થાણે: કમ્બોડિયાથી કાર્યરત સાયબર ફ્રોડ સિન્ડિકેટનો થાણે પોલીસે પર્દાફાશ કર્યો હતો, જેણે થાણે જિલ્લાના સાત રહેવાસીને વિદેશમાં નોકરી અપાવવાનું વચન આપ્યું હતું, પણ ઓનલાઇન સ્કૅમમાં ભારતીયોને ટાર્ગેટ કરવાનું કામ તેમને સોંપવામાં આવ્યું હતું.
મુંબ્રા પોલીસે ગુરુવારે મુખ્ય આરોપી મોહંમદ અરાફત શેખ તથા અન્ય સાત આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સુસંગત જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
એફઆઇઆર અનુસાર મુંબ્રાના સાતેય રહેવાસીઓને મુખ્ય આરોપી મોહંમદ શેખે વિદેશમાં સારી નોકરી અપાવવાનું વચન આપ્યું હતું. જોકે તેમને કમ્બોડિયાના કમ્પોટ ખાતે સાયબર સ્કૅમ હબમાં લઇ જવામાં આવ્યા હતા, જેનું સંચાલન વિદેશી અને ભારતીય હેન્ડલર્સ દ્વારા કરવામાં આવતું હતું, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
કમ્બોડિયામાં કેવિન હૅચ, બિહારના વતની મોતીલાલ મંડલ અને બેંગલુરુના ‘અન્ના’ નામના શખસ દ્વારા સંચાલિત સાયબર સ્કૅમ સેન્ટરમાં એ સાતેય જણ કામ કરતા હતા.
આરોપીઓએ ફૅક ફેસબુક અકાઉન્ટ્સ દ્વારા ભારતીય નાગરિકોને ટાર્ગેટ કરીને ઓનલાઇન સ્કૅમ તથા ગેમિંગ ફ્રોડ આચર્યા હતા અને ઑક્ટોબર, 2025થી ફેબ્રુઆરી, 2026 દરમિયાન મોટી રકમની ઉચાપત કરવામાં આવી હતી.
મુંબ્રા પોલીસ સ્ટેશનમાં આ પ્રકરણે ગુનો દાખલ કરવામાં આવ્યો હોઇ પોલીસ હવે આખા નેટવર્કનો પર્દાફાશ કરવા અને સ્કૅમ સેન્ટરના માલિકો સાથે કડી ધરાવતા આર્થિક વ્યવહારો અંગે તપાસ કરી રહી છે. એ સિવાય સાયબર ફ્રોડ સિન્ટિકેટમાં સામેલ અન્ય આરોપીઓની પણ શોધ ચલાવવામાં આવી રહી હોવાનું અધિકારીએ કહ્યું હતું.
(પીટીઆઇ)