કાજલ ઓઝા-વૈદ્ય
(ભાગ: 3)
નામ: સ્નેહલતા
સમય: 2026
સ્થળ: બાંદ્રા, મુંબઈ
ઉંમર: 71 વર્ષ
1980માં ઉપેન્દ્ર ત્રિવેદી જ્યારે રાજકારણ તરફ વળ્યા ત્યારે શું કરવું એ મને મૂંઝવતું હતું ત્યાં જ ‘ઢોલા મારુ’ની સ્ક્રિપ્ટ આવી. નિર્માતા ગોવિંદભાઈ પટેલ અને દિગ્દર્શક મેહુલકુમાર હતા. એક નવા અભિનેતા નરેશ કનોડિયાને એમાં મારી સાથે સાઇન કરવાની વાત હતી. નરેશ કનોડિયાએ એ પહેલાં ‘જાગ્યા ત્યાંથી સવાર’ નામની ફિલ્મ કરી હતી, પણ એ ફિલ્મ બહુ ચાલી નહોતી.
જોકે એ મહેશ કુમાર એન્ડ પાર્ટીના ખૂબ પ્રસિદ્ધ કલાકાર હતા. એમના ભાઈ મહેશ કુમાર અનેક અવાજોમાં ગાતા અને નરેશ કનોડિયા ‘જૉની જુનિયર’ તરીકે કૉમેડી કરતા, સ્ટેજ પર નૃત્ય કરતા. લોકો એમને જાણતા હતા. એ ખૂબ લોકપ્રિય હતા અને વિદેશોમાં પણ અનેક શો કરી ચૂક્યા હતા. હું એમને પહેલીવાર મળી ત્યારે એમની નમ્રતા અને સ્નેહભર્યા વર્તાવથી ખૂબ જ અભિભૂત થઈ.
નવા કલાકાર હોવા છતાં મેં એમની સાથે ફિલ્મ કરવાની હા પાડી. નરેશભાઈ એ આ વાત જીવનભર યાદ રાખી અને દરેક ઇન્ટરવ્યુમાં મારો ઉલેખ કર્યો. ‘ઢોલા મારુ’ ખૂબ સફળ થઈ. એનાં ગીતો પણ ખૂબ પ્રચલિત થયાં, પણ મને હિન્દી ફિલ્મોમાં ક્યારેય આવી લોકપ્રિયતા કે સ્વીકાર મળ્યો નહીં.
હિન્દી સિનેમાથી કરેલી શરૂઆત મને બહુ ફળી નહીં એવું મારે સ્વીકારવું જોઈએ. રાજેશ ખન્ના સાથે હીરોઈનનો રોલ કર્યા પછી પણ મને હિન્દી ફિલ્મો મળી નહીં. 1969માં બનેલી ફિલ્મ ‘ખામોશી’ના સેટ પર રાજેશ ખન્ના શરમાળ અને શાંત રહેતા. વહીદા રહેમાન જેવી અભિનેત્રીની સામે અમે બધાં જ ઓછું બોલતાં.
જોકે, વહીદાજી સાથે મારો એક જ સીન હતો, પરંતુ હું એટલી બધી ડરતી હતી કે બે વખત રિટેક થયા. કૅમેરામૅન કમલ બોસે મારી પાસે આવીને મને કહ્યું, ‘કોઈ અભિનેત્રી મોટી કે નાની નથી હોતી. એ સફળ છે, જાણીતા છે, પરંતુ તું યે કંઈ ઓછી નથી. તારી પૂરી તાકાતથી સીન કર...’ આજે પણ લોકો ‘ખામોશી’નો એ સીન યાદ કરે છે જેમાં સુલેખા નામનું પાત્ર પાગલ થઈ ગયેલા રાજેશ ખન્નાની નર્સને અપમાનિત કરીને કાઢી મૂકે છે.
એ વખતે નેગેટિવ રોલ કરવા કોઈ તૈયાર નહોતું ત્યારે મેં નેગેટિવ રોલ કર્યો... હું હંમેશાં પાત્રો અને કથાઓ સાથે પ્રયોગો કરતી આવી છું. પૌરાણિક અને લોકકથા ઉપર આધારિત ફિલ્મોની જબરજસ્ત સફળતા જોઈ રહી હતી ત્યારે મેં સામાજિક ફિલ્મ કરવાની હિંમત કરી. જ્યારે ગુજરાતી ફિલ્મનું કોઈ ભવિષ્ય નહોતું ત્યારે મેં ગુજરાતી ફિલ્મ કરી એટલું જ નહીં, એક અપ્સરાનો-પદ્મિનીનો રોલ કર્યો, જે પોતાના પતિને છોડીને ચાલી જાય છે. એક રીતે તો એ પણ નેગેટિવ જ હતો તેમ છતાં ફિલ્મને જબરજસ્ત સફળતા મળી.
આજે જિંદગીના સાત દાયકા પસાર કર્યા પછી મેં જે સફળતા અને લોકપ્રિયતા જોઈ છે એ ભાગ્યે જ કોઈ રિજનલ-ભાષાકીય સિનેમાની હીરોઈને જોઈ હશે! એ વખતની સિનેમા સૃષ્ટિ અલગ હતી. 1960ના દાયકાની શરૂઆતમાં ઘણી ગુજરાતી ફિલ્મો બ્લૅક ઍન્ડ વ્હાઇટ બનતી હતી. 1932માં નાનુભાઈ વકીલે ‘સંત નરસિંહ મહેતાનું જીવન’ નામની ફિલ્મ બનાવી. અત્યારે તો આને જ પૂર્ણ લંબાઈની પહેલી ગુજરાતી ફિલ્મ માનવામાં આવે છે.
1931માં ‘આલમ આરા’ બની, પછી 1930થી 50 દરમિયાનની લગભગ બધી જ ફિલ્મો પૌરાણિક, સંતકથાઓ અને લોકકથાઓ પર બનતી રહી. 1934માં બલવંત ભટ્ટે ‘સંસારલીલા’ નામની ફિલ્મ બનાવી જેને કારણે પૌરાણિક વિષયોમાંથી સામાજિક કથાઓ તરફ વળી. બલવંત ભટ્ટે ‘સ્નેહલતા’ નામની ફિલ્મ પણ બનાવી હતી! ‘શેઠ સગાળસા’ અને ‘દીવાદાંડી’ જેવી ફિલ્મો પણ એમણે બનાવી. પારિવારિક વિષયો એ પછી જ લોકપ્રિય થયા.
એ સમયની લગભગ બધી ગુજરાતી ફિલ્મો 35 એમ.એમ. ફિલ્મ પર શૂટ થતી. કૅમેરામાં મૅગેઝિન અથવા રોસ્ટોક, અથવા રોલ ચડાવવામાં આવતો. એક મૅગેઝિનમાં સામાન્ય રીતે 400 ફૂટ અથવા હજાર ફૂટની ફિલ્મ મળતી. એ ફિલ્મને અંધારામાં ચેન્જિંગ બૅગમાં કાઢી લઈને એમાંથી પહેલાં નેગેટિવ અને પછી પૉઝિટિવ પ્રિન્ટ નીકળતી. કોડાક ઈસ્ટમેન કલર નેગેટિવ ભારતીય સિનેમામાં પ્રચલિત થઈ. એ પહેલાં ગેવા અને આગ્ફા કલર પણ પ્રચલિત હતા. ઈસ્ટમેન કલરમાં રંગો કુદરતી લાગતા. ફિલ્મની સ્પીડ સારી હતી અને લૅબ પ્રોસેસિંગ પણ સરળ બન્યું.
મૂળ નેગેટિવ ઉપરથી પ્રિન્ટ બનાવીને સિનેમા થિયેટરમાં પ્રોજેક્ટર ઉપર ચલાવવામાં આવતી. દરેક ફિલ્મની દરેક શહેર માટે અલગ પ્રિન્ટ કાઢવી પડતી. એક જ પ્રિન્ટ વધુ ચાલે તો એમાં સ્ક્રેચ પડે, ધૂળ લાગે, રંગ ફિક્કા પડે કે સ્પીડ આગળ-પાછળ થાય એવું પણ બનતું. એરિફ્લેક્સ 35 આઇઆઇસી નામનો કૅમેરા ખૂબ જાણીતો હતો. બીજો એક ભારે કૅમેરા મિટશેલ હતો, જે મોટેભાગે ટ્રાઇપોડ પર જ રાખવો પડતો અને એનો ઉપયોગ સ્ટુડિયોમાં થતો.
આ કૅમેરા ચાલતો હોય ત્યારે અવાજ આવતો, એને કારણે આખી ફિલ્મ ડબ કરવી પડતી. ટંક્શન અને બ્રૂટઆર્કની લાઇટ્સ વપરાતી. સ્ટુડિયોમાં ગરમી પડતી અને કલાકારને ખૂબ મેકઅપ કરવો પડતો. ફિલ્મને જોઈ, કાપી, જોડીને એડિટ કરવી પડતી. સંગીતમાં પણ આખું ઑર્કેસ્ટ્રા સાથે વગાડે અને ગાયક પણ એમની સાથે ગાય એવી રીતે ફિલ્મનું રેકૉર્ડિંગ થતું.
આ બધો સમય મેં જોયો છે... 1970થી 1980ના દાયકા દરમિયાન બધી ફિલ્મો સેલ્યુલૉઇડ પર શૂટ થતી, પરંતુ 1990ના સમયમાં ડિજિટલ કૅમેરા અને આધુનિક ટક્નૉલૉજીએ પ્રવેશ કર્યો. 1980ના દાયકામાં ઉપેન્દ્ર ત્રિવેદી સાથે મારી ઘણી ફિલ્મો આવી. અમારી જોડી સફળ અને લોકપ્રિય માનવામાં આવતી. નિર્માતાઓ અને વિતરકો અમારું નામ જોઈને જ ફિલ્મ ખરીદી લેતા.
1974માં ‘હોથલ પદમણી’ આવી એ પછી એકસરખી સુંદર ફિલ્મો આવી. 1981માં અમે ‘ભવભવના ભેરું’ ફિલ્મ સાથે કરી... રવીન્દ્ર દવે જે ખૂબ જ જાણીતા દિગ્દર્શક હતા એ પોતાની હિન્દી ફિલ્મ ‘નગિના’ બનાવી રહ્યા હતા. મુખ્ય કલાકારોની તારીખોમાં પ્રશ્ર્નો ઊભા થયા. સંજય ખાન અને લીના ચંદાવરકરની આ ફિલ્મ વખતે લીનાજીના પતિનું મૃત્યુ થયું. તારીખોની સમસ્યા ઊભી થઈ.
રવીન્દ્ર દવેએ યુનિટ અને કૅમેરા બુક કરી લીધાં હતાં અને ફિલ્મનો રોસ્ટૉક ખરીદી લીધો હતો. ફિલ્મનું યુનિટ બેકાર ન બેસી રહે એટલે એમણે ગુજરાતી ફિલ્મ બનાવવાનો નિર્ણય કર્યો. 1971માં ‘જેસલ તોરલ’ બની અને પછી ઉપેન્દ્ર ત્રિવેદી અને રવીન્દ્ર દવેએ 16 ગુજરાતી ફિલ્મો સાથે કરી, જેમાં મોટાભાગની ફિલ્મોમાં હું પણ હતી.
રવીન્દ્ર દવે એક જ દૃશ્ય માટે ઘણા રિહર્સલ કરાવતા, પરંતુ કૅમેરા ચાલુ થયા પછી ઓછા ટેક લેવાનું પસંદ કરતા. તે સમયની મોંઘી ફિલ્મ રીલ બચાવવી પણ એક કારણ હતું, પરંતુ તેઓ માનતા કે કલાકારની પ્રથમ સ્વાભાવિક અભિવ્યક્તિ ઘણી વાર શ્રેષ્ઠ હોય છે. તેઓ ટેક્નિકલ ગુણવત્તા માટે જાણીતા હતા અને ગુજરાતી ફિલ્મોમાં ઈસ્ટમેન કલર તથા વધુ વ્યવસ્થિત નિર્માણ પદ્ધતિ લાવવામાં તેમનો મોટો ફાળો રહ્યો. લોકો તેમને ગુજરાતી સિનેમાના ગુરુ તરીકે યાદ કરે છે.
એ જ રીતે અમારી સાથે રમેશ મહેતાની કૉમેડી પણ લોકપ્રિય થઈ... રમેશ મહેતા પણ રવીન્દ્ર દવેની જેમ અકસ્માતે જ ફિલ્મમાં આવ્યા. ‘જેસલ તોરલ’માં મૂળ હાસ્ય કલાકાર કૃષ્ણકાંત કામ કરવાના હતા. એમની તારીખો પણ લેવાઈ ગઈ હતી, પરંતુ એક નાનકડો અકસ્માત નડવાને કારણે ફિલ્મના શૂટિંગ સાથે એમની તારીખો મૅચ ન થઈ શકી. રવીન્દ્ર દવેએ રમેશ મહેતાને તક આપી ને પછી તો રમેશ મહેતા ગુજરાતી સિનેમાનો ઇતિહાસ બની ગયા.
એ ગાળામાં ગુજરાતી સિનેમાને બીજા અનેક દિગ્દર્શકો અને નાયકો મળ્યા. રાજીવ, અરવિંદ રાઠોડ અને ફિરોઝ ઈરાની જેવા અભિનેતાઓએ ગુજરાતી તરફ આવવા માંડ્યું. વિજય ભટ્ટ, ‘બૈજુ બાવરા’ના દિગ્દર્શક જેમણે હિન્દી સિનેમાને મીના કુમારી જેવી અભિનેત્રી આપી.
એના પુત્ર અરૂણ ભટ્ટ પણ ગુજરાતી સિનેમા તરફ આવ્યા. એમણે પૌરાણિક કે લોકકથાને બદલે સામાજિક કથાની પસંદગી કરી. યુવાન નણંદથી થઈ ગયેલી ભૂલને ભાભી પોતાની જવાબદારી સમજીને ભયંકર પરિણામમાંથી ઉગારે છે એવી સુંદર કથા સાથે હૅન્ડસમ અંગ્રેજી બોલતો પતિ, સંસ્કારી છતાં દેશી પત્નીને સ્વીકારી શકતો નથી, એવી આધુનિક કથા લઈને બની ‘મોટા ઘરની વહુ’.
આ ફિલ્મમાં પત્નીને અભણ માનતા પતિને જ્યારે એક દૃશ્યમાં પત્ની અંગ્રેજીમાં ઠપકો આપે છે એ દૃશ્ય એટલું બધું લોકપ્રિય થયું કે થિયેટરમાં પૈસા ફેંકાતા, લોકો ઊભા થઈને તાળીઓ પાડતા. કેટલાંક થિયેટરમાં લોકોએ પ્રોજેક્ટર રૂમમાં ધસી જઈને, ફિલ્મ રિવાઇન્ડ કરીને એ દૃશ્ય ફરી બતાવવાનો આગ્રહ કર્યો હોય એવા દાખલા પણ હતા... ‘મોટા ઘરની વહુ’એ મને એક નવી ઈમેજ, નવી દિશા આપી. (ક્રમશ:)