્યારે એમનાં બાળકો અને અમારા માટે પુષ્કળ ખાવાનું મૂકી જતાં, બ્રેડ, જેમ, બિસ્કિટ, ચૉકલેટની સાથે સાથે ફળો અને રોજ ગરમ ખાવાનું બનાવવા માટે સારી એવી ગ્રોસરી ઘરમાં રહેતી. મારી માની તબિયત ચેન્નઈ પહોંચીને સારી થઈ જતી, કારણ કે મારી માસીનું ઘર હવા-ઉજાસવાળું અને આખો દિવસ સૂર્યપ્રકાશ આવે એવું હતું. મારી માનો અસ્થમા ત્યાં પહોંચીને ગાયબ થઈ જતો. ઉટીના ભેજવાળા, તૂટેલા ઘરમાંથી આવા, મોટા, સૂર્યપ્રકાશવાળા, રમકડાં અને ભોજનથી ભરેલા ઘરમાં મને ખૂબ ગમતું, પણ મારી મા પાછા જવાની રાહ જોતી.
મારી માસી અવારનવાર અમને શાળામાં દાખલ કરાવવાનો આગ્રહ કરતી. છ વર્ષનો લલિત અને ચાર વર્ષની હું, અમે હજી સુધી શાળા જોઈ નહોતી... જોકે, મારી મા સાજી હોય અને એનો મૂડ સારો હોય ત્યારે એ અમને ઘરમાં ભણાવતી. અમે સારા એવા અક્ષરો અને શબ્દો ઓળખતા થઈ ગયા હતા. આંકડા અને સરવાળા-બાદબાકી સુધી પહોંચી ગયાં હતાં.
એકવાર મારી માસી અને મેરી રૉયને ઝઘડો થયો. કોણ જાણે બંને જણા કઈ વાતે ઝઘડી રહ્યાં હતાં, પરંતુ મારી માસીએ મારી માને જેમ-તેમ કહ્યું. મારી માએ તરત જ બૅગ ભરી ને અમને લઈને નીકળી ગઈ. અમે ઉટી પહોંચ્યાં ત્યારે અડધી રાત થઈ ગઈ હતી. અમે અમારા ભાડાના ઘરે પહોંચ્યાં ત્યારે અમારા મકાનમાલિકે અમને ધમકાવીને કાઢી મૂક્યાં.
અમારો થોડો સામાન અંદર હતો એ એણે પૅક કરીને બહાર મૂકી દીધો હતો. એ મારી માને ભાડું ન ભરવા બદલ ભાંડી રહ્યો હતો. મારી મા થોડીક ક્ષણો અસમંજસમાં ઊભી રહી, પછી કોણ જાણે મારી માને શું થયું, પણ એ ઉટીમાં એક બીજી જ જગ્યાએ અમને લઈ ગઈ. એ જૂનું કોટેજ હતું. ખૂબ મોટું અને એની બારીઓ તૂટેલી હતી. એ ઘર પર મોટું તાળું લટકતું હતું. મારી માએ નજીક પડેલો પથ્થર ઉપાડીને ઘરનું તાળું તોડી નાખ્યું. અમે એ ઘરમાં દાખલ થયાં...
વિશાળ ઘર, જૂનું ફર્નિચર, કેટલાંક મોટા મોટા પટારા જેના ઉપર તાળાં મારેલાં હતાં. મારી મા એ ઘરમાં એ રીતે દાખલ થઈ જાણે પોતે ઘરની માલિક હોય! એ સમયે તૂટેલા ઘરમાં પ્રવેશવું એ મારે માટે એક સાહસિક રમત હતી... અડધી રાત્રે ઘરનું તાળું તોડીને ઘરમાં પ્રવેશવાની રમતમાં મને ખૂબ મજા પડી, પરંતુ લલિત મારી માને વારંવાર પૂછતો હતો, આ કોનું ઘર છે? આપણે ચોર છીએ? આપણે હવે અહીંયા રહી શકીશું? આપણને અહીંથી પણ કાઢી મૂકવામાં આવશે? મારી માએ કોઈ જવાબ આપ્યો નહીં.
એણે એક પછી એક પટારાનાં તાળાં તોડી નાખ્યાં. અંદરથી ગરમ ધાબળા અને કોઈના જૂના સૂટ વગેરે કાઢીને અમને પહેરાવ્યા. એ રાત્રે અમે ફફડતા જીવે પણ હૂંફમાં સૂતાં. ઘરની બારીઓ બહારના વરસાદી વાયરામાં ભટકાતી હતી. ઠંડો પવન સૂસવાટા મારતો હતો, પણ અમે બેઅસર હતાં.
મારી માનાં લગ્ન પછી પારિવારિક સંપત્તિ ઉપર એનો કોઈ અધિકાર નહોતો. તેમ છતાં એણે આ ઘરમાં પ્રવેશવાની હિંમત કરી હતી. આ મારા નાનાનું ખરીદેલું કોટેજ હતું. જેમાં એક ભાગમાં ભાડૂત હતા ને બીજો ભાગ વર્ષોથી ખાલી હતો. મારી માએ અડધી રાત્રે માત્ર કોટેજમાં પ્રવેશ નહોતો કર્યો, બલ્કે સિરિયન ક્રિશ્ચિયન્સના સદીઓથી ચાલતા આવેલા રૂઢિચુસ્ત રિવાજો અને જુનવાણી માનસનાં તાળાં તોડીને એમાં પ્રવેશ કર્યો હતો.
(સાભાર: મધર મેરી કમ્સ ટુ મી: અરુંધતિ રૉય) (ક્રમશ:)