Thu Sep 03 2026

Logo

મીટરમાં ચેડાં પડ્યા ભારે! જેતપુરના ઢાબાને PGVCLએ ફટકાર્યો 50.53 લાખનો દંડ, વીજચોરોમાં ફફડાટ

2026-06-06 22:31:28
Author: Devayat Khatana
મીટરમાં ચેડાં પડ્યા ભારે! જેતપુરના ઢાબાને PGVCLએ ફટકાર્યો 50.53 લાખનો દંડ, વીજચોરોમાં ફફડાટ

જેતપુર: રાજકોટ જિલ્લાના જેતપુર-જૂનાગઢ હાઈવે પર જેતલસર ગામ નજીક આવેલા પ્રખ્યાત ગલગલિયા ઢાબામાં આશરે અડધા કરોડ રૂપિયાની મસમોટી વીજચોરીનો પર્દાફાશ થતાં પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) ગ્રામ્ય પેટા વિભાગ દ્વારા ગ્રાહકને રૂપિયા 50,53,456 નો અધધ દંડ ફટકારવામાં આવ્યો હતો. વીજ કંપની દ્વારા કડક કાર્યવાહીના ભાગરૂપે વીજ જોડાણ તાત્કાલિક અસરથી કાપી નાખવામાં આવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

મળતી વિગતો અનુસાર,  ગ્રાહકની ગત તારીખ 17 ફેબ્રુઆરી 2026 ના રોજની અરજીના અનુસંધાને તારીખ 26 ફેબ્રુઆરી 2026 ના રોજ ઢાબાનું જૂનું વીજ મીટર બદલવામાં આવ્યું હતું. આ જૂના મીટરને શંકાસ્પદ જણાતા લેબોરેટરી તપાસ માટે પીજીવીસીએલ તંત્ર દ્વારા કબજે લેવાયું હતું. ત્યારબાદ ગત તારીખ 25 મે 2026 ના રોજ જેતપુર લેબોરેટરી ખાતે આ મીટરનું ઝીણવટભર્યું પરીક્ષણ (લેબ ટેસ્ટિંગ) કરવામાં આવ્યું હતું. જેમાં મીટર સાથે ગંભીર ચેડાં કરી મોટા પાયે વીજ ગેરરીતિ આચરવામાં આવી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો.

આ આખીય ગેરરીતિ સામે આવતા જ PGVCL એક્શન મોડમાં આવ્યું હતું. તંત્ર દ્વારા ઢાબા માલિકને તાત્કાલિક ધોરણે રૂ. 50.53 લાખથી વધુનું પૂરવણી બિલ એટલે કે દંડ ફટકારવામાં આવ્યું છે. આ સાથે જ નિયમ મુજબ કડક પગલાં ભરીને ગત તારીખ 3 જૂન 2026 ના રોજ પેટા વિભાગની ટીમ દ્વારા આ ગલગલીયા ઢાબાનું વીજ જોડાણ કાયમી ધોરણે ડિસ્કનેક્ટ (કાપી) કરી દેવામાં આવ્યું છે. સરકારી તંત્રની આ આકરી કાર્યવાહીથી વીજચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.