બંદર અબ્બાસ (ઈરાન): ઈરાન-અમેરિકા-ઇઝરાયલ યુદ્ધની અસરો આજે પણ વિશ્વના અનેક દેશોમાં દેખાઈ રહી છે. ત્યારે ઈરાન યુદ્ધમાં સૌથી વધુ ચર્ચામાં કોઈ રહ્યું હોય તે છે હોર્મુઝની સામુદ્રધુની એટલે કે હોર્મુઝ સ્ટ્રેટ' (Strait of Hormuz). યુદ્ધ દરમિયાન ઇરાને હોર્મુઝ સ્ટ્રેટમાંથી તેલ અને ગેસ લઈને જતાં જહાજોના પરિવહન પર પ્રતિબંધો મૂકેલા, ઉડાવી દેવાની ધમકી પણ આપેલી. જો કે શું તમે જાણો છો કે યુદ્ધના સમયે સૌથી વધુ ચર્ચાયેલી હોર્મુઝ સ્ટ્રેટના દરિયાકાંઠે જ આવેલું છે વર્ષો જૂનું હિન્દુ મંદિર. જી,હા. ઈરાનના દરિયા
બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને તાજેતરમાં સોશિયલ મીડિયા પર હોર્મુઝ સ્ટ્રેટના દરિયાકાંઠે આવેલા બંદર અબ્બાસમાં આવેલા એક પ્રાચીન વિષ્ણુ મંદિરનો વીડિયો શેર કર્યો છે, જે હાલ ભારે વાયરલ થઈ રહ્યો છે. વીડિયોના કેપ્શનમાં જણાવ્યું હતું કે આ મંદિર 1892માં કાજર શાસનકાળ દરમિયાન ભારતીય હિન્દુ વેપારીઓ માટે બનાવવામાં આવ્યું હતું. આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં ફારસી ભાષાનું ગીત વાગી રહ્યું છે, જેને યુટ્યુબ પરથી લેવામાં આવ્યું છે અને તે ફઝીના કિશને ગાયું છે.

આ વિષ્ણુ મંદિરનો ઈતિહાસ અત્યંત રસપ્રદ છે અને તે ભારત-ઈરાનના જૂના વ્યાપારી અને સાંસ્કૃતિક સંબંધોની સાક્ષી પૂરે છે. ઐતિહાસિક અહેવાલો મુજબ, 19મી સદીમાં બ્રિટિશ ઈન્ડિયન કંપની માટે કામ કરતા ભારતીયોને 1888માં આ મંદિર બનાવવાની પરવાનગી મળી હતી અને ચાર વર્ષના બાંધકામ બાદ 1892માં મોહમ્મદ હસન સાદ-અલ-માલેકના શાસનમાં તે પૂર્ણ થયું હતું. આજે આ ખાલી પડેલી ઇમારત ઈરાનના રાષ્ટ્રીય ઐતિહાસિક સ્મારક તરીકે નોંધાયેલી છે. સ્થાનિક લોકો અગાઉ હિન્દુઓને 'ગૂર' અથવા 'ગબર' કહેતા હોવાથી, ત્યાંના મૂળ નિવાસીઓ આ મંદિરને 'ગૂરાન' તરીકે પણ ઓળખે છે.
આ મંદિરની વાસ્તુશૈલી ભારત કે એશિયાના અન્ય પરંપરાગત હિન્દુ મંદિરો કરતા ઘણી અલગ છે, જેમાં ઈન્ડો-ઈરાનિયન સ્થાપત્યનો અનોખો સમન્વય જોવા મળે છે. મંદિરના મુખ્ય ચોરસ ગર્ભગૃહ પર એક ગુંબજ છે જેના પર કમળની કોતરણી કરવામાં આવી છે. આખું બાંધકામ પરવાળાના પથ્થર, માટી, ચૂનો અને મોર્ટારનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું છે. મંદિરમાં પૂજારીઓ માટે નાના ઓરડાઓ, સૂર્યપ્રકાશ પૂરતા પ્રમાણમાં આવે તેવી ખાસ વ્યવસ્થા અને છત પર જવા માટે ઈરાની શૈલીની ગોળાકાર સીડીઓ બનાવવામાં આવી છે.

જોકે, 1979ની ઇસ્લામિક ક્રાંતિ પછી હિન્દુઓ સહિત મોટી સંખ્યામાં ભારતીયોએ ઈરાન છોડી દીધું હતું, જેના કારણે આ મંદિર તેની અસલ રોનક ગુમાવી બેઠું છે. ક્રાંતિ બાદ ગર્ભગૃહની અંદર આવેલા ઘણા સુંદર ચિત્રો નષ્ટ થઈ ગયા હતા. વર્તમાન સમયમાં મંદિરમાં ભગવાન બુદ્ધ અને ભગવાન વિષ્ણુની પ્રાચીન મૂર્તિઓ તથા ભગવાન કૃષ્ણ-રાધાના ચિત્રો જોવા મળે છે.