નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટમાં મોટું પરિવર્તન આવી રહ્યું છે જેમાં ખાસ કરીને સૂર્યકુમાર યાદવના હાથમાંથી ટી-20 ટીમની કૅપ્ટન્સી પાછી લેવામાં આવી રહી છે અને શ્રેયસ ઐયરને સોંપવામાં આવશે જેની સત્તાવાર જાહેરાત શનિવારે કરવામાં આવશે. આ ટીમ સિલેક્શનની બીજી મોટી ખાસિયત એ હશે કે એમાં વૈભવ સૂર્યવંશીને સામેલ કરવામાં આવશે અને એ સાથે ભારતીય ક્રિકેટમાં યુવાન ખેલાડીઓના મુદ્દે જાણે નવા સૂરજનો ઉદય થશે.
સૂર્યવંશીએ દિગ્ગજોને ઝાંખા પાડ્યા
બિહારનો વૈભવ સૂર્યવંશી માંડ 15 વર્ષનો છે અને સિલેક્ટરો 2028ની લૉસ ઍન્જલસ ઑલિમ્પિક્સ તેમ જ એ જ વર્ષના ટી-20 વર્લ્ડ કપને લક્ષમાં રાખીને વૈભવને અત્યારથી ટી-20 ટીમમાં સમાવીને ટીમને નવો ઓપ આપવા માગે છે. વૈભવ (Vaibhav)એ આ વખતની આઇપીએલમાં તૂફાની બૅટિંગથી ભલભલા દિગ્ગજો (સાઇ સુદર્શન, શુભમન ગિલ, જૉસ બટલર, વિરાટ કોહલી વગેરે)ને ઝાંખા પાડી દીધા. તેના 776 રન આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ હતા અને 72 સિક્સરનો આઇપીએલ-રેકૉર્ડ પણ તેણે પોતાના નામે કર્યો હતો. વૈભવ 15 વર્ષની ઉંમરે ભારત વતી ડેબ્યૂ કરનાર સૌથી નાની ઉંમરનો સચિન તેન્ડુલકરનો 37 વર્ષ જૂનો વિક્રમ તોડશે.
ભારતે આ વખતની આઇપીએલના એક મહિના પહેલાં અમદાવાદમાં સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav)ના નેતૃત્વમાં ટી-20નો વર્લ્ડ કપ જીતી લીધો હતો, પરંતુ એ વિશ્વ કપમાં ખેલાડી તરીકે અને ત્યાર બાદ આઇપીએલમાં તેનો બૅટિંગ પર્ફોર્મન્સ નબળો રહ્યો હોવાથી હવે શનિવારે જાહેર થનારી ટી-20 ટીમમાં સામેલ કરવામાં આવશે કે કેમ એમાં પણ શંકા છે. ખરેખર તો છેલ્લા દોઢ વર્ષથી તે સારું નથી રમી શક્યો. આ ટીમ આયરલૅન્ડ અને ઇંગ્લૅન્ડ ખાતેના આગામી પ્રવાસ માટે નક્કી થવાની છે.
શ્રેયસ ઐયર અઢી વર્ષથી ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ નથી રમ્યો અને હવે તેની ટી-20માં ટીમ ઇન્ડિયાની સીધી કૅપ્ટન્સી મળી જવાની છે. તેણે ખાસ કરીને આઇપીએલમાં કોલકાતાની અને પછી પંજાબની ટીમની કૅપ્ટન્સી જે રીતે સંભાળી એ જોતાં સિલેક્ટરો તેને ભારતનો નવો ટી-20 સુકાની બનાવવા માગે છે.
બીજું, શ્રેયસની સૌથી મોટી ખાસિયત એ છે કે તે કૅપ્ટન્સીના બોજની પોતાની બૅટિંગ પર વિપરીત અસર નથી થવા દેતો. તે ટીમ સંભાળવાની સાથે રનનો ઢગલો પણ કરી શકે છે. બેંગ્લૂરુનો ડબલ સીઝન ચૅમ્પિયન રજત પાટીદાર પણ ભારતની ટી-20 ટીમનું સુકાન સંભાળવા માટે દાવેદાર ગણી શકાય, પરંતુ પસંદગીકારોનું એવું માનવું છે કે ભારતની ટી-20 ટીમને આવનારા થોડા વર્ષો સુધી જો સ્થિર નેતૃત્વ આપવું હોય તો એ માટે શ્રેયસ સૌથી સારો વિકલ્પ છે.
તિલક બનશે શ્રેયસનો ડેપ્યૂટી
દરમ્યાન તિલક વર્માને ભારતીય ટીમની વાઇસ-કૅપ્ટન્સી સોંપવાની તૈયારી પણ થઈ રહી હોવાનું મનાય છે. આ વર્ષે સપ્ટેમ્બરમાં યોજાનારી એશિયન ગેમ્સમાં ભારતીય ટી-20 ટીમની કૅપ્ટન્સી પણ તિલકને અપાશે એવી ધારણા છે.
ભુવનેશ્વરને કમબૅકનો મોકો
શનિવારે સિલેક્ટરો આયરલૅન્ડ અને ઇંગ્લૅન્ડના પ્રવાસ માટેની ટીમ નક્કી કરશે ત્યારે એમાં આઇપીએલ-2026ના સર્વોત્તમ ભારતીય બોલર ભુવનેશ્વર કુમારને નહીં જ ભૂલે એવું મનાય છે. ચૅમ્પિયન ટીમ આરસીબીના 36 વર્ષીય ભુવીએ આઇપીએલમાં કુલ 28 વિકેટ લઈને સાબિત કર્યું કે પસંદગીકારો હવે તેને ભૂલી જ નહીં શકે. મૂળ ઉત્તર પ્રદેશનો ભુવનેશ્વર ભારત વતી છેલ્લી ટેસ્ટ 2018માં (આઠ વર્ષ પહેલાં) અને વન-ડે તથા ટી-20 મૅચ 2022માં (ચાર વર્ષ પહેલાં) રમ્યો હતો.