Tue Sep 15 2026

Logo

પાકિસ્તાનમાં મૅચ વખતે હાસ્યાસ્પદ ઘટનાઃ જોરદાર પવન ફૂંકાતાં કવર ઊડી ગયું, કેટલાક માળીઓ નીચે પડ્યા, અમુક દૂર ફેંકાયા

lahore   2026-04-01 20:05:35
Author: Ajay Motiwala
પાકિસ્તાનમાં મૅચ વખતે હાસ્યાસ્પદ ઘટનાઃ જોરદાર પવન ફૂંકાતાં કવર ઊડી ગયું, કેટલાક માળીઓ નીચે પડ્યા, અમુક દૂર ફેંકાયા

લાહોરઃ પાકિસ્તાન સુપર લીગ (PSL)માં મંગળવારે જબરી હાસ્યાસ્પદ ઘટના બની ગઈ જેમાં લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં ઇસ્લામાબાદ યુનાઇટેડ અને પેશાવર ઝલ્મી ટીમ વચ્ચેની મૅચ વખતે ટૉસ અગાઉ ભારે વરસાદની સાથે જોરદાર પવન (Wind) પણ ફૂંકાયો હતો જેને કારણે પિચ પરનું વિશાળ અને વજનદાર કવર ઊડ્યું એ સાથે કેટલાક માળીઓ નીચે પડી ગયા હતા અને અમુક માળીઓ કવરના વજનને કારણે દૂર ફેંકાઈ ગયા હતા.

સલામતીના કારણસર પીએસએલમાં પ્રેક્ષકોને આવવાની મનાઈ છે. જોકે મેદાન પર આ મૅચ પહેલાં જેટલા પણ લોકો હાજર હતા તેઓ મૂંઝાઈ ગયા હતા, ભાગદોડ મચી ગઈ હતી અને નાટ્યાત્મક બનાવો બન્યા હતા.ભારે પવન ફૂંકાતાં પિચ પરનું કવર ઊડવા લાગ્યું ત્યારે એના પર ઊભેલા કેટલાક માળીઓ સમતોલપણું ગુમાવતાં નીચે પડી ગયા હતા અને કેટલાક પર વજનદાર કવર આવી પડતાં તેઓ દૂર ફંગોળાઈ ગયા હતા.

પવન ધાર્યા કરતાં વધુ વેગ સાથે ફૂંકાયો હતો જેને લીધે માળીઓના હાથમાંથી કવરના છેડા છૂટી ગયા હતા. એકધારો વરસાદ પણ પડ્યો હતો અને થોડી વાર માટે તો માળીઓ એકમેકને પણ મદદ નહોતા કરી શક્યા. છેવટે વરસાદને કારણે આ મૅચ રમાઈ જ નહોતી.