Thu Sep 03 2026

Logo

"પાર્ટી આજે છે, કાલે નથી! સરકારને ખબર જ નથી કે વળતર શેનું અપાય છે" ધ્રાંગધ્રાના કોંઢ ગામે પહોંચેલા ઇટાલિયાએ શું કહ્યું?

2026-06-08 22:06:02
Author: Devayat Khatana
"પાર્ટી આજે છે, કાલે નથી! સરકારને ખબર જ નથી કે વળતર શેનું અપાય છે" ધ્રાંગધ્રાના કોંઢ ગામે પહોંચેલા ઇટાલિયાએ શું કહ્યું?

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામે ખેતરોમાંથી પસાર થતી હાઈટેન્શન વીજ લાઈનના થાંભલા નાખવાના મુદ્દે ખેડૂતો અને પાવર ગ્રીડ કંપની વચ્ચે છેલ્લા ઘણા સમયથી ભારે વિવાદ ચાલી રહ્યો છે. આ મામલે ખેડૂતો અને કંપની સામસામે આવી ગયા છે, ત્યારે આમ આદમી પાર્ટીના નેતા અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આજે કોંઢ ગામે પહોંચીને પીડિત ખેડૂતોની મુલાકાત લીધી હતી. તેમણે ખેડૂતોના પડતર પ્રશ્નો અંગે ધારદાર રજૂઆત કરી સરકાર અને કંપનીની નીતિઓનો સખત વિરોધ કર્યો હતો.

ખેડૂતોને સંબોધતા ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, ખેડૂતોને અપીલ કરી હતી કે ગાંધીનગરમાં બેઠેલા લોકોને ખબર પડી ગઈ છે કે ખેડૂત વર્ગ વેરવિખેર છે, તેથી હવે તમામ જ્ઞાતિના લોકોએ એક થઈને આ અન્યાય સામે લડવું પડશે. તેમણે કહ્યું હતું કે હું અહી કોઈ પાર્ટીના નેતા તરીકે નહીં પણ ખેડૂતના દીકરા તરીકે આવ્યો છું. પાર્ટીમાં તો આજે હોય કાલે ન પણ હોય, પણ માવતર એટલે કે ખેડૂત વર્ગનો નાશ નથી થતો. તેમણે  તેમણે સુરેન્દ્રનગર ઉપરાંત કચ્છ, જામનગર અને મોરબીમાં થાંભલાના પ્રશ્નો તથા જૂનાગઢ-ગીર સોમનાથમાં ઇકો ઝોનના પ્રશ્નોનો ઉલ્લેખ કરી ખેડૂતોની દયનીય સ્થિતિનો ચિતાર આપ્યો હતો.

વળતર અને જમીન અંગે સરકારની નીતિ પર સવાલ ઉઠાવતા ઇટાલિયાએ જણાવ્યું હતું કે, બાજુના ગામમાં મીટર દીઠ 900  રૂપિયા ચૂકવાય છે જ્યારે અહીં માત્ર 300  રૂપિયા આપવામાં આવે છે. જે ખેતરમાં થાંભલો આવે છે તે જમીન બિનઉપયોગી બની જાય છે અને ભવિષ્યમાં પેઢીઓ વચ્ચે જમીનના ભાગલા વખતે મોટો પ્રશ્ન ઊભો થશે કે થાંભલાવાળી જમીન કોના ભાગમાં આવશે. તેમણે માંગ કરી હતી કે જેમ મોબાઈલ ટાવર ઊભો કરવા પર દર મહિને ભાડું મળે છે, તેમ કંપનીઓએ આ થાંભલાઓનું પણ ખેડૂતોને કાયમી ભાડું ચૂકવવું જોઈએ, કારણ કે થાંભલાથી જમીનના ભાવ તળિયે બેસી જાય છે.

ગોપાલ ઇટાલિયાએ વધુ ગંભીર આક્ષેપો કરતા કહ્યું કે, કંપનીઓ કાગળ પર નક્કી કરેલા અક્ષાંશ-રેખાંશ મુજબ કામ કરવાને બદલે ખોટી રીતે રસ્તાઓ બદલી નાખે છે અને આ માટે પોલીસને સાથે રાખવામાં આવે છે. વિધાનસભામાં મેળવેલી માહિતીનો હવાલો આપતા તેમણે જણાવ્યું હતું કે, સરકારે કચ્છ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓન-પેમેન્ટ પોલીસ બંદોબસ્તના નામે 13 કરોડ રૂપિયા લઈને પોલીસ સીધી કંપનીઓને ભાડે આપી દીધી છે. ખેડૂતોને મદદ કરવાને બદલે તેમને મારવા માટે કંપનીઓને પોલીસ ભાડે આપતી સરકારની દાનત ખરાબ હોવાનો આરોપ લગાવી તેમણે આગામી સમયમાં આ મુદ્દે ખેડૂતોની મુશ્કેલીઓ વધવાની ચિંતા વ્યક્ત કરી હતી.