(અમારા પ્રતિનિધિ તરફથી)
રાજકોટઃ શહેરમાં રોકાણ પર કરોડો રૂપિયાની છેતરપિંડીનો કેસ પ્રકાશમાં આવ્યો છે. આરોપીઓએ ઊંચા માતબર વળતર અને કંપનીના શેર આપવાની લાલચ આપીને આ છેતરપિંડી આચરી છે. ગોંડલના ગરનાળા ગામમાં આવેલી કામ્યા ટેક્ષટાઈલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સંચાલક દંપતીએ પ્લાસ્ટિકના દાણાનો વેપાર કરતા એક વેપારી પરિવાર, તેમના સગાં અને મિત્રો પાસેથી કુલ 6.18 કરોડ રૂપિયા પડાવી લીધા હતા. બદલામાં શેર આપવાની વાત થઈ હતી પરંતુ કોઈ વળતર કે શેર ન આપી વિશ્વાસઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. જેથી આ મામલે આરોપી દંપતી વિરૂદ્ધ ગુનો નોંધાયો છે.
આ છેતરપિંડી કેસમાં રાજકોટ બી-ડિવિઝન પોલીસે ભોગ બનનાર મહિલા વેપારીની ફરિયાદના આધારે આરોપી દંપતી વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે. ફરિયાદ પ્રમાણે પ્લાસ્ટિકના દાણાનો વ્યવસાય કરતાં જલ્પાબેન રૈયાણીના પતિ જીતેન્દ્રભાઈને દ્વારકેશ એપાર્ટમેન્ટમાં રહેતા દિવ્યેશ સાવલીયા સાથે ઓળખાણ થઈ છે. દિવ્યેશ પોતે પણ એક વેપારી છે. દિવ્યેશે પોતાની કંપનીના વિકાસ માટે જીતેન્દ્રભાઈને રોકાણ સામે દર મહિને 2 થી 3 ટકા જેટલું માતબર વળતર અને બાદમાં કંપનીના 40 ટકા શેર આપવાની લાલચ આપી હતી.
આ વાત પર વિશ્વાસ મૂકીને રૈયાણી દંપતીએ વર્ષ 2023થી 2025 દરમિયાન 45 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. આ સાથે બીજા અલગથી 4 કરોડ રૂપિયા રોકડા પણ આપ્યા હતા. આ દરમિયાન જીતેન્દ્રભાઈના એક અન્ય મિત્ર અલ્તાફભાઈ પાસેથી પણ દિવ્યેશે રોકડા રૂપિયા 5 કરોડ મેળવ્યા હતા અને તેમને કાગળ પર લખાણ કરી 10 ટકા શેર આપ્યા હતા, પરંતુ ફરિયાદીના પરિવારને કશું જ મળ્યું નહોતું. આરોપી સાવલીયા દંપતીની માયાજાળમાં ફરિયાદીના સગાં અને મિત્રો પણ સપડાયા હતા.
સગામાં રાજેશભાઈ લીંબાસીયા પાસેથી રોકાણ અને શેર આપવાના બહાને કુલ 2,05,50,000 મેળવી, વળતર પેટે માત્ર 62 લાખ પરત આપી બાકીના 1,43,50,000 રૂપિયા પચાવી પાડ્યા હતા. આ ઉપરાંત મિત્ર કલ્પેશભાઈ જયસુખભાઈ માલકીયા પાસેથી પણ કંપનીના શેર આપવાની લાલચ આપી 30 રૂપિયા લાખ પડાવી લેવામાં આવ્યા હતા. પૈસા લીધા બાદ આરોપી દંપતીએ કંપનીનો કોઈ હિસાબ કે ઓડિટ રિપોર્ટ આપ્યો ન હતો. આખરે છેતરપિંડીનો અહેસાસ થતાં જલ્પાબેને રાજકોટ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દિવ્યેશ સાવલીયા અને નિલમબેન સાવલીયા વિરૂદ્ધ આઈપીસી ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.