નીલા સંઘવી
બાળક એ ભગવાનનું રૂપ છે. ફૂલ બગીચાની શોભા છે તેમ બાળક ઘરની અને દુનિયાની શોભા છે. પેલું અતિ જાણીતું વાકય છેને કે `દરેક નવું જન્મેલું બાળક દર્શાવે છે કે ઈશ્વરે હજુ માનવજાત પરથી શ્રદ્ધા નથી ગુમાવી.' વાત તો સાચી છે. નાના બાળકને જોઈને વહાલ આપોઆપ ઊભરાઈ જતું હોય છે, પણ આ જ બાળક મોટું થઈને ઘણીવાર તકલીફ આપતું થઈ જાય ત્યારે બહુ દુ:ખ થાય છે.
સુનીતાબહેનના કિસ્સામાં કંઈક આવું જ બન્યું. એ થોડી મોટી ઉંમરે માતા બનેલાં. લગ્નનાં લગભગ દસેક વર્ષ પછી તેમનો ખોળો ભરાયેલો. તે સમયે સુનીતાબહેન 35 વર્ષનાં થઈ ગયેલાં. એમણે દીકરીને જન્મ આપ્યો. મસ્ત મજાની ગોરી, ગલગોટા જેવી. જોતાં જ વહાલી લાગે એવી દીકરી. સુનીતાબહેને લાડકોડથી દીકરીને ઉછેરવા માંડી. તેમના પતિને પણ દીકરી બહુ વહાલી. દીકરીના પગલે ઘરમાં વૈભવ આવ્યો. પતિને ધંધામાં સારી એવી બરકત આવી. તેથી દીકરીનું નામ પાડ્યું વૈભવી.
સુનીતાબહેને વહેલા ઊઠીને રોજ બે કલાક પૂજા કરે. લડ્ડુ ગોપાલ તેમના ફેવરિટ. પોતાનો ખોળો લડ્ડુ ગોપાલની કૃપાને કારણે જ ભરાયો તેમ સુનીતાબહેન દૃઢપણે માનતા હતાં.. વૈભવી પોતાની માતાનો લડ્ડુ ગોપાલ પ્રત્યેનો પ્રેમ અને તેની પૂજા થતી જોઈને જ મોટી થઈ. સ્વાભાવિકપણે જ તે પણ લડ્ડુ ગોપાલની ભકત બની ગઈ તે પણ માની સાથે જ બેસીને પૂજા કરતી, આરતી કરતી અને ભોગ ધરાવતી.
વૈભવી હાઈસ્કૂલમાં ભણતી હતી. તેથી હવે તેને વધારે સમય અભ્યાસ કરવાની જરૂર હતી, પણ વૈભવી તો જયારે ને ત્યારે મંદિર ખોલીને બેસી જાય લડ્ડુ ગોપાલ સામે. લડ્ડુ ગોપાલને સ્નાન કરાવે, વસ્ત્રો બદલે તેમનો શૃંગાર કરે અને બેઠી બેઠી તેમની સાથે વાતો કરે. કોઈ કોઈ વાર તો સ્કૂલે પણ ન જાય. હવે વૈભવીનાં માતા-પિતાને થયું કે આ બધું હવે વધારે પડતું થઈ રહ્યું છે. ઈશ્વરની સેવા કરવી, પૂજા અર્ચના કરવી એ તો સારી વાત છે, પણ આમ આખો દિવસ અભ્યાસના ભોગે આવી રીતે દીકરી મંદિર સામે બેસી રહે એ તો કેમ ચલાવી લેવાય?
વૈભવીના પિતા પહેલાં તો સુનીતાબહેન પર ગુસ્સે થયા, `તું આખો દિવસ લડ્ડુ ગોપાલ, લડ્ડુ ગોપાલ' કરે છે તે તારું જોઈને આ તારી દીકરી પણ શીખી ગઈ. લે હવે કર આખો દિવસ `લડ્ડુ ગોપાલ, લડ્ડુ ગોપાલ.' આ છોકરી આવું જ કર્યા કરશે અને ભણશે-ગણશે નહીં. તો કેમ ચાલશે? આજે ભણ્યા વગર એક ડગલું યે આગળ ચલાય તેમ નથી. એમ આ છોકરીને ભણવામાં જરાય રસ નથી. હવે શું કરીશું આનું?'
`વાત તમારી સાવ સાચી છે. મનેય ઘણા દિવસથી આ છોકરીની ચિંતા થવા લાગી છે. જો આમ જ કર્યા કરશે તો કેમ ચાલશે? અને વઢવું તો પડશે જ. એકની એક દીકરી છે તો શું થયું? કાંઈ એમ માથે થોડી ચડાવાય?'
પતિ-પત્નીએ વૈભવીને સમજાવવાનો પ્રયત્ન કર્યો, `બેટા, લડ્ડુ ગોપાલ આપણા વહાલા છે, ઈશ્વર છે એ બધી વાત સાચી. એની પૂજા-અર્ચના કરવી જોઈએ એ વાત પણ સાચી. પણ સાથે સાથે અભ્યાસ પણ એટલો જ જરૂરી છે. અભ્યાસને તું નજરઅંદાજ ન કરી શકે. ભણીશ નહીં તો આગળ જઈને શું કરીશ?'
`મારે ભણીને શું કરવું છે? મારા લડ્ડુ ગોપાલ છેને? એ જ મારું ધ્યાન રાખશે. એટલે હવે કહી દઉં છું, સ્કૂલે જવું હશે તો જઈશ નહીં જવું હોય તો નહીં જાઉં.' વૈભવી જુસ્સામાં બોલી.
વૈભવીની વાત સાંભળીને સુનીતાબહેનને ગુસ્સો આવ્યો એટલે બોલ્યા, `લાવ, આજે તો લડ્ડુ ગોપાલને જ ફેંકી દઉં છું... એટલે વાત પૂરી!' જેવું સુનીતાબહેન આમ બોલ્યાં કે વૈભવી તૂટી પડી સુનીતાબહેન પર. તેણે વિફરીને માને નખોડિયાં ભરી લીધાં અને બે ચાર લાફા પણ મારી દીધા, વૈભવીનાં મા-બાપ તો આઘાતથી સુન્ન થઈ ગયાં. તેમના પગ તળેથી ધરતી સરકી ગઈ. આ છોકરી શું કરી રહી છે?
થોડી વાર પછી સ્વસ્થ થઈને તેના પિતા બોલ્યા, `વૈભવી, આ શું કરે છે? તારી માને મારે છે? શરમાતી નથી? અમે તને આવા સંસ્કાર આપ્યા છે?
`તમે વધારે નહીં બોલતા, નહીં તો તમને પણ મારીશ,' વૈભવીના આવા શબ્દો સાંભળીને મા-બાપ સ્તબ્ધ થઈ ગયાં. જેને લાડકોડથી ઉછેરી તે દીકરી જ આવું વર્તન કરે છે?
મા-બાપે દીકરી સાથે શાંતિથી-સમજાવટથી કામ લેવાનું નક્કી કર્યું, પણ જેવું સ્કૂલે જવાનું કે ભણવાનું નામ આવે એટલે વૈભવી હાઇપર થઈ જાય. આખો દિવસ મંદિર સામે બેસીને લડ્ડુ ગોપાલની પૂજા કરે, પાઠ કરે એની સાથે વાતો કરે. મા-બાપ જરીક પણ કાંઈ બોલે તો મારવા દોડે, એક 14-15 વર્ષની દીકરીનું આવું વર્તન માતા-પિતા માટે કેટલું દુખદાયી હોય, પણ શું થાય પોતાનું જણ્યું છે. એટલે પોતાનાં સગાં-સંબંધીની સલાહથી તેને મનોચિકિત્સક પાસે લઈ જવાનું તેનાં માતા-પિતાએ નક્કી કર્યું.
મનોચિકિત્સક સાથેની ચાર-પાંચ સીટિંગ પછી વૈભવીમાં થોડો ફરક પડ્યો.વૈભવી થોડી શાંત થવા લાગી. આખરે ડૉક્ટરની `સારવાર' ધીરે ધીરે સફળ થવા લાગી. વૈભવીએ ભણવામાં ધ્યાન આપવા લાગી. માતા-પિતાને શાંતિ થઈ `પણ છેલ્લાં બે-ત્રણ વર્ષમાં તેમની ઉપર જે વીત્યું હતું તે આજે પણ ભૂલી શક્યાં નથી, પણ અંત ભલા તો સબ ભલા સમજીને દીકરીને પ્રેમથી સુધારવાના પ્રયત્ન કરી રહ્યાં છે. આખરે મા-બાપનો કોઈ પર્યાય છે ખરો?