(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: આઝાદીના વર્ષો બાદ પણ જાતિવાદની સમસ્યાથી આપણો સમાજ પીડાઈ રહ્યો છે. પાટણ જિલ્લાના હાજીપુર ગામે પટણી સમાજના એક યુવકના લગ્નનો વરઘોડો જ્યારે ઠાકોર સમાજના વિસ્તાર બાજુથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે જ્ઞાતિસૂચક અપશબ્દો કહીને 5 શખ્સોએ વરઘોડા પર હિંસક હુમલો કર્યો હોવાના આક્ષેપ સાથે પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે હુમલાખોરોએ વરરાજાને ઘોડા પરથી નીચે પછાડી દઈ તેમનો લગ્નનો સૂટ ફાડી નાખ્યો હતો.
મળતી વિગતો અનુસાર, હાજીપુર ગામના રહેવાસી કૌશીકભાઈ પટણીના લગ્ન પ્રસંગમાં પરિવારજનો અને સબંધીઓ ધામધૂમથી વરઘોડા સાથે પરત ફરી રહ્યા હતા, ત્યારે આ બનાવ બન્યો હતો. ફરિયાદીના આક્ષેપ અનુસાર, તેના જ ગામના રામુજી ઠાકોર નામના શખ્સ અચાનક વરઘોડાની વચ્ચે ધસી આવ્યા હતા અને વરરાજાને નીચે પછાડી દીધા હતા. આ સમયે વરરાજાને બચાવવા વચ્ચે પડેલા તેમના કાકા પર અન્ય બે શખ્સો હુમલો કરી કપાળ તેમજ બરડાના ભાગે ઈજાઓ પહોંચાડી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ હિંસક ઝપાઝપીમાં વચ્ચે પડેલા વરરાજાના કાકી અને માતાને પણ શારીરિક ઈજાઓ પહોંચી હતી.
આ દરમિયાન બીજા બે શખ્સો પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને જાતિસૂચક અપશબ્દો કહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ માથાકૂટ બાદ ગામના અન્ય લોકો પણ એકઠા થઈ જતાં આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપીને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હોવાનો ફરિયાદમાં આક્ષેપ છે. આ ઘટના બાદ વરરાજાએ પોલીસ સમક્ષ પાંચેય હુમલાખોરો વિરૂદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ઘટના બાદ સામાજિક તંગદિલીને ધ્યાનમાં રાખીને સુરક્ષા ખાતર ચુસ્ત પોલીસ પહેરો ગોઠવી દેવામાં આવ્યો હતો.