સોશિયલ મીડિયા પર અવારનવાર યૂઝર્સમાં ભય ફેલાવતા વિવિધ મેસેજ વાઈરલ થતા રહે છે. હાલમાં વોટ્સએપ પર એક લાંબો મેસેજ જોરશોરથી શેર કરવામાં આવી રહ્યો છે, જેમાં દાવો કરાયો છે કે કેન્દ્ર સરકારના નવા સંચાર નિયમો હેઠળ તમામ યુઝર્સના ફોન કોલ્સ રેકોર્ડ થઈ રહ્યા છે તેમજ વોટ્સએપ, ફેસબુક અને એક્સ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર સીધી સરકારી નજર રાખવામાં આવી રહી છે. ચાલો જાણીએ આ દાવા પાછળની સચ્ચાઈ...
આ મેસેજમાં યુઝર્સને ગેરમાર્ગે દોરવા માટે '૩ લાલ ટિક' (Three Red Ticks)નો ભ્રામક દાવો પણ જોડવામાં આવ્યો છે. આવો સમજીએ કે આ વાયરલ મેસેજ પાછળની ટેકનિકલ વાસ્તવિકતા અને સરકારી સ્પષ્ટતા શું છે.
વાઈરલ થઈ રહેલાં મેસેજમાં કરવામાં આવેલા દાવા અનુસાર યુઝર્સના તમામ ફોન કોલ્સ અને વોટ્સએપ વોઈસ/વીડિયો કોલ્સનું રેકોર્ડિંગ થઈ રહ્યું છે. ડિવાઇસ સીધું સરકારી ડેટા સર્વર સાથે કનેક્ટ કરી દેવામાં આવ્યું છે. મેસેજમાં ત્રણ બ્લુ ટિક દેખાય તો સરકારે મેસેજ જોયો છે, બે બ્લુ અને એક લાલ ટિક આવે તો સરકાર નજર રાખી રહી છે અને ૩ લાલ ટિક આવે તો પોલીસ ગમે ત્યારે કાનૂની કાર્યવાહી કે ધરપકડ કરી શકે છે.
જોકે, આ બાબતે ભારત સરકારની ઓફિશિયલ એજન્સી 'પીઆઈબી ફેક્ટ ચેક' દ્વારા આ બાબતે સ્પષ્ટતા કરવામાં આવી છે કે સરકાર કે કોઈ સુરક્ષા એજન્સી દ્વારા આવો કોઈ નિયમ બનાવવામાં આવ્યો નથી. આ મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી માત્ર એક અફવા અને ફેક ન્યૂઝ છે. વોટ્સએપ પર મોકલવામાં આવતા તમામ મેસેજીસ, ફોટા, વીડિયો અને કોલ્સ 'એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ' હોય છે. આ ટેકનોલોજીને કારણે સેન્ડર અને રિસીવર સિવાય ખુદ વોટ્સએપ કે કોઈપણ થર્ડ પાર્ટી સર્વર આ ડેટા વાંચી કે સાંભળી શકતું નથી.
વોટ્સએપમાં ૩ ટિકનું કોઈ ફીચર નથી: વોટ્સએપ સિસ્ટમમાં માત્ર ત્રણ પ્રકારના સંકેતો છે-
સિંગલ ગ્રે ટિક (મેસેજ મોકલાયો)
ડબલ ગ્રે ટિક (મેસેજ સામેવાળા સુધી પહોંચ્યો)
ડબલ બ્લુ ટિક (મેસેજ વાંચવામાં આવ્યો)
વોટ્સએપમાં ૩ ટિક કે લાલ ટિક જેવું કોઈ ટેકનિકલ ફીચર અસ્તિત્વમાં જ નથી.
સાયબર સુરક્ષા માટે શું ધ્યાનમાં રાખવું?
કોઈપણ આધાર કે પુરાવા વિનાના આવા ડરામણા મેસેજીસ અન્ય ગ્રૂપમાં ફોરવર્ડ કરવાનું ટાળો. સોશિયલ મીડિયા પર સરકારી નિયમો કે સિક્યોરિટી એલર્ટ અંગે આવતી અફવાઓની પુષ્ટિ માત્ર સત્તાવાર પોર્ટલ્સ (PIB / ટેલિકોમ મંત્રાલય) પરથી જ કરો.