સુરતમાં દુષ્કર્મના કેસમાં 48 વર્ષીય આરોપી સામે ગુનો નોંધાયો છે. લસકાણા પોલીસ સ્ટેશનમાં 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ, ધમકી અને અશ્લીલ તસવીરો વાયરલ કરવાનો ગંભીર આરોપ હેઠળ 48 વર્ષના આરોપી સામે ગુનો નોંધાયો છે. આરોપી મામૈયા તોગાભાઈ વાટુકિયા (રહે. સહજાનંદ સોસાયટી, લંબે હનુમાન રોડ, સુરત) પીડિતાનો સાવકો મામો થતો હતો અને પીડિતાની માતા તેને રાખડી બાંધતી હતી. નવેમ્બર-ડિસેમ્બર 2019થી શરૂ કરીને 20 ઓગસ્ટ સુધી અલગ-અલગ સમયે આરોપીએ સગીરાનું શારીરિક શોષણ કર્યું હતું. લસકાણા પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બ્લેકમેઇલિંગ અને મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ
આરોપી જમીન દલાલીનું કામ કરતો હતો અને પીડિતાના પરિવાર સાથે સંબંધ કેળવી અને ઘરોબો બાંધી ઘરે અવારનવાર આવતો-જતો હતો. આરોપીએ ચાલાકીથી પીડિતાના પરિવાર રિલેશન બાંધ્યા હતા. આ દરમિયાન તેણે ચાલાકીથી પીડિતાની તેની મિત્ર સાથેની વ્હોટ્સએપ ચેટના સ્ક્રીનશોટ મેળવી લીધા હતા. આ ચેટ વાયરલ કરવાની ધમકી આપી તેણે પીડિતા પર દબાણ બનાવી મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા. આરોપીએ સિફ્ત પૂર્વક અંગત પળોનો વીડિયો બનાવી લીધો હતો અને તે વીડિયો વાયરલ કરવાની ધમકી આપી અલગ-અલગ જગ્યાએ પીડિતા પર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું.
ફોટો વાયરલ કરી બદનામ કરવાનો પ્રયાસ કર્યો
આરોપી આટલેથી ન અટકતાં પીડિતાની અંગત તસવીરો તેમજ માંગમાં સિંદૂર ભરતા અને હાર પહેરાવતા ફોટા સમાજના ગ્રૂપમાં વાયરલ કરી દીધા હતા. વર્ષ 2023માં પીડિતાના પિતાનું અવસાન થયા બાદ આરોપી ઘરના નાના-મોટા ખર્ચ ઉઠાવતો હતો. આ અગાઉ પરિવારે તેની સાથે બે વખત સમાધાન પણ કર્યું હતું, જેમાં એક વાર રૂ. 2 લાખ અને બીજી વાર રૂ. 60 હજારમાં પતાવટ થઈ હોવાની વિગતો સામે આવી છે.
આરોપી 48 વર્ષનો અને 8 સંતાનોનો પિતા
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે 48 વર્ષીય આરોપી પોતે 8 સંતાનો (7 દીકરી અને 1 દીકરો)નો પિતા છે, જેમાંથી તેની બે દીકરીઓ પીડિતા કરતાં પણ મોટી છે. લસકાણા પોલીસે સમગ્ર મામલે ભારતીય ન્યાય સંહિતા (BNS), પોક્સો (POCSO) એક્ટ તેમજ આઈટી (IT) એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે અને સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.