Sat Jun 06 2026

Logo

GSSSBની મોટી જાહેરાત: આ બે ભરતીમાં ફોર્મ ભરવાની મુદત લંબાઈ, જુનિયર ફાર્માસિસ્ટનો સિલેબસ જાહેર!

2026-06-06 22:05:51
Author: Devayat Khatana
Article Image

અમદાવાદ: ગુજરાતમાં હાલ સરકારી અધિકારી બનવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં ઉમેદવારો માટે અનેક મહત્વની અપડેટ મળી રહી છે. તાજેતરમાં જ ગુજરાત જાહેર સેવ આયોગ (GPSC) અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા અનેક જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે GSSSB દ્વારા આજે અનેક જાહેરાતો માટે મહત્વની અપડેટ આપવામાં આવી છે, જે ઉમેદવારો માટે મહત્વની અપડેટ છે. 

આ બે જાહેરાતો માટે ફોર્મ ભરવાની તારીખો લંબાવવામાં આવી 
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)  દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી ઝુંબેશ હેઠળની સ્ટાફનર્સ (આયુર્વેદ) અને ફાર્માસીસ્ટ (આયુર્વેદ) માટે ઉમેદવારો પાસેથી OJAS ની વેબસાઇટ પર ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવેલ હતાં. આ બંને  સંવર્ગો માટેની જગ્યાઓ દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ હેઠળ ભરવાની થતી હોઇ, ઉમેદવારોના હિતને ધ્યાને લઈ જે ઉમેદવારો દ્વારા ફોર્મ ભરી શકાયેલ ન હોય તેવા ઉમેદવારો ઓજસ પોર્ટલ પર 6 જૂન 2026 (સમય ૧૮:૦૦ કલાક) થી 17 જૂન 2026 (સમય ૨૩:૫૯ કલાક સુધી) સુધી ઓન-લાઈન ફોર્મ તથા પરીક્ષા ફી 20 જૂન 2026 (સમય ૨૩.૫૯ કલાક) સુધી ઓન-લાઇન ભરી શકશે.

જાહેરાત ક્રમાંક 399/202526 સ્ટાફનર્સ (આયુર્વેદ) માટે મૂળ જાહેરાતમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા અંગે મૂળ જાહેરાતમાં દર્શાવ્યા મુજબ કટઓફ તા.૧૨/૦૩/૨૦૨૬ રહેશે. તેમજ જાહેરાત ક્રમાંક 401/202526 ફાર્માસીસ્ટ (આયુર્વેદ) માટે મૂળ જાહેરાતમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા અંગે મૂળ જાહેરાતમાં દર્શાવ્યા મુજબ કટઓફ તા.૧૬/૦૩/૨૦૨૬ રહેશે.

જુનિયર ફાર્માસીસ્ટનો વિગતવાર અભ્યાસક્રમ જાહેર
આ સાથે જ GSSSB દ્વારા આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા અધિક નિયામક, તબીબી સેવાઓ કચેરી હસ્તકના જુનિયર ફાર્માસીસ્ટ, વર્ગ-3 સંવર્ગની કુલ-266  જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીપત્રકો મંગાવવામાં આવ્યા છે. જે માટે ઉમેદવારો 6 જૂનથી (૧૪-૦૦ કલાક) થી 25 જૂન સુધી (સમય રાત્રિના ૨૩.૫૯ કલાક સુધી) દરમિયાન ઓન-લાઇન અરજી કરવાની રહેશે. આ જાહેરાત માટે GSSSBએ વિગતવાર અભ્યાસક્રમ જાહેર કર્યો છે.