Sun Aug 30 2026

Logo

ChatGPT હોય કે Gemini, કેમ દરેક AI મોડલ એકસરખું જ વિચારે છે?

2026-03-26 23:06:20
Author: Mumbai Samachar Team
ChatGPT હોય કે Gemini, કેમ દરેક AI મોડલ એકસરખું જ વિચારે છે?

આજના સમયમાં આપણે અલગ અલગ કામો માટે વિવિધ AI ચેટબોટ્સ પર નિર્ભર થઈ ગયા છીએ. કોઈ સંશોધન માટે 'Claude' વાપરે છે તો કોઈ સામાન્ય ઉપયોગ માટે 'ChatGPT' કે 'Gemini' પસંદ કરે છે. ઘણા લોકો એવું વિચારે છે, કે આ દરેક AI મોડલ અલગ રીતે વિચારે છે, પરંતુ તાજેતરના એક સંશોધનમાં અત્યંત ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આ અભ્યાસ મુજબ, ભલે આ મોડલ્સ અલગ અલગ કંપનીઓના હોય, પણ તેમની વિચારવાની અને રિસપોન્સ આપવાની રીત લગભગ એકસમાન જ છે. આ બાબત ભવિષ્યમાં લોકોની મૌલિક સર્જનાત્મકતા (Creativity) માટે જોખમી સાબિત થઈ શકે છે.

એક સરખી પેટર્નથી કામ કરે છે દરેક AI મોડલ્સ 

એક રિપોર્ટ અનુસાર, Google નું Gemini હોય, Meta નું Llama હોય કે પછી અન્ય કોઈ બોટ, જ્યારે તેમને કંઈક ક્રિએટિવ કામ સોંપવામાં આવે છે ત્યારે તેઓ એક જ પ્રકારના કોન્સેપ્ટનો સહારો લે છે. રિસર્ચમાં 20 થી વધુ AI મોડલ્સને 100 માનવીઓ સાથે સરખાવવામાં આવ્યા હતા. પરિણામોમાં જાણવા મળ્યું કે માણસોના વિચારોમાં જેટલી વિવિધતા અને ઊંડાણ જોવા મળે છે, તેટલું AI માં જોવા મળતું નથી. AI મોડલ્સ વારંવાર એક જ પ્રકારના સ્ટ્રક્ચર અને વાક્યોનો ઉપયોગ કરતા નોંધાયા હતા.

જ્યારે આ બંને ગ્રુપને ક્રિએટિવ ટેસ્ટ આપવામાં આવ્યા, ત્યારે AI મોડલ્સના જવાબમાં વધુપડતી સમાનતા જોવા મળી હતી. બીજી તરફ, મનુષ્યોએ આપેલા જવાબ અત્યંત વ્યાપક અને અલગ અલગ દ્રષ્ટિકોણ ધરાવતા હતા. ભલે AIને વધ સર્જનાત્મક બનવા માટે પ્રોમ્પ્ટ આપવામાં આવ્યા, છતાં પણ તે માનવીય બુદ્ધિ અને કલ્પનાશક્તિની બરાબરી કરવામાં નિષ્ફળ રહ્યું છે. આનો અર્થ એ થયો કે AI માત્ર ડેટાના આધારે પેટર્ન ફોલો કરે છે, જ્યારે માણસો અનુભવો અને સંવેદનાઓના આધારે વિચારી શકે છે.

સર્જનાત્મકતા માટે કેમ વધી રહ્યું છે જોખમ?

જ્યારે આપણે વ્યક્તિગત સ્તરે AI નો ઉપયોગ કરીએ છીએ ત્યારે તેના જવાબો કદાચ પ્રભાવશાળી લાગી શકે છે, પરંતુ મોટા પાયે આ ટેકનોલોજીનો ઉપયોગ ચિંતાજનક છે. તેની પાછળનું કારણ એ છે કે જ્યારે દુનિયાભરના લાખો લોકો એક જ પ્રકારના ટૂલ્સનો ઉપયોગ કરશે, ત્યારે દરેકને મળતા આઈડિયા પણ એકસરખા જ હશે. આનાથી સમાજમાં નવીનતા (Innovation) ઘટી શકે છે અને દરેકનું કામ એક જ બીબામાં ઢળેલું જોવા મળી શકે છે. મૌલિકતા મરી જવાનો ભય હવે ટેક નિષ્ણાતોને સતાવી રહ્યો છે.