Sat May 16 2026

Logo

એકસ્ટ્રા અફેરઃ યુદ્ધ ના અટકે તો પેટ્રોલ-ડીઝલમાં રેશનિંગ પણ આવી શકે

2026-05-16 08:38:00
Author: Baharat Bhardwaj
Article Image

ભરત ભારદ્વાજ

અંતે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થઈ ગયો ને સાથે સાથે ગુજરાત સહિતનાં ઘણાં રાજ્યોમાં સીએનજીના ભાવ પણ વધી ગયા. શુક્રવારે સવારના પહોરમાં જ ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલ બંનેમાં લિટરે 3-3 રૂપિયાનો વધારો કરવાની જાહેરાત કરી નાંખી. તેમાં ટેક્સ ઉમેરો એટલે લગભગ સવા ત્રણ રૂપિયાનો વધારો થયો છે. તેમના કારણે ડીઝલના ભવા લિટરે 90 રૂપિયાને પાર થઈ ગયા છે જ્યારે પેટ્રોલનો ભાવ 100 રૂપિયાની નજીક પહોંચી ગયો છે. હવે બીજો લિટરે બે-ત્રણ રૂપિયાના વધારાનો ઘસરકો મરાય એટલે પેટ્રોલ સો રૂપિયાને પાર થઈ જશે. મહારાષ્ટ્રમાં સીએનજીના ભાવમાં બે દિવસ પહેલાં જ કિલોએ ત્રણ રૂપિયાનો વધારો કરાયેલો. હવે ગુજરાત સહિતનાં રાજ્યોમાં બે રૂપિયાનો વધારો ઝીંકાતા સીએનજી પણ મોંઘું થઈ ગયું છે. 

પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયેલા વધારાથી લોકોને આંચકો નથી લાગ્યો કેમ કે લોકોને ખબર હતી જ કે, ગમે ત્યારે ભાવવધારો આવવાનો જ છે. દેશનાં પાંચ રાજ્યોમાં ચૂંટણી પતશે એટલે તરત પેટ્રોલ-ડીઝલના ભાવ વધી જ જશે એવી અટકળો નરેન્દ્ર મોદી સરકારના ભૂતકાળના ટે્રક રેકોર્ડના આધારે ચાલતી જ હતી. ભૂતકાળમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ વધ્યા ત્યારે ચૂંટણી હોવાથી ભાવ નહોતા વધારાયા પણ ચૂંટણી પતી કે તરત ભાવવધારો ઝીંકાયેલો જ. તેના કારણે લોકોને ખાતરી હતી કે, ગમે ત્યારે ભાવ વધશે જ  પણ સરકાર એવું જ કહ્યા કરતી હતી કે, પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં વધે કેમ કે તેના કારણે સામાન્ય લોકો પર બોજ પડશે. 

ચૂંટણી પતી ને પરિણામ આવી ગયાં તેના અઠવાડિયા લગી ભાવ ના વધ્યા એટલે લોકોને ભરોસો બેસવા માંડેલો કે, સરકાર આ વખતે બોલીને ફરી નહીં જાય. આ ભરોસો પાકો થાય એ પહેલાં તો મોદી સાહેબે દુનિયા માટે કપરો સમય હોવાનું જાહેર કરીને લોકોને પેટ્રોલ-ડીઝલ કરકસરથી વાપરવાની સૂફિયાણી સલાહ આપી દીધી. મોદી સાહેબે વરસ લગી સોનું નહીં ખરીદવા સહિતનું જ્ઞાન પણ પિરસેલું. સાહેબે પિરસેલા જ્ઞાનના કારણે નક્કી હતું કે, હવે ઓઈલ કંપનીઓનો સંયમ તૂટી ગયો છે અને ગમે ત્યારે ભાવવધારો ઝીંકાશે જ. 

મીડિયા અને સોશ્યલ મીડિયામાં તો આ વખતનો ભાવવધારો તબલાંતોડ હશે એવી વાતો પણ વહેતી થઈ ગયેલી. પેટ્રોલ ને ડીઝલ બંનેમાં લિટરે 10-15 રૂપિયાનો ભાવવધારો આવશે એવા દાવા થવા માંડેલા. પાનના ગલ્લે બેસનારા નિષ્ણાતો તો વળી 50 રૂપિયાનો વધારો થશે ને પેટ્રોલ 150 રૂપિયાને પાર થશે એવી વાતો કરતા હતા. આ બધી વાતો જોતાં લિટરે ત્રણ રૂપિયાનો વધારો હળવી ટપલી જેવો છે ને કમ સે કમ અત્યારે તો શૂળીનો ઘા સોયથી ટળ્યો હોય એવું લાગે છે. અલબત્ત ઓઈલ કંપનીઓ ત્રણ રૂપિયાનો ભાવવધારો કરીને સંતોષ માનવાની નથી  એ જોતાં પંદરેક દાડા પછી બીજો ડોઝ અપાય એવું બને.

જો કે તેમાં ઓઈલ કંપનીઓનો વાંક નથી. અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ બંધ નહીં થાય ત્યાં લગી હોર્મુઝ સ્ટે્રઈટ ખૂલશે નહીં ને ક્રૂડ ઓઈલનો પુરવઠો સામાન્ય નહીં થાય.  તેના કારણે આપણે બીજે રસ્તેથી ક્રૂડ ઓઈલ મગાવવું પડશે તેથી ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધશે. પુરવઠો ખોરવાયો તેના કારણે ક્રૂડ ઓઈલના ભાવ પણ વધ્યા છે. સાઉદી અરેબિયા સહિતના દેશો મોકાનો ફાયદો લઈને ઉત્પાદન પણ ઘટાડીને બેસી ગયા છે. આ બધાં કારણોસર હજુ ક્રૂડના ભાવ વધશે તેથી ઓઈલ કંપનીઓની પડતર ઊંચી જશે. 

આપણે ત્યાં પેટ્રોલ-ડીઝલ પરનો ટૅક્સ સરકારની આવકનો મોટો સ્રોત છે ને તેમાં પણ હવે ઘટાડો થાય તેમ નથી તેથી લોકોએ હજુ બીજા ભાવવધારા માટે તૈયાર રહેવું પડશે. બાકી તો પેટ્રોલ-ડીઝલમાં રેશનિંગ આવી જાય એવા દિવસો પણ જોવા પડી શકે છે. સ્થિતિ ગંભીર થાય તો પરિવારદીઠ 5 લિટર જ પેટ્રોલ મળે કે કારદીઠ 10 લિટર ડીઝલ મળે એ પ્રકારનાં નિયંત્રણો પણ લાદવાં પડી શકે છે. ભાવવધારો કે રેશનિંગ ના આવે તેનો એક માત્ર રસ્તો ઈરાન અને અમેરિકા વચ્ચે સમાધાન છે તેથી આ સમાધાન જેમ જલદી થાય એવી પ્રાર્થના પણ કરવી પડશે.

આ પ્રાર્થનાનું ફળ ક્યારે મળશે એ ખબર નથી પણ ઈરાન-અમેરિકા યુદ્ધના કારણે સર્જાયેલી ઊર્જા કટોકટીએ આપણી નબળી વિદેશ નીતિ અને વિઝન વિનાની નેતાગીરીની પોલ ખોલી નાંખી છે. આપણી વિદેશ નીતિ નબળી એ રીતે કહેવાય કે, આપણે ઈરાન પર દબાણ લાવીને કે સારા સંબંધોના જોરે ભારતમાં ક્રૂડનાં જહાજોને હોર્મુઝ સ્ટ્રેઈટમાંથી પસાર થવાની મંજૂરી નથી અપાવી શકતાં. યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધ વખતે યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને બહાર કઢાવવા માટે ભારતે યુદ્ધ રોકાવડાવી દીધું ને વિશ્વગુરુ ભારતની વાત હવે દુનિયામાં બધાંએ માનવી જ પડે છે એવી વાતોનાં વડાં બહુ થયેલાં. આ બહાને મોદી સાહેબનો જયજયકાર કરી દેવાયેલો.  

હવે હોર્મુઝની ખાડીમાંથી ભારતનાં જહાજ પણ પસાર નથી થતાં ને ક્રૂડ ઓઈલનો પુરવઠો ખોરવાયો છે ત્યારે વિશ્વગુરુનો જાદુ ને પ્રભાવ ગાયબ છે. ઈરાન સાથે એક સમયે આપણે ગાઢ સંબંધો હતા પણ આપણે અમેરિકાના પડખામાં ભરાયા તેમાં આ સંબંધો બગડ્યા. ઈરાને ભારતને છોડીને ચીનને પકડ્યું ને તેના કારણે ઈરાન હવે આપણને ગણકારતું નથી તેમાં પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ કરકસરથી કરવાની ને ભાવવધારો કરવાની ફરજ પડી છે. 

કંઠીધારીઓ તો સોશ્યલ મીડિયા પર હજુય એવી રેકર્ડ વગાડે છે કે, બીજા દેશોમાં પેટ્રોલના ભાવ 300 રૂપિયા થઈ ગયા છે જ્યારે આપણે ત્યાં તો હજુય ભાવ 100ની અંદર છે. આ બીજા દેશ એટલે કોણ? પાકિસ્તાન ને બાંગ્લાદેશ. જેમની માનસિકતા પોતાના દેશની સરખામણી પાકિસ્તાન ને બાંગ્લાદેશ સાથે કરીને ખુશ થવાની હોય તેમને કશું કહેવાનો મતલબ નથી. 

આપણી બીજી નિષ્ફળતા પેટ્રોલ-ડીઝલ સહિતના ફ્યુઅલ માટે વિદેશો પરની નિર્ભરતા છે. કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકાર આવી ત્યારથી ક્રૂડ ઓઈલનું બિલ ઘટાડવાની વાતો થયા કરે છે પણ બિલ ઘટતું નથી પણ વધતું જ જાય છે. રૂપિયો સતત તૂટતો જ જાય છે ને તેના કારણે ડૉલરની ખરીદી માટે આપણે વધારે ખર્ચ કરવો પડે છે તેમાં પણ આપણે લાંબા થઈ રહ્યા છીએ. 

આ સ્થિતિ શરમજનક કહેવાય ને તેનું કારણ એ છે કે, આપણે વાતોમાં શૂરા છીએ, કર્મે નહીં. પેટ્રોલ-ડીઝલ પરની નિર્ભરતા ઘટાડવા માટે નવી ટેકનોલોજી વિકાસવવાની તો આપણી ત્રેવડ નથી જ પણ અસરકારક ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ બનાવીને લોકો અંગત વાહનોનો ઉપયોગ ટાળે એવું પણ આપણે કરી શકતા નથી. સરકારી તંત્ર દ્વારા કરાતા પેટ્રોલ-ડીઝલના બેફામ ધુમાડાને પણ આપણે નથી રોકી શકતા ને લોકો એટલા નપાણિયા છે કે, તેની સામે અવાજ ઉઠાવવાની હિંમત નથી. આ સંજોગોમાં ભાવવધારા સહન કર્યા કરવા સિવાય બીજા વિકલ્પ નથી.