Mon Jun 08 2026

Logo

ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને આંચકો, હવે 9 ના બદલે સબસીડીવાળા 4 સિલિન્ડર મળશે

2026-06-08 22:44:51
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે એક મહત્વના નિર્ણયમાં ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને આંચકો આપ્યો છે. જેમાં હવે લાભાર્થીઓને સબસીડીવાળા 9 ના બદલે માત્ર 4 સિલિન્ડર જ મળશે. આ અંગે એક સીનિયર સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે આ ફેરફાર સરેરાશ ઘરગથ્થુ વપરાશને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. 

વર્ષ 2016 માં શરૂ કરાયેલી યોજના હેઠળ લાભાર્થીઓને શરૂઆતમાં દર વર્ષે 12 સબસિડીવાળા 14.2 કિલોગ્રામના સિલિન્ડર મળવાપાત્ર હતા. જો કે, ગયા વર્ષે સબસિડીવાળા સિલિન્ડરની સંખ્યા 12 થી ઘટાડીને 9 કરવામાં આવી હતી અને હવે તે વધુ ઘટાડીને 4 કરવામાં આવી છે.

સરકારનો લાભાર્થીઓની સહાય પૂરી પાડવાનો હેતુ 

આ અંગે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના અધિક સચિવ પ્રવીણ માલ ખાનુજાએ જણાવ્યું હતું કે સુધારેલી મર્યાદા ઉજ્જવલા લાભાર્થીઓના સરેરાશ વાર્ષિક ગેસ વપરાશ સાથે નજીક છે. તેમણે જણાવ્યું  હતું કે સરકારનો હેતુ  લાભાર્થીઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સહાય પૂરી પાડવાનો છે. મે 2022 માં સરકારે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે પ્રતિ સિલિન્ડર રૂપિયા 200 ની સબસિડી આપી હતી. જે ત્યારબાદ ઓક્ટોબર 2023 માં વધારીને  રૂપિયા 300 કરવામાં આવી હતી. આ સબસિડી સીધી લાભાર્થીઓના બેંક ખાતામાં જમા થાય છે.

પ્રતિ સિલિન્ડર આશરે રૂપિયા 700 નું નુકસાન

તેમણે વધુમાં  જણાવ્યું હતું કે તાજેતરમાં LPG સિલિન્ડરના ભાવમાં વધારો થયો હોવા છતાં, ભારતમાં સ્થાનિક LPGના ભાવ વૈશ્વિક સ્તરની તુલનામાં ઓછા છે. પશ્ચિમ એશિયાના સંકટ દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ અને LPGના ભાવમાં તીવ્ર વધઘટ જોવા મળી છે. તેમણે નોંધ્યું હતું કે પેટ્રોલિયમ કંપનીઓ LPGના વેચાણ પર પ્રતિ સિલિન્ડર આશરે  રૂપિયા 700 નું નુકસાન ભોગવી રહી છે.