Thu Jun 18 2026

Logo

રાજકોટમાં SMCની મોટી સ્ટ્રાઈક: કરોડોના 'ડબ્બા ટ્રેડિંગ'નો પર્દાફાશ, 18.89 લાખનો મુદ્દામાલ જપ્ત!

2026-03-03 14:28:00
Author: Devayat Khatana
Article Image

રાજકોટ: સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા રાજકોટ શહેરમાં ગેરકાયદેસર શેરબજાર એટલે કે 'ડબ્બા ટ્રેડિંગ' પર મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. SMCની ટીમે શહેરના ડો. યાજ્ઞિક રોડ પર ઈમ્પિરિયલ હોટલની સામે આવેલા માધવ કોમ્પ્લેક્સમાં દરોડા પાડ્યા હતા. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે અહીં આઈટી એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમોનો ભંગ કરીને અનધિકૃત રીતે શેરબજારનો કાળો કારોબાર ચલાવવામાં આવી રહ્યો છે. આ રેડ દરમિયાન પોલીસને મોટા પ્રમાણમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને રોકડ રકમ મળી આવી હતી.

આ કાર્યવાહી દરમિયાન પોલીસે સ્થળ પરથી કુલ 18,89,300 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેમાં 15 લાખની કિંમતનું એક વાહન, 1,72,000 રૂપિયાની રોકડ રકમ, 5 મોબાઈલ ફોન, કોમ્પ્યુટર સેટ, લેપટોપ અને પ્રિન્ટરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ડબ્બા ટ્રેડિંગમાં વપરાતા વાઇ-ફાઇ ઉપકરણો, હાર્ડ ડિસ્ક અને ડીવીઆર જેવા અન્ય ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ પણ કબજે લેવામાં આવ્યા છે. આ કેસમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 316(5), 318(4) સહિત આઈટી એક્ટની કલમ 66 હેઠળ ગુનો નોંધી પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસે આ રેડ દરમિયાન ત્રણ આરોપીઓ - રાકેશ ધીરજલાલ પોપટ, મુકેશ મીઠાભાઈ વિરાડિયા અને મહેશ રવજીભાઈ પરમારની અટકાયત કરી છે. જોકે, આ કૌભાંડના મુખ્ય સૂત્રધારો ગણાતા મિહિર મનોજભાઈ કલ્યાણી, કમલેશ રાજકોટ, અશોક, નટુ કાકા, જયદીપ અને હિતેન રવિભાઈ ખાચર સહિતના 6 આરોપીઓ હાલ ફરાર જાહેર કરવામાં આવ્યા છે. પોલીસ આ ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ દરોડાથી રાજકોટના સટ્ટાબજાર અને ગેરકાયદેસર ટ્રેડિંગ કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.