Tue Sep 15 2026

Logo

અમદાવાદમાં ઈન્કમટેક્સ અધિકારીને 12 વર્ષ જૂના કેસમાં 3 વર્ષની જેલ, CBIએ શાનો કેસ કરેલો ?

2026-08-22 09:43:38
Author: Vimal Prajapati
અમદાવાદમાં ઈન્કમટેક્સ અધિકારીને 12 વર્ષ જૂના કેસમાં 3 વર્ષની જેલ, CBIએ શાનો કેસ કરેલો ?

અમદાવાદ: લાંચિયા અધિકારીઓ અને કર્મચારીઓ સામે સીબીઆઈ દ્વારા અત્યારે મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે અમદાવાદ સ્થિત વિશેષ સીબીઆઈ (CBI) કોર્ટે લાંચરુશવત વિરોધી કાયદા હેઠળ એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આવકવેરા મુક્તિ પ્રમાણપત્ર આપવાના બદલામાં રૂપિયા 10,000ની ગેરકાયદે લાંચ માંગવા અને સ્વીકારવાના કેસમાં ઈન્કમટેક્સ વિભાગના તત્કાલીન અધિકારી જરનૈલ બી. સિંહને દોષિત માનવામાં આવ્યા છે. અદાલતે તેમને 3 વર્ષની સખત કેદની સજા સાથે રૂ. 20,000નો આર્થિક દંડ પણ ફટકાર્યો છે.  

શું હતો સમગ્ર મામલો?

ઘટનાની વિગતે વાત કરવામાં આવે તો, આરોપી જરનૈલ બી. સિંહ અમદાવાદના પ્રત્યક્ષકર ભવન ખાતે આવેલી જોઈન્ટ/એડિશનલ કમિશનર ઓફ ઈન્કમટેક્સ (ઓડિટ)ની કચેરીમાં ઓએસડી (OSD) તરીકે ફરજ બજાવતા હતા. 'શ્રીલેખા વિવિધલક્ષી ચેરિટેબલ ટ્રસ્ટ'ને આવકવેરા મુક્તિનો લાભ મળી શકે તે માટે ઈન્કમટેક્સ એક્ટની કલમ 11 અને 80G હેઠળ જરૂરી પ્રમાણપત્ર જારી કરવાનું હતું. આ સર્ટિફિકેટ કાઢી આપવાના બદલામાં તેમણે ફરિયાદી પાસેથી રૂપિયા 10,000ની લાંચની માંગણી કરી હતી. 

CBI એ ટ્રેપ ગોઠવીને રંગેહાથ ઝડપ્યા હતા

ફરિયાદીએ આ અંગે સીબીઆઈમાં સત્તાવાર ફરિયાદ નોંધાવતા તપાસ એજન્સીએ 22 ફેબ્રુઆરી, 2013ના રોજ એક મજબૂત છટકું ગોઠવ્યું હતું. આ ટ્રેપ દરમિયાન અધિકારી જરનૈલ સિંહ ફરિયાદી પાસેથી રૂપિયા 10,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. આ સાથે સીબીઆઈ દ્વારા જરૂરી પુરાવા એકત્ર કરીને 31 ઓક્ટોબર, 2013ના રોજ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી.

13 વર્ષ બાદ આવ્યો આખરી ચુકાદો

લાંબી અદાલતી કાર્યવાહી અને બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સ્પેશિયલ સીબીઆઈ જજે આરોપી વિરુદ્ધના તમામ પુરાવાઓને માન્ય રાખ્યા હતા. વર્ષ 2013થી ચાલી રહેલા આ ભ્રષ્ટાચારના કેસમાં કોર્ટે 21 ઓગસ્ટ, 2026ના રોજ પોતાનો આખરી નિર્ણય સંભળાવતા પૂર્વ અધિકારીને જેલધકેલ કરવાનો આદેશ કર્યો છે.