Tue Sep 01 2026

Logo

એફડીએની કાર્યવાહી બાદ જાગી રેલવે: થાણે સ્ટેશનનો ફૂડ સ્ટોલ 7 દિવસ માટે સીલ

2026-07-31 15:49:04
Author: Mumbai Samachar Team
એફડીએની કાર્યવાહી બાદ જાગી રેલવે: થાણે સ્ટેશનનો ફૂડ સ્ટોલ 7 દિવસ માટે સીલ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: એક તરફ મુંબઈમાં એફડીએ (ફૂડ એન્ડ ડ્રગ્સ) કમિશનર તુકારામ મુંઢેની ધાક હેઠળ રેસ્ટોરાંના માલિકો સ્વચ્છતા અભિયાન ચલાવી રહ્યા છે ત્યારે તુકારામ મુંઢે રેલવે પર એકશન લે તેની પહેલા જ રેલવે સફાળી જાગી છે અને સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું છે. રેલવે સ્ટેશનો પર સ્વચ્છતા અને ખોરાકની સલામતીને લઈને મધ્ય રેલવેએ મોટી કાર્યવાહી કરી છે. થાણે સ્ટેશન પર આવેલા એક મલ્ટી-પર્પઝ ફૂડ સ્ટોલને સાત દિવસ માટે સીલ કરી દેવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન -  એફડીએ દ્વારા રેલવે સ્ટેશનો પરના ફૂડ સ્ટોલ્સની તપાસ તેજ કર્યાના થોડા દિવસો બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.

સ્ટેશન પરિસરમાં સ્વચ્છતા અને ફૂડ સેફ્ટી સુધારવા માટે રેલવેએ મોટા અભિયાનની શરૂઆત કરી છે. ઠાણે સ્ટેશનના વેઇટિંગ રૂમમાં આવેલા આ સ્ટોલને સોશિયલ મીડિયા પર મળેલી ફરિયાદની ચકાસણી બાદ સીલ કરવામાં આવ્યો.

તપાસ દરમિયાન અધિકારીઓને સ્વચ્છતામાં ગંભીર ખામીઓ જોવા મળી. રસોઈ બનાવવાની જગ્યાએ ગંદકી હતી અને વપરાશ માટે રાખેલી શાકભાજી પાસે ઉંદર પણ મળી આવ્યો. નિયમોનો ભંગ કરવા બદલ  મધ્ય રેલવેએ કોન્ટ્રાક્ટર પર 15,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે અને તેની સામે શિસ્તભંગની કાર્યવાહી પણ શરૂ કરી છે.

મધ્ય રેલવેના એક અધિકારીએ જણાવ્યું કે તપાસ દરમિયાન રસોઈની જગ્યાએ ઉંદર મળી આવ્યો હતો. જે બાદ તાત્કાલિક કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવી. અમે હવે રેલવે સ્ટેશનો અને રેલવે પરિસરમાં સ્વચ્છતાનું મોટું અભિયાન શરૂ કરી રહ્યા છીએ.

રેલવે વહીવટીતંત્રે કહ્યું કે આ કાર્યવાહી રેલવેની પ્રોપર્ટી પર ચાલતા કેટરિંગ અને કમર્શિયલ સ્ટોલ્સની સ્વચ્છતાને લઈને ઝીરો-ટોલરન્સ નીતિ દર્શાવે છે. હવે મુંબઈ સબઅર્બન નેટવર્કમાં ફૂડ સ્ટોલ્સ, કેન્ટીન અને કેટરિંગ યુનિટ્સની તપાસ શરૂ કરવામાં આવી છે, જેથી ફૂડ સેફ્ટી અને સ્વચ્છતાના નિયમોનું પાલન થાય છે તે સુનિશ્ચિત કરી શકાય. નિયમોનો ભંગ કરનારા કોન્ટ્રાક્ટર્સ પર દંડ, સ્ટોલ સીલ કરવા અને જો નિયમોનું વારંવાર ભંગ કરાય તો વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે.

દરરોજ લાખો મુસાફરો રેલવેના ફૂડ સ્ટોલ પર નિર્ભર હોવાથી સ્વચ્છતા જાળવવી એ જન-આરોગ્યની મહત્વની પ્રાથમિકતા બની છે. એફડીએ દ્વારા સમગ્ર રાજ્યમાં ખાણી-પીણીની જગ્યાઓ અને કેટરિંગ સેન્ટર્સની તપાસ વધાર્યા બાદ ખોરાકની સુરક્ષાને લઈને ચિંતા વધી છે.

રેલવેના અધિકારીઓએ મુસાફરોને અપીલ કરી છે કે સ્વચ્છતા, કેટરિંગ સેવા કે અન્ય સુવિધાઓ અંગેની ફરિયાદ 'રેલ મદદ' પોર્ટલ દ્વારા નોંધાવે. અધિકારીઓનું કહેવું છે કે લોકોની ફીડબેકથી સેવાનું સ્તર સુધારવામાં અને મુસાફરોને સલામત, સ્વચ્છ અને સારી ગુણવત્તાનું ભોજન મળે તે સુનિશ્ચિત કરવામાં પણ મદદ મળશે. આ તપાસ અભિયાન આગામી અઠવાડિયામાં પણ ચાલુ રહેશે અને તેમાં મુંબઈ મેટ્રોપોલિટન વિસ્તારના સેન્ટ્રલ અને વેસ્ટર્ન રેલવે સ્ટેશનોના કેટરિંગ યુનિટ્સને આવરી લેવામાં આવશે.