એકસ્ટ્રા અફેરઃભરત ભારદ્વાજ
ભારતીય ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર અંગેનું પ્રકરણ સ્કૂલનાં અભ્યાસક્રમમાં સમાવાયું એ મુદ્દે સુપ્રીમ કોર્ટનો આક્રોશ તાજો છે. આપણા માનનિય ચીફ જસ્ટિસ સૂર્યકાન્ત સહિતના ન્યાયાધિશોએ ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર હોવાનું સ્કૂલનાં છોકરાંને શિખવાડવા બદલ એનસીઈઆઈટીને ઝાટકી નાંખેલી ને આ પ્રકરણ રદ કરવા ફરજ પાડેલી. ચીફ જસ્ટિસ સૂર્યકાન્તે તો અત્યંત આકરા તેવર બતાવીને કહ્યું કે, આ દેશની સુપ્રીમ કોર્ટ કોઈને પણ ભારતીય ન્યાયતંત્રની બદનામી નહીં કરવા દે.
આ વિવાદ હજુ તાજો જ છે ત્યાં પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટે એક મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. હરિયાણાના પંચકુલામાં 2000ની સાલમાં પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યા થઈ હતી અને હત્યા કેસમાં ડેરા સચ્ચા સૌદાના કર્તાહર્તા રામ રહીમને દોષિત ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી હતી. રામ રહીમ ઉપરાંત બીજા 3 આરોપીઓ કુલદીપ સિંહ, નિર્મલ સિંહ અને કૃષ્ણ લાલને પણ 17 જાન્યુઆરી 2019ના રોજ પંચકુલાની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે 7-7 વર્ષની કેદની સજા સંભળાવી હતી.
આ સજા સામે રામ રહીમ સહિતના આરોપીઓએ હાઈ કોર્ટમાં અરજી કરી હતી. પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટે આ અરજી પર ચુકાદો આપતાં રામ રહીમને નિર્દોષ ગણાવીને છોડી મૂક્યો છે. હાઈ કોર્ટનું કહેવું છે કે પત્રકાર છત્રપતિની હત્યા કરવાનું કાવતરું રામ રહીમે ઘડ્યું હોવાના પૂરતા પુરાવા નથી તેથી રામ રહીમને નિર્દોષ છોડી મૂકવામાં આવે છે.
રામ રહીમ સિવાયના બીજા ત્રણ આરોપી સામે પૂરતા પુરાવા હોવાનું ઠરાવીને હાઈ કોર્ટે તેમની સજા માન્ય રાખી છે. હાઈ કોર્ટનું કહેવું છે કે, કુલદીપ, નિર્મલ અને કિશન લાલ વિરુદ્ધના પુરાવા અને સાક્ષીઓની જુબાની પરથી સ્પષ્ટ છે કે, પત્રકાર છત્રપતિની હત્યામાં તેમનો હાથ હતો તેથી તેમની આજીવન કેદની સજાને યથાવત રાખવામાં આવે છે.
સ્વાભાવિક રીતે જ આ ચુકાદાથી સૌનાં ભવાં ખેંચાયાં છે કેમ કે રામ રહીમ પર હરિયાણાની ભાજપ સરકાર મન મૂકીને વરસી રહી છે અને થોડા થોડા દિવસના અંતરે રામ રહીમને પેરોલ કે ફર્લો આપીને જેલની બહાર લઈ અવાય છે. રામ રહીમ હત્યા, બળાત્કારના કેસમાં દોષિત ઠર્યો હોવા છતાં ભાજપની મહેરબાનીથી જેલની અંદર ઓછો ને બહાર વધારે રહે છે.
ભવાં ખેંચાવાનું બીજું કારણ એ છે કે, એક ચોક્કસ મોડસ ઓપરેન્ડી અમલમાં મૂકીને રામ રહીમને દૂધે ધોયેલો સાબિત કરવાનું કાવતરું પાર પાડવામાં આવી રહ્યું છે. રામ રહીમ ત્રણ ગંભીર અપરાધના કેસમાં દોષિત ઠરેલો પણ તેમાંથી બે કેસમાં નિર્દોષ છૂટી ગયો છે. રામ રહીમને પોતાના જ આશ્રમની એક સાધ્વીને હવસનો શિકાર બનાવીને બળાત્કાર ગુજારવાના કેસમાં 10 વર્ષની સજા થઈ હતી. એ પછી ડેરા સચ્ચા સોદાના મેનેજર રણજિતસિંહની હત્યાના કેસમાં આજીવન કેદની સજા થયેલી ને પત્રકાર છત્રપતિની હત્યાના કેસમાં પણ આજીવન કારાવાસની સજા થયેલી.
રામ રહીમ ડેરા સચ્ચા સોદાના મેનેજર રણજિતની હત્યા કેસમાં હાઈ કોર્ટમાંથી નિર્દોષ છૂટ્યો ને હવે બીજા કેસમાં પણ તેને નિર્દોષ છોડી મૂકાયો છે તેથી હવે એક જ કેસમાં એ દોષિત છે. બહુ નજીકના ભવિષ્યમાં એ કેસમાં પણ નિર્દોષ છૂટી જશે તેથી જેલની બહાર આવી જશે એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. રામ રહીમને સાધ્વીઓ પર બળાત્કારના કેસમાં 10 વર્ષની કેદની સજા થઈ છે તેથી રામ રહીમે હજુ જેલમાં જ રહેવું પડશે પણ ભાજપની સરકાર મહેરબાન છે તેથી તેને ચિંતા નથી.
પત્રકાર રામચંદ્ર છત્રપતિએ પોતાના અખબારમાં ડેરા સચ્ચા સોદાનાં કુકર્મોનો ભાંડો ફોડીને કેટલાક ગંભીર રિપોર્ટ છાપ્યા હતા. રામ રહીમના ચેલકાઓએ છત્રપતિને ચૂપ કરવા કોશિશ કરી પણ છત્રપતિ રણે ચડેલો એટલે ના માન્યો તેમાં 2002માં તેની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. રામ રહીમની વગના કારણે પહેલાં તો કશું ના થયું પણ પછી ભાજપે જ ખૂબ હોબાળો કર્યો એટલે આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી. સીબીઆઈએ પુરાવા શોધ્યા પછી સ્પેશિયલ કોર્ટે રામ રહીમ સહિત અન્ય આરોપીઓને દોષિત ઠેરવીને આજીવન કેદની સજા સંભળાવી હતી.
રામ રહીમને પહેલાં દોષિત ઠેરવીને બબ્બે હાઈ પ્રોફાઈલ કેસમાં નિર્દોષ છોડી મૂકાયો એ શું સૂચવે છે ? એ જ કે ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર છે. નીચલી અદાલતને જે પુરાવા રામ રહીમને આજીવન કેસની સજા સંભળાવવા માટે પૂરતા લાગ્યા એ જ પુરાવા હાઈ કોર્ટને અપૂરતા લાગે તેનો અર્થ એ થયો કે, બેમાંથી કોઈ એક અદાલત ખોટી છે. એ જ સાક્ષીઓ છે ને એ જ પુરાવા છે છતાં માત્ર છ વર્ષમાં રામ રહીમ નિર્દોષ છૂટી જાય તેનો અર્થ સ્પષ્ટ છે કે કાં નીચલી અદાલતે ગરબડ કરેલી કે હાઈ કોર્ટે ગરબડ કરી છે.
આપણે ત્યાં ન્યાયતંત્રથી લોકો ડરે છે તેથી સ્પષ્ટ રીતે તેની ટીકા કરતાં નથી. આપણી ન્યાય પ્રણાલીમાં ઘણું બધું ન્યાયાધીશોની મુનસફી પર છોડાય છે તેથી માનવસહજ ભૂલ ગણાવીને ન્યાયતંત્રનો બચાવ પણ કરાય છે, પણ રામ રહીમ જેવા પાવરફૂલ ને રાજકારણીઓના જેમના પર ચાર હાથ છે એવા લોકોના જ કેસમાં આવી માનવસહજ ભો કેમ થાય છે એ સવાલ મહત્ત્વનો છે. આ સવાલનો જવાબ સ્પષ્ટ છે કે, આપણું ન્યાયતંત્ર દૂધે ધોયેલું નથી ને માત્ર ન્યાયને જ મહત્ત્વ આપીને ચુકાદા નથી આપતું.
આપણે ત્યાં ભ્રષ્ટાચારની વાત આવે ત્યારે પૈસાની લેવડદેવડની જ ચર્ચા થતી હોય છે, પણ માત્ર પૈસાની લેવડદેવડ થાય એ જ ભ્રષ્ટાચાર નથી. રાજકીય દબાણસર કે બીજાં કોઈ કારણસર ચુકાદા બદલાઈ જાય એ પણ ભ્રષ્ટાચાર જ છે. રામ રહીમના કેસમાં આ જ કારણ ભાગ ભજવી ગયાનું લાગે છે.
રામ રહીમ અત્યંત પાવરફુલ હતો ને તેને કોઈ હાથ પણ અડાડવાની હિંમત નહોતું કરતું. 2017માં ભાજપ સરકારે તેને ઉઠાવીને જેલમાં નાંખ્યો ને પછી તેની સામે મજબૂત પુરાવા ઉભા કરીને સજા પણ કરાવી ત્યારે સૌ ન્યાયતંત્ર પર આફરીન થઈ ગયેલાં ને ભાજપની પણ વાહવાહી થઈ ગયેલી. હવે એ જ ન્યાયતંત્ર છે ને એ જ ભાજપની સરકાર છે પણ ચુકાદા બદલાઈ રહ્યા છે કેમ કે હવે ભાજપને જરૂર છે.
રામ રહીમનો પોતાનો આગવો અનુયાયી વર્ગ છે કે જેને રામ રહીમ બળાત્કાર કરે કે હત્યા કરે તેનાથી કોઈ ફરક પડતો નથી. રામ રહીમ જેલમાં ગયો પછી પણ તેના અનુયાયીઓ તેની ભક્તિમાં લિન છે ને તેના ઈશારે જ વર્તે છે. આ ઘેટાંના ટોળાં જેવા અનુયાયીઓના મતોની લાલચમાં ભાજપ રામ રહીમનાં પાપ ધોઈને તેને સંત તરીકે ફરી સ્થાપિત કરવાનું ગંદુ કામ કરી રહ્યો છે અને લાગે છે કે, હાઈ કોર્ટ તેમાં સાથ આપી રહી છે.