Sat Sep 05 2026

Logo

NEET પેપર લીક વિરોધ પ્રદર્શનમાં પોલીસ કાર રોકનાર યુવતી કોણ છે? જાણો રિયા અહીર વિશે

2026-07-23 22:20:00
Author: Darshana Visaria
NEET પેપર લીક વિરોધ પ્રદર્શનમાં પોલીસ કાર રોકનાર યુવતી કોણ છે? જાણો રિયા અહીર વિશે

મુંબઈ: NEET પેપર લીક મામલે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે સમગ્ર દેશમાં વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. મુંબઈમાં પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. આ પ્રદર્શન દરમિયાન ભારે વરસાદ વચ્ચે ડિટેઈન કરાયેલા વિદ્યાર્થીઓને લઈ જઈ રહેલી પોલીસ વાન સામે નીડરતાથી ઊભી રહી ગયેલી એક યુવતીનો વીડિયો અને તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. 

કોણ છે રિયા અહીર?

પોલીસ વાનને રોકનારી આ યુવતીનું નામ રિયા અહીર છે. રિયા વ્યવસાયે એક એક્ટ્રેસ અને મોડેલ છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર તેના લગભગ ૧ લાખ (100k) ફોલોઅર્સ છે અને તે 'દિલબરા' જેવા મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી ચૂકી છે. તે છેલ્લા કેટલાક દિવસોથી વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનમાં સક્રિયપણે ભાગ લઈ રહી હતી.

બુધવારે જ્યારે પોલીસે પરવાનગી વગર પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓની અટકાયત કરી અને તેમને વાનમાં બેસાડ્યા, ત્યારે રિયા વાનની આગળ આવીને ઊભી રહી ગઈ હતી. રિયાને જોઈને આસપાસના અન્ય લોકો પણ તેની સાથે જોડાઈ ગયા હતા.

એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા રિયાએ જણાવ્યું હતું કે હું ત્યાં વિદ્યાર્થીઓથી ભરેલી પોલીસ વાન જોઈને આગળ આવી હતી. વિદ્યાર્થીઓ બૂમો પાડી રહ્યા હતા. મેં પોલીસકર્મીઓને પૂછ્યું કે શું તેમની પાસે એરેસ્ટ મેમો (ધરપકડનું વોરંટ/મેમો) છે? પણ તેમની પાસે કોઈ જવાબ નહોતો. એક જાગૃત નાગરિક તરીકે જો હું તે વિદ્યાર્થીઓને આવી રીતે જવા દેત, તો મારી ફરજ ચૂકી જાત.

રિયાએ સ્પષ્ટ કર્યું હતું કે તે પોતે વિદ્યાર્થી નથી, કે પછી કોઈ રાજકીય કે સામાજિક પૃષ્ઠભૂમિમાંથી આવતી નથી, પરંતુ વિદ્યાર્થીઓ સાથે જે ખોટું થયું છે તેની સામે અવાજ ઉઠાવવો એ નાગરિક તરીકે તેની ફરજ છે.

તેણે પોલીસ વાન આગળ હાથ મૂકીને 'ઇન્કલાબ ઝિંદાબાદ'અને 'ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપો'ના નારા લગાવ્યા હતા. સરકાર અને શિક્ષણ મંત્રી પર પ્રહાર કરતા રિયાએ કહ્યું હતું કે મર્દ બનો, પોતાની ભૂલ સ્વીકારો અને રાજીનામું આપી દો. રિયાના આ સાહસિક પગલાંની સોશિયલ મીડિયા પર અને દેશભરમાં ખૂબ પ્રશંસા થઈ રહી છે.