થાણે: થાણે જિલ્લામાં પંચાવન વર્ષના પ્રૌઢને મલ્ટિનેશનલ કંપનીમાં નોકરી અપાવવાને બહાને સાયબર ઠગોએ 12.67 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હતી. ફરિયાદી વિશાલ પ્રમોદે પોલીસને જણાવ્યું હતું કે ફેબ્રુઆરી અને એપ્રિલ, 2026 દરમિયાન તેની સાથે છેતરપિંડી આચરવામાં આવી હતી.
કલ્યાણના બાજાર પેઠ પોલીસ સ્ટેશનમાં દાખલ એફઆઇઆર અનુસાર પોતાની ઓળખ પાયલ શર્મા, અનુજ કુમાર અને શ્રીકાંત ધાવપંતી તરીકે આપનારા ત્રણ આરોપીએ ફરિયાદીનો ફોન અને ઓનલાઇન ચેનલ દ્વારા સંપર્ક સાધ્યો હતો અને તેને મલ્ટિનેશનલ કંપનીમાં નોકરી અપાવવાનું આશ્ર્વાસન આપ્યું હતું.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે એપોઇન્ટમેન્ટ અને ફરજિયાત ટ્રેનિંગ કોર્સ પૂર્ણ કરવામાં મદદને બહાને આરોપીઓએ ફરિયાદીને 12.67 લાખ રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરવાની ફરજ પાડી હતી. જોકે રૂપિયા આપવા છતાં ફરિયાદીને નોકરી મળી નહોતી અને તેના રૂપિયા પણ પાછા મળ્યા નહોતા. પોતે છેતરાયો હોવાનું ધ્યાનમાં આવતાં ફરિયાદીએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. આ પ્રકરણે તપાસ ચાલી રહી હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)