પંચમહાલઃ ગોધરામાં પોલીસ કોન્સ્ટેબલ પત્નિને ફટકારનારા યુવકની બીજા દિવસે લાશ મળી હતી. જે બાદ પ્રણય ત્રિકોણમાં હત્યા કે આત્મહત્યા તેની ચર્ચા શરૂ થઈ હતી. આ ચકચારી બનાવને પગલે પોલીસ બેડામાં પણ ખળભળાટ મચી ગયો હતો.
જાણો શું છે સમગ્ર ઘટનાક્રમ
ગોધરામાં પંચમહાલ એસપી કચેરીમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ મીનાબેન ઝાલા પર ધારીયા વડે જીવલેણ હુમલો કરી ફરાર થયેલા પતિ મહિપાલસિંહ ઝાલાનો મૃતદેહ ખેડા જિલ્લાના સેવાલીયા નજીક મહીસાગર નદીના કાંઠે ઝાડ પર લટકતી હાલતમાં મળી આવતાં ભારે ચકચાર મચી હતી. મૃતકના શરીર પર ઈજાના નિશાન અને લોહીના ડાઘ મળી આવતાં મામલો હત્યાનો હોવાની આશંકાએ રહસ્ય વધુ ઘેરાયું હતું.
18 ઓગસ્ટની રાત્રે ગોધરાના વાવડી ખુર્દ ગામે પારિવારિક વિવાદમાં મહિપાલસિંહે પત્નિ મીનાબેન પર ધારીયાથી હુમલો કર્યો હતો. આ હુમલામાં મીનાબેનનું માથું લોહીલુહાણ થયું હતું, હાથમાં ફ્રેક્ચર થયું હતું અને એક હાથનો અંગૂઠો કપાઈ ગયો હતો. ગંભીર હાલતમાં મીનાબેનને વડોદરાની હૉસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.
શંકાસ્પદ સંજોગોમાં લાશ મળી
હુમલા બાદ ફરાર થયેલા મહિપાલસિંહનો મૃતદેહ 19 ઓગસ્ટની રાત્રે સેવાલીયા ખાતે બાવળના ઝાડ સાથે ગળેફાંસો ખાધેલી હાલતમાં મળ્યો હતો. માથાના ભાગે ઈજાઓ અને કપડાં પર લોહી હોવાથી આત્મહત્યાનો રંગ આપવા માટે હત્યા કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી. આ અંગે મૃતકના ભાઈ જયપાલસિંહ ઝાલાએ અજાણ્યા શખ્સો સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી.
ઘટના બાદ સેવાલીયા પોલીસ, એલસીબી, એફએસએલ, ડોગ સ્ક્વોડ અને સર્વેલન્સ ટીમે ઘટનાસ્થળેથી પુરાવા તેમજ સીસીટીવી ફૂટેજ એકત્ર કર્યા હતા.
પત્નિનું મોત થયું હોવાના ડરથી પતિ છુપાયો હતો કે પછી કોઈ અંગત અદાવત, પ્રણય ત્રિકોણ, લૂંટ કે જાણભેદુ દ્વારા આ હત્યા કરવામાં આવી છે તે દિશામાં તપાસ ચાલુ છે.
ડીવાયએસપી વિક્રમસિંહ સોલંકીના જણાવ્યા મુજબ, પારિવારિક સંબંધો અને તમામ શંકાસ્પદ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે.