Sun Sep 06 2026

Logo

ગુજરાત સરકારે અમદાવાદ, સુરત અને રાજકોટમાં ટીપી સ્કીમને મંજૂરી આપી

2026-05-30 18:52:51
Author: Pooja Shah
ગુજરાત સરકારે અમદાવાદ, સુરત અને રાજકોટમાં ટીપી સ્કીમને મંજૂરી આપી

અમદાવાદઃ ગુજરાત સરકારે અમદાવાદ, રાજકોટ અને સુરતમાં અનેક ટાઉન પ્લાનિંગ (ટીપી) યોજનાઓને મંજૂરી આપી હતી. રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા આ નિર્ણયોને નોટિફાય કરવામાં આવ્યા હોવાની માહિતી સૂત્રોએ આપી હતી. મુખ્ય નિર્ણયોમાં સરકારે અમદાવાદની પાલડી એક્સટેન્શન ટીપી સ્કીમ અને આંબાવાડી ટીપી સ્કીમને મંજૂરી આપી હતી. જોકે, વિરોચનનગર-ખોરજ વિસ્તાર માટે પ્રસ્તાવિત ટીપી સ્કીમને રિજેક્ટ કરવામાં આવી હતી, તેમ સૂત્રોએ જણાવ્યું હતું. 

પાલડી એક્સટેન્શન પ્લાનને મંજૂરી આપતી વખતે, સરકારે અંતિમ પ્લોટના વિસ્તાર, હેતુ અને ગોઠવણી સંબંધિત ફેરફારોનો નિર્દેશ આપ્યો હતો. આંબાવાડીમાં સરકારે સામાજિક માળખાગત સુવિધાઓ અને જાહેર ઉપયોગની સુવિધાઓ માટે જમીન અનામત રાખવાની જોગવાઈઓને મંજૂરી આપી હતી. જે ઝડપી શહેરીકરણને લીધે વિસ્તારોમાં નાગરિક સુવિધાઓની વધતી માંગને પહોંચી વળવા માટેનું એક પગલું છે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું. 

રાજ્ય સરકારે રાજકોટમાં પ્રાથમિક નગર આયોજન યોજના નંબર 36/3 (ઘંટેશ્વર-પરાપીપલ્યા) ને પણ મંજૂરી આપી છે. આ મંજૂરીમાં અનેક પ્લોટના વિસ્તાર, હેતુ અને સંખ્યામાં સુધારાનો સમાવેશ થાય છે. સામાજિક માળખાકીય સુવિધાઓ, પાર્કિંગ સુવિધાઓ અને અન્ય જાહેર ઉપયોગિતાઓ માટે પણ જમીન ફાળવવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ મંજૂરીથી માર્ગ વિકાસ અને આયોજિત શહેરી વિકાસને વેગ મળવાની અપેક્ષા છે.

સુરતમાં, સરકારે સુરત શહેરી વિકાસ સત્તામંડળની પ્રાથમિક નગર આયોજન યોજના નંબર 47 (ખોલવડ-ભરાદ) સંબંધિત અગાઉના જાહેરનામાનો શુદ્ધિપત્ર (કોરિજેન્ડમ) જારી કર્યો હતો. આ સુધારાઓમાં ચોક્કસ ફાઈનલ પ્લોટના વિસ્તાર અને ઉપયોગ સંબંધિત વિગતોમાં સુધારો કરવામાં આવ્યો છે, જ્યારે કેટલાક પ્લોટ નંબર રદ કરવામાં આવ્યા છે. જરૂરી ફેરફારો યોજનાના દસ્તાવેજો, નકશા અને રિ-ડિસ્ટ્રિબ્યુશન સ્ટેટમેન્ટમાં જોવા મળે છે. 

અધિકારીઓએ જણાવ્યું હતું કે અમદાવાદ, રાજકોટ અને સુરતમાં મંજૂર કરાયેલી ટીપી સ્કીમ રસ્તાઓ, ખુલ્લી જગ્યાઓ, જાહેર સુવિધાઓ અને આધુનિક શહેરી માળખાગત સુવિધાઓને વધારવામા મદદરૂપ બનશે.