Sat May 30 2026

Logo

જ્યોર્જિયાથી ગૂમ થયેલા મૂળ અમદાવાદના મેડિકલ સ્ટુડન્ટનો મૃતદેહ મળ્યો

2026-05-30 20:37:47
Author: Pooja Shah
Article Image

અમદાવાદઃ  જ્યોર્જિયામાં અભ્યાસ કરતા અને લગભગ 15 દિવસથી ગૂમ થયેલા મૂળ અમદાવાદના 22 વર્ષીય મેડિકલ સ્ટુડન્ટનો મૃતદેહ મળ્યો હોવાના અહેવાલો મળ્યા છે.  તેનો મૃતદેહ નદીમાંથી મળી આવ્યો છે. આ ઘટનાની જાણ થતાં પરિવાર ભાંગી પડ્યો છે. 

અમદાવાદના નિકોલ વિસ્તારનો રહેવાસી ધ્વનિત રાજદીપ ઉચ્ચ તબીબી અભ્યાસ માટે જ્યોર્જિયામાં રહેતો હતો. 14 મેના રોજ તેની હોસ્ટેલમાંથી ગાયબ થયા બાદ તે ગુમ થયો હોવાની જાણ પરિવારને થઈ હતી. તેના ગુમ થયા બાદ, તેના પરિવારે સોશિયલ મીડિયા દ્વારા મદદ માંગી અને તેને શોધવામાં મદદ માટે કેન્દ્રીય વિદેશ મંત્રાલયનો સંપર્ક કર્યો હતો. 

પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ, ધ્વનિતનો જ્યોર્જિયામાં તેના સ્થાનિક મકાનમાલિક સાથે વિવાદ હતો. પરિવારે આરોપ લગાવ્યો હતો કે મકાનમાલિક દ્વારા વારંવાર થતી દલીલો અને કથિત માનસિક ત્રાસને લીધે તે ગૂમ થયો હતો. 

અહેવાલો અનુસાર શોધખોળ દરમિયાન, જ્યોર્જિયન પોલીસને ધ્વનિતનો મૃતદેહ સ્થાનિક નદીના પટમાંથી મળ્યો હતો.  મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે, અને અધિકારીઓએ મૃત્યુ આત્મહત્યા, અકસ્માત અથવા કોઈ ગુનો અચવાનામા આવ્યો હોવાના પરિણામે છે કે કેમ તે નક્કી કરવા માટે તપાસ શરૂ કરી છે.

આ સમાચારથી પરિવાર શોકમાં ડૂબી ગયો છે. સંબંધીઓએ ભારત સરકારને ધ્વનિતના મૃતદેહને વહેલીતકે સ્વદેશ પરત લાવવા અને જ્યોર્જિયન અધિકારીઓ દ્વારા સઘન તપાસ કરવા અપીલ કરી હતી, તેમ સૂત્રોએ જણાવ્યું હતું. છેલ્લા થોડા દિવસોમાં વિદેશમાં રહેતા ભારતીયો થતી ગુનાખોરીના ઘણા કિસ્સા બહાર આવ્યા છે, જેને લઈને ભારતમાં વસતા પરિવારજનોમાં પણ ચિંતા પ્રવર્તી રહી છે.