મુંબઈ: મુંબઈની હોટેલમાં 2016માં થયેલા ગૅન્ગસ્ટર સંદીપ ગડોલીના કથિત બનાવટી એન્કાઉન્ટરના કેસમાં તે સમયના સબ-ઈન્સ્પેક્ટર સહિત હરિયાણાના પાંચ પોલીસ અને અન્ય બે જણને સેશન્સ કોર્ટે શુક્રવારે નિર્દોષ જાહેર કર્યા હતા.
એડિશનલ સેશન્સ જજ પ્રશાંત કાળેએ ભારતીય દંડ સંહિતાની કલમ 302 (હત્યા) અને અન્ય સુસંગત કલમો હેઠળ આરોપીઓ કસૂરવાર ન હોવાની નોંધ કરી હતી. અંધેરી પૂર્વમાં આવેલી એક હોટેલમાં 7 ફેબ્રુઆરી, 2016ના રોજ ગડોલીનું એન્કાઉન્ટરમાં ઢીમ ઢાળી દેવામાં આવ્યું હતું. આ એન્કાઉન્ટર ગુરુગ્રામ પોલીસે કર્યું હતું. કુખ્યા ગૅન્ગસ્ટર એવા ગડોલીના માથે એક લાખ રૂપિયાનું ઇનામ પણ જાહેર કરાયું હતું. 1999 સુધીમાં તેની વિરુદ્ધ 40થી વધુ એફઆઈઆર નોંધાયા હતા.
આ કેસમાં પોલીસે ગુરુગ્રામના પાંચ પોલીસ કર્મચારી સહિત આઠ જણની ધરપકડ કરી હતી. આરોપીઓમાં ગડોલીની ‘ગર્લફ્રેન્ડ’ દિવ્યા પાહુજા, તેની માતા અને વિરોધી ગૅન્ગના લીડર વીરેન્દ્ર ગુજ્જરનો સમાવેશ થતો હતો. બાદમાં દિવ્યા પાહુજાની હત્યા થઈ હતી.
આરોપી પોલીસોમાં તે સમયના સબ-ઈન્સ્પેક્ટર પ્રદ્યુમન યાદવ સહિત વિક્રમ સિંહ, જિતેન્દ્ર યાદવ, દીપક કાકરન અને પરમજીત અહલાવતનો સમાવેશ થતો હતો. પોલીસ અનુસાર ગડોલીને પાહુજાની મદદથી જાળમાં ફસાવીને બનાવટી એન્કાઉન્ટરમાં મારી નાખવામાં આવ્યો હતો. જોકે જામીન પર છૂટ્યા પછી 2024માં હરિયાણાની હોટેલમાં પાહુજાની હત્યા થઈ હતી, જેને પગલે કેસમાંથી તેની બાદબાકી થઈ હતી.
ફરિયાદી પક્ષે આક્ષેપ કર્યો હતો કે ગડોલી અને ગુજ્જર વચ્ચે લાંબા સમયથી દુશ્મનાવટ હતી, જેને પગલે ગુજ્જરે આરોપી પોલીસોને ગાંઠી ગડોલીનું એન્કાઉન્ટર કરાવ્યું હતું. ફરિયાદ પક્ષે દાવો કર્યો હતો કે આરોપી પોલીસે ગેરકાયદે રિવોલ્વરથી અંધેરીની હોટેલમાં ગડોલીનું એન્કાઉન્ટર કર્યું હતું અને પોતાને બચાવવા ખોટા પુરાવા રજૂ કર્યા હતા.
ફરિયાદ પક્ષે 43 સાક્ષીદાર તપાસ્યા હતા અને સીસીટીવી, કૉલ રેકોર્ડ્સ, બેલાસ્ટિક રિપોર્ટ જેવા ટેક્નિકલ પુરાવાનો આધાર લીધો હતો. જોકે જજે બધા આરોપીને નિર્દોષ જાહેર કર્યા હતા. (પીટીઆઈ)