થાણે: થાણે જિલ્લામાં ક્રાઇમ બ્રાન્ચના અધિકારીના સ્વાંગમાં લૂંટારુઓએ કુરિયર કંપનીની જીપને આંતર્યા બાદ ડ્રાઇવરની મારપીટ કરીને 61.5 લાખ રૂપિયા લૂંટી લીધા હતા.પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર 24 ઑગસ્ટે વહેલી સવારે આ ઘટના બની હતી. કુરિયર કંપનીમાં ડ્રાઇવર તરીકે કામ કરતો ફરિયાદી ઘટનાને દિવસે બીજા ડ્રાઇવર સાથે જીપમાં એક કરોડ રૂપિયા લઇને ગ્વાલિયરથી મુંબઈ આવી રહ્યો હતો.
બંને જણ જીપમાં આરામ કરી રહ્યા હતા ત્યારે ત્રણ અજાણ્યા શખસો ત્યાં આવ્યા હતા અને તેમણે જીપની બારી પર ટકોરા માર્યા હતા. ત્રણેય જણ બાદમાં બળજબરીથી જીપમાં ઘૂસ્યા હતા અને બંને ડ્રાઇવરના મોબાઇલ આંચકી લીધા હતા, એમ પોલીસે જણાવ્યું હતું.એફઆઇઆર અનુસાર ત્રણેય શખસોએ પોતાની ઓળખ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકે આપી હતી અને જીપ પોલીસ સ્ટેશન તરફ લઇ જવાનું ડ્રાઇવરને કહ્યું હતું. જોકે પોલીસ સ્ટેશનને બદલે તેઓ જીપ નાશિક તરફ લઇ ગયા હતા.
આરોપીઓ જીપના ડ્રાઇવરોને વારંવાર લાફા મારી રહ્યા હતા અને રોકડ ક્યાં છુપાવી રાખી છે તે વિશે પૂછી રહ્યા હતા. 10થી 12 કિલોમીટરના પ્રવાસ બાદ આરોપીઓએ જીપને મુંબઈ તરફ પાછી વાળી હતી અને તેને બંધ હોટેલ પાસે રોકાવી હતી, જ્યાં તેમને વધુ બે સાથીદાર આવ્યા હતા અને તેઓ 61.5 લાખ રૂપિયા લૂંટી ત્યાંથી ફરાર થઇ ગયા હતા.ડ્રાઇવરે ઘટનાની જાણ કંપનીને કરી હતી અને ત્યાર બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરાયો હતો. પોલીસ લૂંટમાં સામેલ આરોપીઓની શોધ ચલાવી રહી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)
પ્રતીકાત્મક તસવીર