Thu Jul 23 2026

Logo

અમદાવાદમાં છેલ્લા 12 કલાકમાં 11 ઈંચ વરસાદ, શહેર બેટમાં ફેરવાયું

2026-07-23 22:37:09
Author: Chandrakant Kanoja
Article Image

અમદાવાદ: અમદાવાદ શહેરમાં સવારના 9 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધીમાં સરેરાશ 11 ઇંચ વરસાદ નોંધાયો છે. જેના પગલે શહેરના મોટાભાગના વિસ્તારોમાંથી પાણી નિકાલ ન છતાં બેટમાં ફેરવાયા છે. જેમાં શહેરમાં પોશ વિસ્તાર બોપલ અને સિંધુ ભવન રોડ જળમગ્ન થયા છે. 

શુક્રવારે કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ આપવા કંપનીઓ અને માલિકને અપીલ

આ દરમિયાન અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાનીએ લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે.તેમજ  લોકોને કામ વિના બહાર ન નીકળવા અપીલ કરી છે. તેમજ શક્ય હોય તો શુક્રવારે કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ આપવા કંપનીઓ અને માલિકને અપીલ કરી છે. જ્યારે  ભારે વરસાદ અંગે તકેદારી રાખવા અમદાવાદ  શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે જાહેર જનતાને અપીલ કરી છે. 

10 અંડર બ્રિજ બંધ કરવામાં આવ્યા

આ ઉપરાંત શહેરમાં અનેક માર્ગો અને સોસાયટી પર પાણી ભરાયા હતા.  તેમજ પાણી ભરાતા 10 અંડર બ્રિજ બંધ કરવામાં આવ્યા છે. તેમજ પૂર્વ વિસ્તાર કાંકરિયા, મણિનગર, ખોખરા, હાટકેશ્વર, અનુપમ સિનેમા વિસ્તારમાં પણ કેડ સમા પાણી ભરાયા છે.  

ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી

અમદાવાદમાં ભારે વરસાદના પગલે  સ્થિતિ ખૂબ જ વિકટ બની છે. તેમજ અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે અને ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી છે. તેમજ વાહનચાલકો હાલાકી પડી છે. 

મુખ્ય પ્રધાનનો કાફલો પણ પાણીમાં ફસાયો 

આ ઉપરાંત વરસાદી પાણી ભરાવાને કારણે વાહનવ્યવહારને ભારે અસર પહોંચી હતી. ખુદ રાજ્યના મુખ્ય પ્રધાનનો કાફલો પણ એસજી હાઇવે પર થલતેજ પેલેડિયમ મોલ પાસે પાણી ભરાવવાના કારણે ટ્રાફિક જામમાં ફસાયો હતો. 

અંડરપાસમાં પાણી ભરાતા એએમટીએસની બસ ફસાઈ 

જ્યારે શહેરના 132 ફૂટ રિંગ રોડ, ગોતા અને શેલા વિસ્તારમાં પણ જળબંબાકાર જોવા મળ્યો હતો. શહેરના એસજી હાઇવે પર પણ ખૂબ જ લાંબો ટ્રાફિક સર્જાયો હતો. પ્રહલાદનગર ગાર્ડનથી જોધપુર તરફના રસ્તા પર વરસાદી પાણી નદીની જેમ વહેતા થયા હતા. મીઠાખળી અંડરપાસમાં પાણી ભરાતા એએમટીએસની બસ ફસાઈ ગઈ હતી. 

અમદાવાદમાં  અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં હજુ પણ  અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અને વિદ્યાર્થીઓની સુરક્ષાના ભાગરૂપે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તકેદારીના પગલા રૂપે શહેરની તમામ શાળાઓ અને કોલેજોમાં  શુક્રવારે  રજા જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.