Sat Jun 06 2026

Logo

અમદાવાદની હોટલ્સમાં સરપ્રાઈઝ ચેકિંગ, ફાયર સેફ્ટી ખામીઓ સામે આવતા 37 એકમને નોટિસ

2026-06-06 22:49:42
Author: mumbai samachar team
Article Image

અમદાવાદઃ દિલ્હીમાં થોડી દિવસ પહેલા હોટલ અગ્નિકાંડ બાદ અમદાવાદમાં તંત્ર એલર્ટ થઈ ગયું છે. અમદાવાદ શહેરમાં આવેલી હોટલોમાં ફાયર સેફ્ટીની વ્યવસ્થાઓ અંગે સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી. ખાસ કરીને ફાયર સેફ્ટિ અને બાંધકામને લગતા નિયમો અંગે સઘન તપાસ કરવામાં આવી રહી છે. આ તપાસમાં ફાયર સેફ્ટી નિયમોના પાલન અંગે ચકાસણી કરવામાં આવી હતી.મહત્ત્વની વાત એ છે, આ દરમિયાન કુલ 37 હોટલોમાં વિવિધ પ્રકારની ખામીઓ અને નિયમોના ભંગ બદલ નોટિસ આપવામાં આવી હતી.એટલું જ નહીં, આ તમામ હોટેલમાં નોટિસનો જવાબ આપવા માટે પણ આદેશ કરવામાં આવ્યા છે. 

ક્યા ઝોનમાં કેટલી હોટેલને નોટિસ?
આ તપાસ દરમિયાન સૌથી વધુ 12 નોટિસ અમદાવાદ શહેરના સાઉથ ઝોનમાં આપવામાં આવી હતી. સેન્ટ્રલ ઝોનમાં 9, વેસ્ટ ઝોનમાં 6, નોર્થ-વેસ્ટ ઝોનમાં 5 અને સાઉથ-વેસ્ટ ઝોનમાં 4 હોટલોને નોટિસ આપવામં આવી હતી. આ સાથે નોર્થ ઝોનમાં એક હોટલ સામે કાર્યવાહી કરવામાં આવી તેવું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. ઈસ્ટ ઝોનની હોટલમાં કોઈ નિયમ ભંગ થયો નથી તેવું પણ સૂત્રોએ જણાવ્યું હતું. હોટલો સાથે સાથે કોમર્શિયલ સંસ્થાઓમાં પણ ફાયર સેફ્ટી સંબંધિત તપાસ કરવામાં આવી હતી. ફાયર સેફ્ટી નિયમોનું કડક પાલન થતું રહે તે માટે તંત્ર દ્વારા આ તપાસ ચાલું રાખવામાં આવશે. આ તપાસ દરમિયાન ખાસ કરીને કિચન અને સ્ટે માટેના એરિયાની ખાસ તપાસ કરવામાં આવી છે, જેથી દિલ્હી જેવી ઘટના અમદાવાદ શહેરમાં ન બને. 

સૂચનાનું પાલન કરવા કડક આદેશ
આ અભિયાનમાં હોટલોના ફાયર ફાઈટિંગ સાધનો, ઇમરજન્સી એક્ઝિટ, ફાયર એનઓસીની સ્થિતિ અંગે ખાસ તપાસ કરવામાં આવી હતી. આ સાથે  અન્ય સુરક્ષા વ્યવસ્થાઓની અંગે પણ તંત્ર દ્વારા ચકાસણી કરવામાં આવી હતી. શહેરની તમામ હોટલોને તંત્ર દ્વારા તમામ સૂચનાઓનું પાલન કરવા માટે આદેશ આપવામાં આવ્યો હતો. આ સરપ્રાઈઝ નિરીક્ષણો દિલ્હીમાં બનેલા અગ્નિકાંડ બાદ શરૂ કરવામાં આવ્યાં હતાં, જે હજી પણ ચાલુ રહે તેવી શક્યતા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.