Tue Sep 01 2026

Logo

અભિનેત્રીના સાંતાક્રુઝના ફ્લૅટમાંથી એક કરોડની મતા ચોરનારો પકડાયો

2026-08-10 17:45:28
Author: Yogesh C. Patel
અભિનેત્રીના સાંતાક્રુઝના ફ્લૅટમાંથી એક કરોડની મતા ચોરનારો પકડાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બોલીવૂડની ઍક્ટ્રેસ અને બિગ બૉસ-2016ની સેક્ધડ રનર અપ લોપામુદ્રા રાઉતના સાંતાક્રુઝના ફ્લૅટમાંથી સોનાની બિસ્કિટ્સ, કીમતી ઘડિયાળ અને રોકડ મળી અંદાજે એક કરોડની મતા ચોરનારો બિહારમાં પકડાયો હતો.સાંતાક્રુઝ પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ ચંદન કમલેશ મુખિયા (26) તરીકે થઈ હતી. બિહારના દરભંગામાં રહેતા મુખિયાને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર મુંબઈ લાવવામાં આવ્યો હતો. ચોરીની રોકડમાંથી તેણે વતનમાં જમીન ખરીદવાનું નક્કી કર્યું હતું.

પોલીસ ફરિયાદ અનુસાર અભિનેત્રી સાંતાક્રુઝની ઈમારતના પાંચમા માળે ભાડેના ફ્લૅટમાં રહેતી હતી. કામ નિમિત્તે તે 20 જૂન, 2026ના રોજ બહાર ગઈ હતી. 27 જુલાઈ, 2026ના તે પાછી ફરી ત્યારે ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી.કહેવાય છે કે બિલ્ડિંગની પાઈપથી પાંચમા માળના ફ્લૅટની બાલ્કની સુધી આરોપી પહોંચ્યો હતો. પછી બાલ્કનીમાંનો દરવાજો તોડી તે બેડરૂમમાં પ્રવેશ્યો હતો. કબાટના લૉકરમાંથી રોકડ, પચીસ લાખની સોનાની બિસ્કિટ્સ, પાંચ લાખની રૉલેક્સની ઘડિયાળ મળી અંદાજે એક કરોડની મતા ચોરાઈ હતી. આ પ્રકરણે અભિનેત્રીએ સાંતાક્રુઝ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.


પોલીસે ગુનો નોંધી ઘટનાસ્થળ આસપાસના સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસ્યાં હતાં. ફૂટેજને આધારે રેકોર્ડ પરના આરોપી મુખિયાની આ ચોરીમાં સંડોવણી હોવાની શક્યતા દૃઢ બની હતી. 14 જુલાની રાતે તેના મોબાઈલનું લૉકેશન અભિનેત્રીની બિલ્ડિંગ પાસેનું દર્શાવાતું હતું. પરિણામે તેણે જ ચોરી કહી હોવાનું માની પોલીસે શોધ હાથ ધરી હતી.આરોપી બિહારના દરભંગામાં હોવાની માહિતી મળતાં પોલીસની ટીમ ત્યાં રવાના થઈ હતી. દરભંગાની સોનકી પોલીસની મદદથી આરોપીને તાબામાં લેવાયો હતો. તેની પાસેથી સોનાની બિસ્કિટ્સ અને ઘડિયાળ મળી આવી હતી. આરોપીએ રોકડ રકમ તેના પરિચિત કૈલાસ સાહને આપી હતી અને તેના નામે જમીન ખરીદવાનું કહ્યું હતું. કૈલાસે એ રકમ પોતાના બૅન્ક ખાતામાં જમા કરાવી હતી. પોલીસે કૈલાસના ખાતામાં 46.39 લાખ રૂપિયા સીઝ કરીને તેને નોટિસ બજાવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.