પ્રજ્ઞા વશી
જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર મહિનો ઉત્સવ-વરસાદ-પૂર-ગણપતિબાપા તેમ જ માતાજીની પધરામણી અને પછી વિદાય. વિદાય પછી દિવાળીના આગમનના પડઘમ વાગવાના શરૂ થઈ જાય. આ ત્રણથી ચાર મહિના શું કરવું અને શું ન કરવું તે ઘણાને સમજાતું નથી. એમાં હમણાં વરસાદ તો જાણે બે-ચાર વરસનો વરસાદ એક સાથે વરસાવી દેવો હોય એમ મુશળધાર પડી રહ્યો છે.
હમણાં અમારી શેરીઓમાં ઘૂંટણભેર પાણી ભરાયાં. લોકો પોતાનાં ઘર, દુકાન, કામકાજ વચ્ચે વરસાદી પૂર જેવી પરિસ્થિતિમાં દોડધામ કરતા હતા, ત્યાં કેટલાક કૅમેરામેન અને પ્રશ્ર્ન પૂછનાર પ્રવક્તા માઇક લઈને ભર વરસાદમાં પલળેલા અને હાંફેલ માણસને પૂછે કે ‘ભાઈ, તમને શું લાગે છે? તમને આ વરસાદમાં ઘરે જઈને ગરમાગરમ ભજિયાં ખાવાનું મન થાય છે કે પછી કોઈ વરસાદી ગીત ગાવાનું મન થાય છે?’
જે ભાઈને પ્રશ્ર્ન પૂછ્યોે ભાઈ દુકાનમાં ભરાયેલાં પાણીને ઉલેચી ઉલેચીને થાકેલો હતો. એણે મ્હોં બગાડીને કહ્યું : ‘તમે પહેલાં આ પાણીમાં તણાઈ ગયેલ ચંપલ શોધી આપો. પછી મારી દુકાનનું પાણી પણ હજી ઉલેચવાનું બાકી છે, એમાં મદદ કરો. પછી તમને તમારા પ્રશ્ર્નનો જવાબ આપું...!’
ઇન્ટરવ્યૂ લેનાર ત્યાંથી તરત જ કૅમેરો અને માઇક લઈને બીજી ગલીમાં સરકી ગયો. આજકાલ રીલ બનાવનારા પણ ક્યારે અને કેવી હાલતમાં આપણા ફોટા પાડીને વાઇરલ કરશે એ કહી શકાતું નથી. કોઈ પાણીમાં લપસી પડે અને સામેથી કૅમેરામૅન કહે, ‘જરા થોડીવાર આ તરફ જોઈને બચાવો... બચાવો...ની બૂમ પાડો અને મ્હોં ઉપર દુ:ખના ભાવ લાવો’ એમ કહે ત્યારે એ લપસેલો માણસ અત્યાર સુધી ટકાવી રાખેલ હિંમત છોડીને કૅમેરામૅનના નામનું રડી પડે અથવા તો ઊભો થઈને બે-ચાર હુરતી સંભળાવે એ વાત નક્કી.
કેડ સમાણાં પૂરમાં તણાતા માણસ આગળ પાણીમાં કોઈ માઇક ધરીને પૂછે કે ‘આ દર વરસે ખાડીપૂર આવે એના માટે કોણ જવાબદાર છે? અને એ માટે તમારું શું મંતવ્ય છે?’ (ભાઈ, તું પહેલાં એ ભાઈને ટેકો તો કર!)
જોકે અમારા હુરતમાં તો હવે ‘દર વરસે પૂર આવવાનું જ છે.’ એ રીતે મનથી નક્કી કરીને વરસાદ શરૂ થાય, એટલે નીચાણવાળા વિસ્તારમાં કેટલાક ભાગના લોકો સહુથી પહેલાં ભજિયાં, ભૂસું અને મીઠાઈ લાવીને ઘર ભેગી કરે. ખાદ્ય સામગ્રીનો ભરપેટ પુરવઠો માળ ઉપર ચડાવવાનો ઉપક્રમ પહેલાં કરે અને પછી ઘરનો સામાન.
પૂરને પણ ઉત્સવની જેમ મનાવવાવાળા લોકો પણ ઠેર ઠેર જોવા મળે છે. ભર વરસાદ અને પૂરમાં પણ ઇન્ટરવ્યૂ લેવા જનાર હજી, ‘તમને શું લાગે છે?’ એમ પૂછે એ પહેલાં અગાસીમાં પાર્ટી કરતા હુરતીઓ પેલાનું માઇક નીચે મુકાવીને કહેશે, ‘પહેલાં ગરમાગરમ ભજિયાંની ઉજાણી કરી લે. પછી ભાઈ, તારે જે પૂછવું હોય તે પૂછજે. ઇન્ટરવ્યૂ કરવા પણ તારે શક્તિની જરૂર પડશે. સમજ્યો?’
એક વૃદ્ધ દાદાને રીલ ઉતારનારે પૂછ્યું, ‘દાદા, તમને તમારા જમાનાનું કોઈ વરસાદી ગીત આવડતું હોય તો ગાવ ને. લોકોને આજે જૂના જમાનાનાં ગીત કેવાં હોય તે સાંભળવાં મળશે.’
પેલા રીલ ઉતારનારને તો એમ કે દાદા હમણાં ગાશે કે ‘વા વાયા ને વાદળ ઊમટ્યાં...’ કે પછી ‘વાદલડી વરસી રે, સરોવર છલી વળ્યાં...’ કે પછી ‘ગુલાબી કેમ કરી જશો ચાકરી રે...’ પણ ત્યાં તો દાદાએ ગાયું, ‘રીમઝીમ ગીરે સાવન, સુલગ સુલગ જાયે મન...’ ને બીજું શરૂ કર્યું, ‘આજ રપટ જાયે, તો હમે ના બુલઈયો...’
ઇન્ટરવ્યૂ લેનારે ઝરમર વરસાદ ધારેલો, પણ દાદાએ તો મુશળધાર... નવા જમાનાનાં ફિલ્મી ગીતો સંભળાવ્યાં. અહીં અમને પણ કવિ મનોજ ખંડેરિયાની ગઝલ યાદ આવી, ‘કોઈ પળે એમ પણ બને, હાથ આખે આખો બળે.’ પૂરમાં વીજળી ડૂલ થઈ જાય એ વખતે આપણે રઘવાયા થઈને માચીસ, દીવો, બૅટરી વગેરે ફંફોસતાં હોઈએ અને ઠોકર ખાતાં હોઈએ, ત્યાં કોઈ આવીને માઇક ધરીને પૂછે કે ‘આ અંધારા વિશે અને લાઇટના જવા વિશે તમારે કંઈક કહેવું છે? તમે હમણાં શું અનુભવો છો?’
ત્યારે આપણા મનમાં ચોક્કસ એવું જ થાય કે હાથમાં જો એકાદ સળગતી મીણબત્તી હોત તો આને સ્વાદ ચખાડીને ચોક્કસ પૂછતે કે મીણબત્તીનો ઉજાસ અને ગરમી તમને કેવી લાગી? હા, હજુ બાગના બાંકડે નવરા લોકોની ટોળી બેઠી હોય અથવા નિવૃત્ત થયેલા ગપ્પીદાસો બેઠા હોય, ત્યાં જઈને એ લોકોનો જો ઇન્ટરવ્યૂ લેવામાં આવે તો કદાચ ત્યાં ઇન્ટરવ્યૂ લેનારને જાતજાતનો મસાલો મળી રહે.
બાકી ભૂલમાં પણ દુ:ખી માણસો પાસે જઈને માઇક ધરી દે તો નહીં સાંભળવાનું સાંભળવા મળે અને કૅમેરો હટાવવાનો વારો આવે એ વાત નક્કી. ઘણીવાર બાંકડા ઉપર બેઠેલા અથવા તો ટોળે વળેલા લોકો પાસે વાત કરવાનો વિષય ખૂટી જાય એટલી બધી વાતો એમણે કરી લીધી હોય. ઉપરાંત બીજી ગપ્પાબાજી પતી ગઈ હોય અને એ સમયે જ એ ટોળામાં પેલો ઇન્ટરવ્યૂ લેનાર જો માઇક ધરીને પૂછે કે ‘તમને આ નિવૃત્તિમાં શું શું કરવું ગમે?’ અને પછી તમે જોજો.
કેટલી બધી જાતના જવાબો ફટાફટ મળી રહેશે. હું એવું માનું છું કે એ રીલ સૌથી સારી રીલ બનશે. એ રીલ બનાવનારને હજારો લાઇક અને ફૉલોઅર્સ મળી રહેશે. એટલે જ્યાં પુષ્કળ નવરા બેઠા હોય, ત્યાં જ માઇક લઈને જવું. બાકી પૂરમાં તણાતા લોકો પાસે જઈને પૂછશો કે તમને અત્યારે કેવું લાગી રહ્યું છે?’ કે પછી વરસાદમાં ધ્રૂજતા લોકોને પૂછશો કે ‘તમને અત્યારે કેવું લાગે છે? તમારી પાસે છત્રી કેમ નથી? શું છત્રી કાગડો થઈ ગઈ છે?’
એ પછી તમને જે જવાબ મળશે એ તમે સાંભળી નહીં શકો અને તમારે કૅમેરો ઝટ ફેરવી લેવો પડશે એ નક્કી.