Tue Jun 09 2026

Logo

અમદાવાદથી સાંવરિયા શેઠ જવા ST એ શરૂ કરી સ્પેશિયલ બસ, જાણો ટાઈમ

2026-05-27 14:10:00
Author: Mayur Patel
Article Image

હિંમતનગર: રાજસ્થાનમાં આવેલા સાંવરિયા શેઠના દર્શને  ગુજરાતથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જાય છે. શ્રદ્ધાળુઓની સુવિધાને ધ્યાનમાં રાખીને ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) દ્વારા હિંમતનગર ડિવિઝન હેઠળ સાવલિયા શેઠ સહિત ત્રણ નવા લાંબા અંતરના રૂઠ શરૂ કરવામાં આવ્યા છે. હિંમતનગર અને ઇડર ડેપો દ્વારા શરૂ કરવામાં આવેલી આ નવી સેવાઓથી યાત્રાળુઓ અને નિયમિત મુસાફરોને મોટો ફાયદો થશે.

નવા શરૂ કરાયેલા રૂટમાં, હિંમતનગર એસ.ટી. ડેપો દ્વારા હિંમતનગરથી અમદાવાદ થઈને રાજસ્થાનના પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ સાંવરિયા શેઠને જોડતી બે સ્પેશિયલ બસો શરૂ કરવામાં આવી હતી. વેકેશન માટેની આ ખાસ સેવા સોમવારથી શરૂ થઈ હતી, જે ઉનાળાની રજાઓમાં સાંવરિયા શેઠના દર્શને જતા શ્રદ્ધાળુઓની સુવિધા માટે લાવવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વેકેશન સ્પેશિયલ સેવા 25 મે થી 30 જૂન, 2026 સુધી કાર્યરત રહેશે.  વેકેશન દરમિયાન સાંવરિયા શેઠ જતા શ્રદ્ધાળુઓ માટે મુસાફરીની સુવિધાજનક વ્યવસ્થા ઊભી કરવા માટે આ પહેલ કરવામાં આવી છે. જો આ રૂટ પર સારો પ્રતિસાદ અને પૂરતી સંખ્યામાં મુસાફરો મળશે, તો નિગમ આ સેવાને નિયત સમયગાળા પછી પણ લંબાવવા પર વિચારણા કરી શકે છે.

કેટલા વાગે ઉપડશે બસ

હિંમતનગરથી સાંવરિયા શેઠ જવા માટે બસ સવારે ૦8:37 વાગ્યે હિંમતનગરથી ઉપડશે અને સવારે 10:30 વાગ્યે અમદાવાદ પહોંચશે. ત્યારબાદ સવારે 11:૦૦ વાગ્યે અમદાવાદથી ઉપડીને સાંજે 7:00 વાગ્યે સાંવરિયા શેઠ પહોંચશે.  આ બસ સવારે 6:00 વાગ્યે સાંવરિયા શેઠથી ઉપડશે અને બપોરે 2:00 વાગ્યે અમદાવાદ પહોંચશે, ત્યાર બાદ ત્યાંથી હિંમતનગર માટે આગળ રવાના થશે.

આ બે રૂટ પણ શરૂ થયા

આ તરફ, ઇડર ડેપો દ્વારા પણ આ વિસ્તારમાં પરિવહન સેવાઓનો વ્યાપ વધારવાના ભાગરૂપે મંગળવારથી અંબાજી-જૂનાગઢ અને ઇડર-બોડેલી એમ બે વધારાના રૂટ શરૂ કરવામાં આવ્યા હતા.