બોલીવૂડની જાણીતી એક્ટ્રેસ રવીના ટંડન હાલમાં ફિલ્મોથી દૂર રહેતી હોય તો પણ સોશિયલ મીડિયા પર ખાસી એવી એક્ટિવ રહે છે. એટલું જ નહીં તે અવારનવાર દેશના વિવિધ મંદિરોની મુલાકાત પણ લેતી જોવા મળે છે. 53 વર્ષની ઉંમરે પણ ગ્લેમરસ દેખાતી રવીનાનો રીલિજિયસ અંદાજ સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ રહ્યો છે. ફેન્સ અખિયોં સે ગોલી મારે ગર્લનો આ દેસી અંદાજ ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને તેના પર લાઈક અને કમેન્ટ કરી રહ્યા છે. ચાલો તમને જણાવીએ આખી ઈનસાઈડ સ્ટોરી...
બોલીવૂડ અભિનેત્રી રવીના ટંડન અવારનવાર પોતાના ગ્લેમરસ લુક અને સ્ટાઇલને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. 53 વર્ષની ઉંમરે પણ રવીનાની સુંદરતા એકદમ લાજવાબ છે. જોકે, રવીના ટંડન ફિલ્મી લાઈમલાઈટ સિવાય ધર્મ અને આધ્યાત્મિકતા સાથે પણ ખૂબ ઊંડાણપૂર્વક જોડાયેલી છે. તે અવારનવાર દીકરી રાશા થડાણી સાથે જ્યોતિર્લિંગના દર્શને જતી હોય છે, પરંતુ આ વખતે અભિનેત્રી મા ગંગાના આશીર્વાદ લેવા ઉત્તરાખંડના ઋષિકેશ પહોંચી છે, જ્યાં તેનો બિલકુલ અલગ અને અનોખો અંદાજ જોવા મળ્યો છે.
કોઈ પણ પ્રકારના ફેશન કે સેલિબ્રિટી ટેન્ટ્રમ્સ વગર રવીના ટંડન ઋષિકેશના રસ્તા પર એક સામાન્ય નાગરિકની જેમ ફરતી જોવા મળી હતી. વાઈરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે રવીના ટંડન પ્રખ્યાત 'રામ ઝૂલા' પાસે સ્પોટ થઈ છે. રવીનાએ સાધારણ બેજ કલરની સાડી પહેરી છે, માથે પીળા રંગનો દેશી ગમછો લપેટ્યો છે અને પીઠ પર બેગ લટકાવી છે. આ જ લૂકમાં તે પહેલાં પગપાળા ચાલતી આગળ આવે છે અને પછી કોઈ પણ પ્રકારના સંકોચ વગર બિન્દાસ અંદાજમાં સ્કૂટી પર સવાર થઈને નીકળી પડે છે. સ્કૂટી પર બેસીને તે જોરજોરથી 'હર હર ગંગે' ના જયકારા પણ લગાવે છે.
સોશિયલ મીડિયા પર આ વીડિયો સુનામીની જેમ વાઈરલ થઈ રહ્યો છે. ગ્લેમરસ રવીનાની આ અદભુત સાદગી જોઈને ફેન્સ પણ કમેન્ટ સેક્શનમાં તેના વખાણ કરતા થાકતા નથી. એક યૂઝરે લખ્યું હતું કે આ ખરેખર રવીના ટંડન જ છે ને? આ લુકમાં તો તેને ઓળખવી પણ મુશ્કેલ છે! બીજા યુઝરે એક લખ્યું હતું કે પડદા પર હંમેશા સ્ટાઇલિશ દેખાતી રવીનાનો આવો દેશી અને સાચો અંદાજ ભાગ્યે જ જોવા મળે છે, દિલ જીતી લીધું.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રવીના ટંડન છેલ્લે સંજય દત્ત સાથે ફિલ્મ 'ઘુડચઢી'માં જોવા મળી હતી, જેમાં તેના અભિનયના ખૂબ વખાણ થયા હતા. આ ફિલ્મ હાલમાં ઓટીટી પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થઈ રહી છે. હવે રવીના ટૂંક સમયમાં મલ્ટીસ્ટારર ફિલ્મ 'વેલકમ ટુ ધ જંગલ'માં ધમાકો કરવા જઈ રહી છે. આ ફિલ્મમાં તે લાંબા સમય પછી અક્ષય કુમાર સાથે સ્ક્રીન શેર કરશે. આ સિવાય ફિલ્મમાં સુનિલ શેટ્ટી, અરશદ વારસી, દિશા પાટની, પરેશ રાવલ અને રાજપાલ યાદવ જેવા કલાકારો છે. આ ઉપરાંત તેની ફિલ્મ 'વિશ્વનાથ એન્ડ સન્સ' પણ ટૂંક સમયમાં રિલીઝ થવાની તૈયારીમાં છે.