Mon Jun 08 2026

Logo

ટેસ્ટ-ડ્રાઇવ કાર ત્રણ વાહનો સાથે ભટકાયા બાદ ક્ધસ્ટ્રક્શન સાઇટ પર ખાડામાં ખાબકી

2026-03-11 17:17:09
Author: Yogesh D Patel
Article Image

થાણે: થાણેમાં ટેસ્ટ-ડ્રાઇવર કાર કાબૂ ગુમાવીને પાર્ક કરાયેલા ત્રણ વાહનો સાથે ભટકાયા બાદ ક્ધસ્ટ્રક્શન સાઇટ પર ખોદેલા ઊંડા ખાડામાં ખાબકી હતી. થાણે પાલિકાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના ચીફ યાસિન તડવીએ કહ્યું હતું કે થાણેના નૌપાડા સ્થિત પાંચપાખાડી વિસ્તારમાં હોટેલ નજીક મંગળવારે સાંજે 7.28 વાગ્યે આ અકસ્માત થયો હતો, જેમાં કારમાં હાજર ત્રણ જણ ઘાયલ થયા હતા.

ટાટા કર્વ ટેસ્ટ-ડ્રાઇવ કારે અચાનક નિયંત્રણ ગુમાવ્યું હતું અને તે રસ્તાને કિનારે પાર્ક કરેલી રિક્ષા તથા બે ટૂ-વ્હીલર સાથે ભટકાઇ હતી. બાદમાં તે ક્ધસ્ટ્રક્શન સાઇટ પર બાંધકામ માટે ખોદવામાં આવેલા 20 ફૂટ ઊંડા ખાડામાં પડી ગઇ હતી.

કારમાં હાજર ત્રણ જણ અંદર ફસાઇ ગયા હતા અને રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચે એ પહેલા જ સ્થાનિકોએ ત્રણેય જણને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. અકસ્માતમાં ઇજા પામેલા ત્રણેય જણમાં ઑટોમોબાઇલ શોરૂમનો કર્મચારી હતો, જ્યાંથી કાર ટેસ્ટ-ડ્રાઇવ માટે લેવાઇ હતી. (પીટીઆઇ)