Sat Jun 06 2026

Logo

1800 કરોડ કમાણી છતાં પણ રણવીર સિંહની ધૂરંધર ના તોડી શકી આ સાઉથના સુપરસ્ટારની ફિલ્મનો રેકોર્ડ...

2026-06-06 20:45:34
Author: Darshana Visaria
Article Image

બોલીવૂડના સુપરસ્ટાર રણવીર સિંહ અને 'ઉરી' ફેમ ડાયરેક્ટર આદિત્ય ધરની મોસ્ટ અવેટેડ સ્પાઉ થ્રિલર ફિલ્મ 'ધુરંધર ટુ' જ્યારે 19મી માર્ચના થિયેટરમાં રીલિઝ થઈ હતી, ત્યારથી જ બોક્સ ઓફિસ પર કમાણીના રેકોર્ડ તોડીને બધાને ચોંકાવી દીધા હતા, થિયેટરોમાં સળંગ અગિયાર અઠવાડિયા એટલે કે 78 દિવસ સુધી ધૂમ મચાવ્યા બાદ હવે આ ફિલ્મનું થિયેટ્રિકલ સફર પૂરું થયું છે. આ દરમિયાન ફિલ્મે કમાણીના એવા મુકામ હાંસિલ કર્યા છે કે જે બોલીવૂડના ઇતિહાસમાં અત્યાર સુધી કોઈ હિન્દી ફિલ્મ કરી શકી નથી.

બોલીવૂડની સૌથી મોટી ફિલ્મ, વર્લ્ડવાઇડ 1800 કરોડ પાર!

'ધુરંધર ટુ' એ 11 અઠવાડિયા દરમિયાન બોક્સ ઓફિસ પર નોટોનો વરસાદ કર્યો છે. ફિલ્મે ભારતીય બજારમાં 1149.02 કરોડ રૂપિયાની ઐતિહાસિક નેટ કમાણી કરી છે, જ્યારે તેનું ગ્રોસ કલેક્શન 1375.11 કરોડ રૂપિયા રહ્યું છે. ગ્લોબલ માર્કેટની વાત કરીએ તો, આ ફિલ્મે વર્લ્ડવાઇડ 1800 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરીને નવો ઈતિહાસ રચી દીધો છે. આ સાથે જ તે બોલીવૂડના ઇતિહાસની 'સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ' બની ગઈ છે અને આમિર ખાનની 'દંગલ' પછી દુનિયાભરમાં બીજી સૌથી મોટી ભારતીય ફિલ્મનો તાજ પોતાના નામે કર્યો છે.

એડીચોટીનું જોર લગાવવા છતાં 'પુષ્પા ટુ'થી રહી ગઈ પાછળ

રણવીર સિંહની આ ફિલ્મે બોલિવૂડની તમામ ફિલ્મોને ધૂળ ચટાડી દીધી, પરંતુ આટલી ભયંકર કમાણી કરવા છતાં તે સાઉથ આઇકોન અલ્લુ અર્જુનની 'પુષ્પા ટુ'ના અજેય રેકોર્ડને તોડી શકી નથી. થિયેટરોમાં 65 દિવસ સુધી રાજ કરનારી 'પુષ્પા ટુ' એ ભારતમાં 1234.10 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું હતું, જેનું ગ્રોસ કલેક્શન 1471.10 કરોડ રૂપિયા હતું. 'ધુરંધર ટુ' ના મેકર્સે ખૂબ જોર લગાવ્યું પરંતુ તે 'પુષ્પા ટુ'ના કલેક્શનથી થોડી પાછળ રહી ગઈ.

સાઉથમાં કેમ ફસડાઈ 'ધુરંધર ટુ'?

આટલી શાનદાર કમાણી છતાં 'ધુરંધર ટુ' ભારતીય બોક્સ ઓફિસ પર 'પુષ્પા ૨' થી પાછળ રહી જવાનું મુખ્ય કારણ તેનું પ્રાદેશિક કનેક્શન છે. 'ધુરંધર ટુ' એ હિન્દી બેલ્ટમાં તો રેકોર્ડતોડ કમાણી કરી, પરંતુ સાઉથના રાજ્યોમાં તે ધાર્યો ક્રેઝ બનાવી શકી નહીં. બીજી તરફ, 'પુષ્પા ટુ' એ સાઉથની સાથે-સાથે હિન્દી વર્ઝનમાં પણ અદભુત કમાણી કરીને ઓલ-ઇન્ડિયા લેવલ પર ધમાકો કર્યો હતો.

હવે થિયેટરો પછી ઓટીટી પર મચાવશે ધૂમ!

આજના સમયમાં જ્યારે ફિલ્મો થિયેટરોમાં માંડ બે અઠવાડિયા ટકી શકતી નથી, ત્યાં 'ધુરંધર ટુ' એ સતત 78 દિવસ સુધી કમાણીના નવા રેકોર્ડ બનાવ્યા છે જે કોઈ નાની સૂની વાત નથી. જો તમે આ ફિલ્મ થિયેટરમાં જોવાનું ચૂકી ગયા હોવ, તો તમારા માટે ખુશખબર છે! ફિલ્મે હવે ઓટીટી પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરી દીધું છે. તમે આ શાનદાર સ્પાય થ્રિલર ફિલ્મને હવે ઘરે બેઠા ઓટીટી પ્લેટફોર્મ પર સ્ટ્રીમ કરી શકો છો.